લોકસાહિત્યકાર દેવાયત ખવડનો જેલવાસ લંબાયો:રાજકોટ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી, હવે હાઇકોર્ટના દ્વાર ખટખટાવી શકે, બિલ્ડર પર પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો

રાજકોટ16 દિવસ પહેલા

રાજકોટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે આ કેસમાં 9 દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ 10માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. બાદમાં દેવાયત ખવડે જામીન અરજી કરી હતી. જેની આજે સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. હવે દેવાયત ખવડ હાઇકોર્ટના દ્વાર ખટખટાવી જામીન અરજી કરી શકે છે.

દેવાયત ખવડના સાગરીત કાના રબારીની જામીન અરજી પણ ફગાવી
દેવાયત ખવડ અને તેના સાથી આરોપી કાના રબારીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા બન્નેનો જેલવાસ હજી લંબાયો છે. આ પહેલા કોર્ટે ડ્રાઈવિંગ કરનાર આરોપી કિશન કુંભારવાડિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. ફરિયાદી તરફના વકીલ તુષાર ગોકાણી અને સરકાર પક્ષે સરકારી વકીલ મહેશ જોશીની દલિલો કોર્ટે માન્ય રાખી જામીન અરજી રદ કરી છે. આગામી દિવસોમાં દેવાયત ખવડ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે.

રાજકોટ સેશન્સ કોર્ટે દેવાયત ખવડની જામીન અરજી રદ કરી.
રાજકોટ સેશન્સ કોર્ટે દેવાયત ખવડની જામીન અરજી રદ કરી.

કોર્ટે બન્ને પક્ષની રજૂઆત બાદ જામીન અરજી રદ કરી
સરકારી વકીલ મહેશ જોશીએ જણાવ્યું હતું કે, આજે નામદાર કોર્ટે લોકગાયક દેવાયત ખવડ અને તેના સાગરીત કાનાએ જામીન અરજી કરી હતી. આજે તેની સુનવણી હતી અને કોર્ટે બન્ને પક્ષોની રજૂઆત બાદ રદ કરી છે. હવે દેવાયત ખવડ ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગે અથવા તો ચાર્જશીટ સુધી રાહ જોવે તો તેટલો સમય તેને જેલમાં જ રહેવું પડશે. ફરિયાદ પક્ષ તરફથી મુખ્ય રજૂઆત એવી હતી કે, જે બનાવ બન્યો છે તેના સીસીટીવી ફૂટેજ છે. નંબર પ્લેટ વગરની કારનો ઉપયોગ થયો છે. કારની અંદર લોખંડના પાઈપ રાખવામાં આવ્યા હતા. કારને તુરંત બનાવસ્થળે પહોંચાડી બન્નેએ ઈજા પામનાર પર તૂટી પડે છે. આવા સંજોગોમાં સમાજ પર ખોટી અસર પડે તેમ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ જામીન અરજી રદ કરાઈ છે.

દેવાયત ખવડ 9 દિવસ ફરાર રહી 10માં દિવસે સામેથી ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો.
દેવાયત ખવડ 9 દિવસ ફરાર રહી 10માં દિવસે સામેથી ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો.

શું છે સમગ્ર મામલો?
કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.42) 7 ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ફટકા ઝીંકી દેવાયત સહિતના શખસ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.

પોલીસે દેવાયત ખવડની ધરપકડ કરી હતી.
પોલીસે દેવાયત ખવડની ધરપકડ કરી હતી.

મયૂરસિંહે પોલીસને બે મહિના પહેલાં અરજી કરી હતી
આજથી બે મહિના પૂર્વે મયૂરસિંહે પોલીસમાં કરેલી અરજી અનુસાર, હું તા.23/09/2021ના રોજ રાત્રે તેના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયો હતો. ત્યાંથી હું મારા ઘરે જવા નીકળ્યો ત્યારે મને ખબર પડી કે દેવાયત ખવડે મામાના ઘ૨ની ડેલી સામે ગેરકાયદે ગાડી પાર્ક કરી હતી અને ચાલ્યા ગયા હતા. જેથી અમે દેવાયત ખવડને આ અંગે જાણ કરી ગાડી હટાવી લેવા જણાવતાં નશામાં ધૂત દેવાયતે મને રિવોલ્વોર દેખાડીને કહ્યું હતું કે 'તારાથી થાય એ કરી લે, ગાડી ત્યાંથી નહીં હટે. પોલીસ પણ મારી મુઠ્ઠીમાં છે ગમે તે ગુનામાં ફિટ કરાવી દઈશ..' આવી ધમકી આપી હતી. એ જ રાત્રે અમે પોલીસ બોલાવી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો અને અમારી જ્ઞાતિના મોભીઓએ દેવાયત સાથે અમારું સમાધાન કરાવ્યું હતું.

દેવાયત ખવડનું નામ ડાયરા કરતાં વિવાદમાં વધુ રહ્યું
દેવાયત ખવડ મૂળ રાજકોટ જિલ્લાના મૂળીદૂધઈ ગામનો વતની છે. આ જ ગામમાં તેણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેના પિતા દાનભાઈ ખવડ મજૂરીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. બાળપણથી દેવાયત જાણીતા લોકસાહિત્યકાર ઇશરદાન ગઢવીને સાંભળતો હતો અને તેમની પ્રેરણાથી જ તે લોકસાહિત્યકાર બન્યો હતો. દેવાયત ખવડનું નામ ડાયરા કરતાં વિવાદમાં વધુ ગુંજે છે. દેવાયત ખવડ પોતાના ડાયરામાં હરહંમેશ એક સંવાદ બોલે છે. એમાં બે વર્ષ પૂર્વે તેણે ‘રાણો રાણાની રીતે હો’ સંવાદ ડાયરા દરમિયાન બોલ્યો હતો અને આ સંવાદને કારણે ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે આક્ષેપ પ્રતિ-આક્ષેપમાં સપડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...