શાસક-વિપક્ષના લેખા-જોખા:સોમવારથી રાજકોટ મનપામાં શાસક-વિપક્ષના કામ પર લગામ, શાસક પક્ષે કહ્યું- કામનો સંતોષ, વિપક્ષે કહ્યું- શાસકના કામનો અસંતોષ, બંનેએ પ્રજા વચ્ચે રહીને કામ કરવાના કોલ આપ્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારથી મનપામાં શાસક-વિપક્ષના કામ પર લગામ લાગી જશે - Divya Bhaskar
સોમવારથી મનપામાં શાસક-વિપક્ષના કામ પર લગામ લાગી જશે
  • શાસક અને વિપક્ષને અમુક વિકાસના કામ કર્યાનો ગર્વ, અમુક કામ અધૂરા રહી ગયા તેનો વસવસો પણ
  • Divyabhaskarએ મેયર, કોર્પોરેટર અને વિપક્ષ નેતા સાથે વાતચીત કરી પ્રતિક્રિયા જાણી

સોમવારથી રાજકોટ કોર્પોરેશનની સત્તાધીશોની સત્તા ઉપર લગામ લાગી જશે. રાજકોટના ઈતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બનશે કે જેમાં વહીવટદાર ખુદ કોર્પોરેશનના કમિશનર ઉદિત અગ્રવાલ બની જશે. પરંતુ કમિશનર નીતિ વિષયક નિર્ણયો નહીં લઈ શકે. ત્યારે પ્રજા વચ્ચે રહેલા મેયર બીનાબેન આચાર્ય, સિનિયર કોર્પોરેટર અને વિપક્ષ નેતાએ પોતાના કામના લેખા-જોખા Divyabhaskar સાથે વાતચીત કરી વર્ણવ્યા હતા. જેમાં શાસકને કામનો સંતોષ છે તો વિપક્ષને શાસકના કામનો અસંતોષ છે. સોમવારે મેયર સહિતના પદાધિકારીઓ, સમિતિના ચેરમેનોની ઓફિસોને તાળા અને બોર્ડ ઉતારી લેવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટેનો પ્રોજેક્ટ મારાથી અધુરો રહી ગયો છે- મેયર
રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે પ્રજા માટે હું કામ કરૂ છું અને આગામી સમયમાં પણ પ્રજા માટે કામ કરતી રહીશ. પાર્ટીએ જે જવાબદારી મને આપી હતી તેને મે સારી રીતે પૂર્ણ કરી છે. અમે વધારે એ પ્રયત્ન કર્યો હતો કે સારા સારા હોકર્સ ઝોન કરીને નાના-નાના વેપારીઓને એક જ જગ્યાએ કામ ધંધો થાય એવું આયોજન કર્યું હતું. જે અમે પૂર્ણ કર્યુ તેનો સંતોષ છે. મારો એક ડ્રીમ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ માટેનો હતો કે તેને સારામાં સારી મલ્ટી લેવલની જે પરીક્ષા આવતી હોય છે. વિદ્યાર્થી ઘરે વાંચી ન શકે અને બધુ મટિરિયલ લઈ શકતા ન હોય જેથી તેઓ એક જ જગ્યા પર બેસીને તૈયારી કરી શકે એવું હતું. પણ આ પ્રોજેક્ટ અધૂરો રહી ગયો છે. આગામી ચૂંટણીમાં વિકાસ કામ માટેનો મારો મુદ્દો રહેશે.

અમારા વિસ્તારમાં લોકોનો એક પણ મુદ્દો અમે રહેવા દીધો નથી- સિનિયર કોર્પોરેટર
વોર્ડ નંબર એકના સિનિયર કોર્પોરેટર બાપભાઈ બિજલભાઈ આહિરે જણાવ્યું હતું કે અમે રામાદેવપીર ચોકડીનો ઓવરબ્રિજ અને એક નવો ગાર્ડન ખુલ્લો મૂક્યો છે. ટર્મ પૂરી થવામાં એક કોમ્યુનિટી હોલ છે જે મેં બજેટમાં મુક્યો છે. નાણાંવટી ચોક પાસે આવેલા પ્લોટમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટેનો પ્રોજેક્ટ મૂક્યો છે. આગામી ટર્મમાં પણ પ્રજાના કામો થાય એ જ ઉદેશ છે. સાચા કામ કરવા હોય તો બધા થાય. ખોટા કામ કરવા હોય તો ન થાય આપણે તો સાચા કામ કરવા છે. આગામી ચૂંટણીમાં પાર્ટી જે મુદ્દો આપે અથવા તો ટિકિટ આપે તો લડવાની છે.

સોમવારથી રાજકોટ કોર્પોરેશનની સત્તાધીશોની સત્તા ઉપર લગામ લાગી જશે
સોમવારથી રાજકોટ કોર્પોરેશનની સત્તાધીશોની સત્તા ઉપર લગામ લાગી જશે

ભાજપના શાસનમાં 33 ટકા જ કામો થયા છેઃ વિપક્ષ નેતા
રાજકોટના વોર્ડ નં.15ના કોંગ્રેસના કોર્પોરેટર અને મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, શાસક પક્ષના પ્રશ્નોને લઈને કોર્પોરેશનમાં નાના માણસોના ટોળા આવતા હતા અને તે લોકોનું કામ કરતો તો મને આત્મસંતોષ મળતો હતો. મંજૂરીમાં આવેલા બધા કામ થઈ ગયા છે. પરંતુ ચુનારાવાડના વોંકળાનું કામ અધૂરૂ રહી ગયું છે. હજી આપણી જવાબદારી છે કે જ્યાં સુધી નવા કોર્પોરેટર ન આવે તથા હું ફરી કોર્પોરેટર ન બનુ ત્યાં સુધી પ્રજાની સેવા ચાલુ જ રાખવી પડે. ચૂનારાવાડ ચોકમાં બ્રિજ સહિતના અનેક કામોમાં ધરણા, ઉપવાસ અને અટકાયત વહોરીને પ્રજાના અનેક કામો કર્યા છે અને કરતા રહેશું. રાજકોટમાં ભાજપ દ્વારા અનેક કામોનું સુચન થયું હતું. જેમાના 33 ટકા જ કામ થયા છે. આ પ્રશ્નો હું ઉઠાવી આગામી ચૂંટણી લડીશ.

ખરાબ પાણીના મુદ્દે અમે આગામી સમયમાં પણ લડત ચાલુ રાખીશું- કોંગ્રેસ કોર્પોરેટર
વોર્ડ નંબર 13ના કોંગ્રેસ કોર્પોરેટર પ્રભાત ડાંગરે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા હતી. જેના માટે અમે 26 વખત રજૂઆત કરી હતી અને ઉપવાસ આંદોલન પર કર્યા હતા. જે બાદ પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો હતો. છેલ્લા 20 વર્ષમાં શાસકપક્ષે જે કર્યું ન હતું. તે આજે હવે હલ થઈ ગયું છે. જો કે કેટલાક વિસ્તારમાં ખરાબ પાણીનો પ્રશ્ન છે. તે હજુ હલ કરવાનો બાકી છે. અમે પાછા ચૂંટણી લડીએ કે ના લડીએ પણ લોકોના કામ માટે અમે હંમેશા સાથે રહીશું. હવે પછીની ચૂંટણી અમે સ્થાનિક પ્રશ્નના મુદ્દે લડીશું. ખોડિયાર નગરમાં હજુ ખુલ્લી ગટરો છે. જે પ્રશ્ન હજુ પણ છે. જેના માટેની લડાઈ પણ આગામી સમયમાં ચાલુ રાખીશું