હવામાન:રાજકોટમાં માત્ર ઝાપટાં વરસ્યા, હજુ બે દી’ વરસાદની આગાહી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌરાષ્ટ્રમાં પણ ક્યાંય નોંધપાત્ર વરસાદ ન વરસ્યો

અષાઢી બીજથી રાજકોટમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું. ત્યારથી શુક્રવાર સુધી રોજ એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જો કે શનિવારે માત્ર ઝાપટાં જ વરસ્યા હતા. દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહ્યું હતું પણ મેઘરાજા મનમુકીને વરસ્યા ન હતા. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંય નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. બીજી બાજુ હવામાન વિભાગે હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

જામનગર શહેર સહિત ધ્રોલ, જોડિયા અને જામજોઘપુરમાં શનિવારે દિવસ દરમિયાન હળવા ઝાંપટા વરસ્યા હતાં, જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવસભર વિરામ બાદ મોડીસાંજે ફરી મેઘરાજાએ મુકામ કર્યો હતો, જેમાં ખંભાળિયામાં વધુ 40 મીમી અને દ્વારકામાં વધુ 36 મીમી વરસાદ રાત્રે 8 વાગ્યા સુધીમાં નોંધાયો હતો.

દક્ષિણ સૌરાષ્ટ્રના ચાર જિલ્લા અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને ગીર-સોમનાથમાં પણ મેઘરાજાએ શનિવારે વિરામ કર્યો હોય તેમ ક્યાંય 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો ન હતો. છેલ્લા એક સપ્તાહથી અવિરતપણે વરસાદ પડી રહ્યો હતો ત્યારે શનિવારે એક દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ રજા પાળતા ખેડૂતોએ વાડી-ખેતરમાં કામકાજ શરૂ કર્યા હતા.

કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વાવણીનું કામ બાકી રહી ગયું હતું ત્યાં ખેડૂતોએ ઝડપભેર વાવણી પણ શરૂ કરી દીધી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન પણ 30 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...