રાજકોટમાં રવિવારે ધૂપછાંવ જેવું વાતાવરણ રહ્યું હતું. આવા વાતાવરણ વચ્ચે માત્ર અડધો ઈંચ જ વરસાદ આવ્યો હતો. ફાયર બ્રિગેડના ચોપડે સવારે 6 કલાકે અને સાંજે 7થી 9 ની વચ્ચે વરસાદ નોંધાયો હતો. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર હાલમાં હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. જેને કારણે વાદળો તુરંત બંધાઈ જાય છે.
રવિવારે સાંજે આકાશ વાદળોથી ઘેરાયું હતું. આ દૃશ્ય જોઈને વરસાદ તૂટી પડશે તેવું લાગતું હતું, પરંતુ માત્ર ઝાપટાં જ વરસીને મેઘરાજાએ વિરામ લીધો હતો. સાંજે વરસાદી ઝાપટું પડતા ખરીદી માટે નીકળેલા લોકો થોડીવાર માટે ઊભા રહી ગયા હતા. તેમજ વેપારીઓ પોતાનો માલ પલળે નહિ તે માટે તાલપત્રી ઢાંકવા માટે દોડી ગયા હતા.
બાદમાં વરસાદે વિરામ લેતા બજારમાં ખરીદી પૂર્વવત થઇ હતી. રાજકોટમાં 11 ઓગસ્ટ બાદ તાપમાન વધ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી 30 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. રવિવારે મહત્તમ તાપમાન યથાવત્ રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 33.1 અને સુરેન્દ્રનગરમાં 32.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જ્યારે ઓખા- દ્વારકામાં 28 ડિગ્રી અને બાકીના જિલ્લામાં 30 ડિગ્રી અને તેનાથી ઉપર તાપમાન નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે બફારાનો અનુભવ થાય છે. જ્યારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક ફેલાઈ જાય છે. આમ મિશ્ર ઋતુ રહેતા રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે. દવાખાનામાં શરદી-ઉધરસના દર્દીની સંખ્યા વધી રહી છે.
17 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
હવામાન ખાતાના જણાવ્યાનુસાર 17 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ બાકીના દિવસોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. રાજકોટમાં સીઝનનો કુલ વરસાદ 764 મીમી નોંધાયો છે. જે સેન્ટ્રલ ઝોનનો છે. જ્યારે ઈસ્ટ ઝોનમાં 619 મીમી, વેસ્ટ ઝોનમાં 689 મીમી વરસાદ પડ્યો છે. ગત વર્ષે સીઝનનો 1304 મીમી વરસાદ પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.