મેઘ મહેર:રાજકોટમાં 1.6 ડિગ્રી તાપમાન ઘટ્યું, રવિવારે વધુ એક ઈંચ વરસાદ વરસ્યો

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ગાજવીજ-પવન સાથે આજે ભારે વરસાદની આગાહી

રાજકોટમાં શનિવારે પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યા બાદ રવિવારે વધુ એક ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજકોટમાં સિઝનનો કુલ વરસાદ 37 ઈંચ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. શનિવારની સરખામણીએ રવિવારે બે ડિગ્રી તાપમાન ઘટ્યું હતું અને રાજકોટમાં મહત્તમ તાપમાન 33.7 ડિગ્રીએ પહોંચ્યું હતું. રવિવારે દિવસભર ગરમી અને બફારો રહ્યો હતો. સાંજના સમયે વાદળોથી આકાશ છવાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ પૂર્વે તેજ ગતિથી પવન ફૂંકાયો હતો. અંદાજિત એક કલાક સુધી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રવિવારે સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 35.3 ડિગ્રી રહ્યું હતું. જ્યારે સૌથી ઓછું તાપમાન દ્વારકામાં 31.3 ડિગ્રી હતું. રાજકોટમાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે દિવસે બફારો રહ્યો હતો. રાજકોટમાં સિઝનનો કુલ વરસાદ 37 ઈંચ પડ્યો છે જે સેન્ટ્રલ ઝોનમાં છે. જ્યારે વેસ્ટમાં 35.16 ઈંચ ઈસ્ટ ઝોનમાં 30 ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી બપોર બાદ વાતાવરણમાં પલટો આવે છે અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થાય છે.

ત્યારે આ અંગે હવામાન વિભાગના જણાવ્યાનુસાર હાલ દિવસ દરમિયાન ઊંચું તાપમાન જોવા મળે છે. જેને હાઈ ટેમ્પરેચર કહી શકાય. દિવસ દરમિયાન હવા ગરમ થઈને ઉપર જાય છે અને સીબી ક્લાઉડ એટલે કે, વાદળો બંધાઈ છે. આ વાદળો સાંજના સમયે કે રાત્રિના સમયે વરસે છે.

જેને કારણે સામાન્ય રીતે છેલ્લા બે દિવસથી સાંજના સમયે વરસાદ આવી રહ્યો છે. હજુ 14 સપ્ટેમ્બર સુધી વરસાદ માટે સપોર્ટેડ સિસ્ટમ છે. જોકે આ દિવસોમાં બપોર બાદ જ વરસાદનું જોર વધારે રહેશે. 14 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. રવિવારે સાંજના સમયે વરસાદ બાદ લોકો મોટી સંખ્યામાં બહાર નીકળતા ટ્રાફિકજામ થયો હતો.

જેતપુરમાં દોઢ કલાકમાં અઢી ઇંચ, જસદણમાં ઝાપટાં
રવિવારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં દોઢ જ કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત ગોંડલ, જસદણ, આટકોટ, વીરનગર,વીરપુર, ધોરાજી સહિતના શહેરોમાં સાંજ બાદ ગાજવીજ સાથે વાદળો વરસી પડ્યા હતા અને માર્ગો પર પાણી ચાલતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...