કોલ્ડવેવ:રાજકોટમાં સિઝનનું સૌથી નીચું 9 ડિગ્રી તાપમાન નોંધાયું, હજુ રવિવાર સુધી સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવ રહેશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં તાપમાનનો પારો 9 થી 11 ડિગ્રીની વચ્ચે જળવાયેલો રહેશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બુધવારથી ઠંડીનો દૌર શરૂ થયો છે જે શુક્રવારે પણ યથાવત રહ્યો હતો. લઘુતમ તાપમાન નીચું જવાની સાથે-સાથે ઠંડા પવનો ફુંકાતા કાતિલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. શુક્રવારે રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો 9.2 ડિગ્રી રહ્યો હતો. સિઝનનું પ્રથમ વખત સીંગલ ડિજિટ અને નીચું તાપમાન રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બે દિવસ સુધી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવ કન્ડિશન રહેશે. કોલ્ડવેવમાં સામાન્ય તાપમાન કરતા બે ત્રણ ડિગ્રી પારો નીચે પહોંચે છે જેને કારણે રાજકોટમાં તાપમાનનો પારો 9 થી 11.00 ડિગ્રી સુધી જળવાયેલો રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગુરૂવારે 10.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. શુક્રવારે તાપમાનનો પારો એક ડિગ્રી ઘટ્યો હતો. પવનની ઝડપ વધુ રહેવાને કારણે ઠંડીનો પારો વધુ ગગડતો હોય છે. શુક્રવારે પવન પણ 20 ડિગ્રીની આસપાસ રહેતા શિતલહેર છવાઇ ગઈ હતી. રાજકોટ સિવાય દ્વારકા,પોરબંદર, ઓખા, જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો ડબલ ડિજિટમાં રહ્યો હતો. લઘુતમ તાપમાનની સાથે- સાથે મહતમ તાપમાન પણ નીચું રહ્યું હતુ. મહતમ તાપમાન 26.3 ડિગ્રી નોંધાયો હતો. લધુતમ તાપમાન સીંગલ ડિજિટમાં રહેતા શાળા- કોલેજમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળે છે.

જો કે આખો દિવસ પવનનું જોર અને શિતલહેર રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજજ જોવા મળી રહ્યા છે. ઉતર ભારતમાં હિમવર્ષા અને સૂકા પવનો ફુંકાવાને કારણે ઠંડીનુ જોર વધારે રહ્યું છે. રવિવાર સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવ રહેશે અને ત્યારબાદ મહતમ તાપમાન ઊંચકાશે અને ફરી પાછુ ઠંડીનું જોર વધશે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર ડિસેમ્બરના અંતમાં અત્યારે છે એના કરતા ઠંડી વધશે. જાન્યુઆરીની શરૂઆતમાં પણ ઠંડીનું જોર વધારે રહેશે. ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીની શરૂઆતમાં અત્યારે છે તેના કરતા એક બે ડિગ્રી લઘુતમ તાપમાન નીચું જશે. સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવ રાજકોટ, પોરબંદર અને અમરેલીમાં સૌથી વધુ જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરાયું એટલે કે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે
હવામાનખાતાએ સૌરાષ્ટ્ર -કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. એટલે કે આ દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. યલો એલર્ટ 17 ડિસેમ્બરથી જ જાહેર કરી દેવાયું છે. અને 18-19 સુધી જળવાયેલુ રહેશે. આ દિવસોમાં ઠંડો પવન ફુંકાશે. આ દિવસોમાં ઠંડામાં લાંબા સમય સુધી રહેવાનું ટાળવુ જોઈએ. હાથ- પગ, મોં , ગરદન વગેરે ઢંકાઈ જાય તે રીતે ગરમ વસ્ત્રો પહેરવા તાકીદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...