રોગચાળો વકર્યો:રાજકોટમાં મેલેરીયાના 4, ડેન્ગ્યુના 8 અને શરદી-ઉધરસના 224 કેસ નોંધાયા, સિઝનલ રોગચાળાના દર્દીઓની સંખ્યા વધી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મચ્છરજન્ય રોગચાળાના કારણે લોકોએ સતર્ક રહેવું પડે છે અને આરોગ્ય વિભાગની દોડાદોડી વધી છે. તા. 29-8 થી 04-9 દરમ્યાન મેલેરીયાના 4 અને ડેન્ગ્યુના 8 કેસ આવ્યા છે. જોકે ડેંગ્યુ પણ આ વર્ષે કોરોનાની જેમ જરા પણ તિવ્ર બન્યો નથી. બીજી તરફ સિઝનલ રોગચાળાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. એક સપ્તાહમાં શરદી, ઉધરસના 224, સામાન્ય તાવના 63 અને ખોરાકજન્ય ઝાડા-ઉલ્ટીના 68 દર્દીની નોંધ થઇ છે.

આ સ્થળો પર ફોગીંગ કરાયું
તંત્ર દ્વારા 64,922 ઘરોમાં પોરાનાશક અને 1844 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. જે વિસ્તારોમાં આ કામગીરી હેઠળ ચંદન પાર્ક શેરી નં. 1 થી 5, ચંદન પાર્ક મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, રૈયા ચોકડી ઓફિસ થી રૈયા રોડ ચંદન પાર્ક, ચંદનપાર્ક થી બાપાસિતારામ ચોક થી ગોપાલ ચોકથી સાઘુવાસવાણી રોડ થી યુનિ રોડ થી ચોક થી કિડની હોસ્પિટલવાળા રોડ થી તોરલ પાર્કતથા મેઇન રોડ આજુબાજુનો વિસ્તાર, આર્યશ્રી સોસા. અંબિકા ટાઉનશી૫, જીવરાજ પાર્ક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે તોરલ પાર્ક થી યુની. રોડ થી પ્રેમ મંદિર પાસે થી ભીમનગર રોડ થી મવડી પોલીસ લાઇન થી બાપાસીતારામ ચોક થી માટેલ ચોક, આર્યશ્રી સોસા.તથા મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, સ્વામીનારાયણ પાર્ક મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, સત્ય સાંઇ રોડ, સ્વામીનારાયણ પાર્ક થી ગીરનાર મજુર કોલોની થી ઘરમનગર થી બાલાજી હોલ પાસે થી આલા૫ હેરીટેઝ પાસે સત્યહાર્ટ હોસ્પિટલ મેઇન રોડ થી કે.કે.વી. સર્કલ વગેરેનો સમાવેશ થાય છે.

રૂા.1.84 લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો
ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે જુદી જુદી મિલકતોમાં ચેકીંગ કરીને રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 738 આસામીને નોટીસ તથા રૂા..1.84 લાખના વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવી છે.ડેન્ગ્યુ અને મેલેરીયા સહિતના મચ્છરજન્ય રોગચાળા અટકાયત માટે તકેદારીના તમામ પગલા લેવા મહાપાલિકાએ લોકોને અપીલ કરી છે.

ડેન્ગ્યુ-મલેરિયાના મચ્છર ફક્ત 50 મીટરમાં જ ઊડે, બે ઘરમાં સફાઈ થાય તો ત્રીજા ઘરે રોગ ન પહોંચે : ડો. પંડ્યા રાજકોટના અગ્રણી પેથોલોજિસ્ટ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ડો. અતુલ પંડ્યા જણાવે છે કે, ‘ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ હજુ ગત વર્ષની સરખામણીએ પણ પ્રમાણમાં વધ્યા નથી ઓછા આવી રહ્યાં છે પણ તેને વધતા વાર નહિ લાગે કારણ કે આ લોકોના આચરણ સાથે સીધો જોડાયેલો રોગ છે. આ રોગ માત્રને માત્ર મચ્છરથી ફેલાય છે અને આ મચ્છર જે સ્થળે પોરામાંથી પુખ્ત બન્યા હોય છે ત્યાંથી માંડ 50 મીટર પણ દૂર જતા નથી ત્યાં જ રહે છે. એનો સીધો અર્થ એ છે કે વ્યક્તિ પોતાના ઘરની સફાઈ રાખે, મચ્છરોના બ્રીડિંગ થાય તેવા પાણીના સ્ત્રોત દૂર કરે એટલે તેના ઘરમાં મચ્છર આવવાના નથી તેની સાથે તેના પાડોશીએ પણ આ જ કરવું પડે. બે ઘરની વચ્ચે બ્રિડિંગ થઈ શકે તેવી જગ્યા હોય તો બન્ને સાથે મળીને તેની સફાઈ કરવી પડે. બે ઘર આટલી ચીવટ રાખે એટલે તેનાથી દૂર ત્રીજા ઘર સુધી મચ્છર પહોંચવાના જ નથી. આ રીતે જ સાઇકલ તોડી શકાય છે. લોકોમાં જેટલી જાગૃતિ આવે તેટલો જ રોગ ઘટશે.’

વાઇરલનો ઉપદ્રવ ઘટતા કેસમાં પણ ઘટાડો
શહેરમાં છેલ્લા એક મહિનાથી વાઇરલ તાવ-શરદીનો ઉપદ્રવ ખૂબ જ વધ્યો હતો પણ હવે તે ક્રમશ: ઘટી રહ્યો છે અને 3 સપ્તાહ બાદ કેસમાં ઘટાડો દેખાયો છે. ગત સપ્તાહે તાવ-શરદીના 384 અને ઝાડા-ઊલટીના 115 કેસ હતા તેમાં ઘટાડો આવ્યો છે અને હવે 287 તાવ-શરદી જ્યારે ઝાડા-ઊલટીના 28 કેસ આવ્યા છે.

સાત દિવસ કોરા મળ્યા તો રોગ વધુ વકરશે
સામાન્ય રીતે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરને બ્રીડિંગની એક સાઇકલ પૂરી કરતા 7 દિવસ થાય છે અને આવી એક સાઇકલ પૂરી થાય એટલે મચ્છરોની સંખ્યા અનેકગણી વધી જાય છે અને રોગ પણ વધે છે. જોકે તે માટે સ્વચ્છ અને બંધિયાર પાણીની જરૂર હોય છે રાજકોટમાં હજુ સુધી 7 દિવસ કોરા જતા નથી એકાદ વખત વરસાદ આવી જતા પાણી બંધિયાર રહેતું નથી આમ છતાં ઘણા સ્થળોએ બ્રીડિંગ રહેતા સંખ્યા વધી રહી છે. આવતા સપ્તાહે કે જ્યારે વરસાદની સિઝન પૂરી થશે ત્યારબાદ રોગચાળો વકરવાની વધુ શક્યતા તબીબો વ્યક્ત કરી રહ્યાં છે. લોકો સાવચેત રહે તો રોગચાળો અટકી શકે છે.