તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિન્નરો V/S ટ્રાન્સજેન્ડર મહિલા:રાજકોટના કિન્નરો ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા, કહ્યું- ડુપ્લિકેટ કિન્નરના કારણે અસલી કિન્નરોને બદનામી મળે છે

4 મહિનો પહેલા
સર્વત્ર કિન્નરો પર આક્ષેપો થતા કિન્નરોએ ન્યાયની માંગણી કરી હતી
  • એ ડિવિઝન પોલીસને અરજી આપી ન્યાયની માંગ કરી
  • સોશિયલ મીડિયામાં અમારા વિરુદ્ધ બધુ ખોટું વાઇરલ થાય છે
  • અમારી પાસે સબૂત છે કે અમે સાચા છીએ- કિન્નરો

રાજકોટમાં મનપાની ચૂંટણી કરતા પણ કોઈ ઘટનાએ ચર્ચા જગાવી હોય તો એ છે રાજકોટના કિન્નરો અને ટ્રાન્સજેન્ડર મહિલા પાયલની. થોડા દિવસ પહેલા રાજકોટના ટ્રાન્સજેન્ડર મેહુલ ઉર્ફે પાયલ દ્વારા તેને ડુપ્લિકેટ કિન્નર સમજીને કિન્નરોએ તેનું અપહરણ કરી માર માર્યો હોવાની પોલીસમાં અરજી આપી હતી. ત્યારબાદ બે દિવસ પૂર્વે કિન્નરોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિર્વસ્ત્ર હાલતમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને આજે ફરી તમામ કિન્નરો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એકઠા થઇ લેખિત અરજી આપી ન્યાયની માંગ કરી હતી. કિન્નરોનું કહેવું છે કે, ડુપ્લિકેટ કિન્નરના નામે મેહુલ ઉર્ફે પાયલ અસલી કિન્નરોને બદનામ કરે છે જેની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

અમારી પાસે સબૂત છે કે અમે સાચા છીએ-કિન્નરો
આ બનાવ અંગે કિન્નરોએ જણાવ્યું હતું કે, પાયલ એમ બોલે છે કે અમે તેને ઢોર માર માર્યો એ વાત સાવ ખોટી છે, અમે એને કંઈ નથી કર્યુ અને આ વાતના સાબિતી અમારી પાસે છે, એટલે જ અમે પોલીસને લેખિતમાં અરજી કરવા આવ્યા છીએ કે આવા ખોટા લોકોનું રક્ષણ ન કરો. અમારું અમારા સમાજ સિવાય બીજું કોઈ નથી માટે અમારો સાથ આપો

કિન્નરે કહ્યું- પાયલની વાત સાવ ખોટી છે.
કિન્નરે કહ્યું- પાયલની વાત સાવ ખોટી છે.

સોશિયલ મીડિયામાં અમારા વિરુદ્ધ બધુ ખોટું વાઇરલ થાય છે
રાજકોટમાં રહેતા દરેક કિન્નરો પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અમારા વિરુદ્ધ ઈન્ટરનેટમાં અને સોશિયલ મીડિયામાં જે વાઇરલ થઈ રહ્યું છે એ બધું તદ્દન ખોટું છે, અમારા સમર્થનમાં માત્ર અમે લોકો જ છીએ અને આ પાયલ વ્યક્તિ જ ખોટો છે, માટે અમે સૌને વિનંતી કરીએ છીએ કે સોશિયલ મીડિયામાં અમારા વિરુદ્ધ બધુ ખોટું વાઇરલ થાય છે એના પર વિશ્વાસ ન કરો.

ગોંડલ ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડીએ આવા 10થી 12 ડુપ્લિકેટ કિન્નરો ફરે છે
વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગોંડલ ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડીએ આવા 10થી 12 ડુપ્લિકેટ કિન્નરો ફરે છે, આનાથી અમારો સમાજ બદનામ થાય છે, જે લોકો ખોટા કિન્નર બનીને ફરે છે એમને દંડ તો થવો જ જોઈએ.

ખોટા કિન્નર બનીને ફરે છે એમને દંડ તો થવો જ જોઈએ
ખોટા કિન્નર બનીને ફરે છે એમને દંડ તો થવો જ જોઈએ

‘જસ્ટિસ ફોર પાયલ રાઠોડ’ દેશભરમાં ઝુંબેશ શરૂ થઇ
પુના રહેતી ટ્રાન્સ એક્ટિવિસ્ટ દામિની સિન્હાએ કહ્યું હતું કે, પાયલ રાઠોડ મહિલા છે, તેણે ઓપરેશન કરાવ્યું નથી તેનો અર્થ એ નથી કે તેને મહિલા તરીકે જીવવાનો અધિકાર નથી. કિન્નરો પાયલ પર ખોટા આક્ષેપો કરી તેને પરેશાન કરી રહ્યાં છે અને આ મામલો પોતાના ધ્યાને આવતા ‘જસ્ટિસ ફોર પાયલ રાઠોડ’ #justiceforpayal દેશભરમાં ઝુંબેશ શરૂ કરી છે અને જ્યાં સુધી પાયલને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઝુંબેશ ચાલુ રહેશે.

પાયલ સ્ત્રીઓના કપડાં પહેરી નાટક કરતી હોવાનો કિન્નરોનો આક્ષેપ
કિન્નરોએ આક્ષેપ કર્યો હતો કે, પાયલ રાઠોડ પુરુષ હોવા છતાં સ્ત્રીઓના કપડાં પહેરી કિન્નર હોવાનો સ્વાંગ રચી ઉઘરાણા કરે છે, પાયલને રાજકોટ બહાર ધકેલી દેવાની માંગ કરી હતી. બીજી બાજુ પાયલ રાઠોડે કહ્યું હતું કે, પોતે ટ્રાન્સવુમન છે, પેઇન્ટિંગ કરી ગુજરાન ચલાવે છે, કિન્નરોના ગુરુનું પોતે અમપાન કર્યુ નહીં હોવા છતાં તેની માફી માગવાની જીદ કરી તેને મારકૂટ કરવામાં આવી હતી અને જ્ઞાતિ અંગે પણ હડધૂત કરવામાં આવી હતી.

પાયલ સ્ત્રીઓના કપડાં પહેરી નાટક કરતી હોવાનો કિન્નરોનો આક્ષેપ
પાયલ સ્ત્રીઓના કપડાં પહેરી નાટક કરતી હોવાનો કિન્નરોનો આક્ષેપ

અપશબ્દો કહીને તેનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી પાયલ નામની ટ્રાન્સવુમન પર લોધાવડ ચોક પાસે યુવતીના વસ્ત્રો પહેરીને ઉભી હતી. ત્યારે શહેરમાં રહેતા કેટલાક કિન્નરોએ તેના પર નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે પાયલનું અપહરણ કર્યુ હતું. પાયલને ગોંધી રાખી બેરહેમીથી ઢોર માર માર્યો હતો, આટલેથી ન અટકયું હોય તેમ આ ટ્રાન્સવુમનને કિન્નરો દ્વારા જાહેરમાં તેને અર્ધ નગ્ન કરવામાં આવી હતી અને તેને અપશબ્દો કહીને તેનો વીડિયો ઉતારી,વાઇરલ કર્યો હતો.

બે દિવસ પહેલા પોલીસ સ્ટેશન ખાતે નિર્વસ્ત્ર થઈને કિન્નરોએ હંગામો મચાવ્યો હતો
બે દિવસ પહેલા પોલીસ સ્ટેશન ખાતે નિર્વસ્ત્ર થઈને કિન્નરોએ હંગામો મચાવ્યો હતો