રાજકોટના મોરબી રોડ પર આવેલા કાગદડીના મહંત જયરામદાસે 31 જૂનના રોજ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. બાદમાં મહંતની સ્યુસાઇડ નોટ મળી આવતા મંદિરના ટ્રસ્ટીએ 8 જૂને અલ્પેશ પ્રતાપભાઈ સોલંકી અને હિતેશ લખમણભાઈ જાદવ સામે ગુનો નોંધાવ્યો હતો. સતત બે મહિનાથી પોલીસ પકડથી દૂર બંને આરોપીએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. પોલીસે કોર્ટમાં સોગંદનામુ કર્યું હતું. ઉપરાંત પુરાવા અને નિવેદનો કોર્ટ સમક્ષ મૂકી આગોતરા રદ કરવા કરેલી રજુઆત સફળ રહી હતી અને કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. સાધુના મોતને બે મહિનાથી વધુ સમય થયો હોવા છતાં એક પણ આરોપી પકડાયો નથી.
1 જૂનના રોજ મહંતનો મૃતદેહ આશ્રમના રૂમમાંથી મળી આવ્યો હતો
મહંતે ગત તા.31 જૂનના રોજ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો. તા.1 જૂનના રોજ વહેલી સવારે તેમનો મૃતદેહ આશ્રમ ખાતેના તેમના રૂમમાંથી મળી આવ્યો હતો. આ મામલે તા.6 જૂનના રોજ પોલીસને મહંતની 20 પાનાની સ્યુસાઇડ નોટ મળ્યા બાદ ખુલાસો થયો હતો કે મહંતે તેમના ભત્રીજા અલ્પેશ સોલંકી અને અલ્પેશના બનેવી હિતેશ જાદવના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હતી. આ બન્નેએ મહંતનો બે યુવતી સાથે આપત્તીજનક સ્થિતિમાં વીડિયો ઉતારી લીધો હતો.
બન્ને આરોપીઓને મદદ કર્યાના આક્ષેપ
ત્યારબાદ છેલ્લા દોઢ વર્ષથી બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવતા હતા. આ દરમિયાન તપાસમાં ખુલ્યું હતું કે, મહંતના અનુયાયી વિક્રમ સોહલા (ભરવાડ)એ તા.30મેના રોજ બપોરના સમયે છરી અને ધોકા સાથે મહંત પાસે જઈ માર માર્યો હતો. તા.8 જૂનના રોજ કુવાડવા રોડ પોલીસે અલ્પેશ, હિતેશ સામે મહંતને મરવા મજબૂર કર્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત બન્ને આરોપીઓને મદદ કર્યાના આક્ષેપ સાથે તેમનો પણ આરોપી તરીકે ફરિયાદમાં સમાવેશ કરાયો હતો.
ડો.નિમાવતે ખોટુ ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હતું
બાદમાં પોલીસને જાણ થઈ હતી કે મહંતનું આપઘાતથી મોત હોવા છતાં વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી દેવ હોસ્પિટલના ડો.નિલેષ નિમાવતે તેમની હોસ્પિટલના ડો.કમલેશ કારેલીયા અને મેડિકલ ઓફિસર ડો.ભૌતિક સોજીત્રાને સુચના આપી કુદરતી મોત અંગેનું ખોટું ડેથ સર્ટી બનાવ્યું હતું. આ મામલે ત્રણેય ડોક્ટરને આરોપી બનાવાયા હતા. ઉપરાંત આશ્રમના ટ્રસ્ટી વકીલ રક્ષિત ક્લોલા પાસે અગાઉથી જ મહંતની સ્યુસાઇડ નોટ હોવા છતાં પોલીસને આપી નહોતી અને ગુનાને છૂપાવવા પ્રયાસ કરાયો હતો. જેથી તેમને પણ આરોપી બનાવાયા હતા.
આરોપી વિક્રમ સોહલાએ પણ જામીન માટે અરજી કરી હતી
આ બાદ ડો.નિમાવત અને વકીલ કલોલાએ આગોતરા માટે અરજી કરી હતી. જે હાઈકોર્ટે મંજૂર કરી હતી. આ બાદ વિક્રમ ભરવાડ રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી. આરોપી અલ્પેશ સોલંકી (રહે. પેઢાવાડા, કોડીનાર) અને હિતેષે જાદવ (રહે. પ્રશ્નાવાડા, સૂત્રપાડા રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી દરમિયાન પોલીસે સોગંદનામું રજૂ કરી આગોતરા જામીન ન આપવા રજુઆત કરેલી અને સરકારી વકીલે દલીલો કરી હતી કે, સ્યુસાઇડ નોટમાં મહંતે આરોપીઓને પોતાના મોતના જવાબદાર ઠેરવ્યા છે.
સ્યુસાઇડ નોટ મહંતે જ લખી છે
આરોપીઓ મહંતના બે મહિલાઓ સાથેના વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરતા હતા, સ્યુસાઇડ નોટ મહંતે જ લખી છે, જેનો પોઝિટિવ રિપોર્ટ પણ આવ્યો છે. બીજી તરફ આરોપી તરફેના વકીલે જુદા-જુદા ચુકાદો રજૂ કરી આગોતરા જામીન આપવા રજૂઆત કરી હતી. બંને પક્ષોની દલિલો ધ્યાને લીધા બાદ એડિશનલ સેશન્સ જજ પી.એમ. દવે દ્વારા તારણો અપાયા હતા કે આગોતરા જામીન અરજી કરનાર આરોપીઓ વિરુદ્ધ પ્રથમ દર્શનીય રીતે પુરાવાઓ રજૂ થયા છે
હિતેષ અને અલ્પેશે મહંતે ત્રાસ આપ્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
સ્યુસાઇડ નોટમાં હાલના આરોપીઓના નામ છે, સુસાઇડ નોટની હકીકત જોતા બન્ને આરોપીઓએ દુ:ખ ત્રાસ આપી બ્લેકમેઈલ કર્યા હોવાના આરોપો છે. આમ આરોપીઓનો મુખ્ય રોલ હોય, આરોપીઓ તપાસમાં સહકાર આપતા ન હોય, ગુનાની ગંભીરતા જોતા બંને આરોપીઓનું કસ્ટડિયલ ઇન્વેસ્ટિગેશન જરૂરી હોય તેમજ આરોપીઓને ગુનાની જાણકારી હોય તેમ છતાં પોલીસ તપાસમાં સહકાર આપતા ન હોવાથી ગુનાની ગંભીરતા ધ્યાને લઇ જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ અનિલ ગોગીયા રોકાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.