રાજકોટ મનપાના વિરોધપક્ષના કોંગી નેતા ભાનુબેન સોરાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપુતે રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. જ્યાં તેમણે જણાવ્યું છે કે, રાજકોટ પોલીસ RTI એક્ટનું ઉલ્લંઘન કરે છે. શહેરમાં કેટલા લોકોને પોલીસનું રક્ષણ મળે છે ? તે અંગેની RTI કરી છતાં 42 બાદ હજુ માહિતી મળી નથી.આ મામલે શા માટે CP મૌન ધારણ કરીને બેઠા છે.
સ્વખર્ચે પોલીસ રક્ષણ આપવામાં આવેલ છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ગત તા.11-03-2022ના રોજ જાહેર માહિતી અધિકારી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને RTI કરી હતી. જેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા કેટલા લોકોને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે,રાજકોટ શહેર પોલીસ દ્વારા કેટલા લોકોને સરકારી ખર્ચે અને સ્વખર્ચે પોલીસ રક્ષણ આપવામાં આવેલ છે તેની માહિતી આપવી. અને વિનુભાઈ ઘવા તેમજ વલ્લભ દુધાતરાને પોલીસ રક્ષણ કઈ તારીખથી આપવામાં આવેલ છે અને તેઓને કયા કારણસર પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે અને આ પોલીસ રક્ષણ સરકારી ખર્ચે કે સ્વખર્ચે પોલીસ રક્ષણ આપવામાં આવેલ છે ?
છતાં CP સાહેબ મૌન છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ત્રણ મુદ્દાઓની માહિતીની માંગવામાં આવેલ વિગતો 30 દિવસ સુધી ન મળતા અમે તા.22-04-2022ના રોજ ઇન્ચાર્જ CPને માહિતી આપવા લેખિતમમાં રજુઆત કરી છતાં કંઈ જવાબ ન મળ્યો. અમે RTI કર્યાના 42 દિવસ વીતી જતા અમે CP સાહેબને પત્ર લખી RTI કાયદાની કલમ-19(1) અનુસાર નિયમ મુજબ માહિતી આપવા જણાવ્યું હતું. છતાં CP સાહેબ મૌન છે.
આગામી સોમવારે કાર્યવાહી થશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ માહિતી શા માટે છુપાવવામાં આવે છે ? શું આ માહિતી આપવાથી પોલીસને તકલીફ પડે તેમ છે ? શા માટે માહિતી છુપાવી રહ્યા છે ? તેવા અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે આ માહિતીની વિગતો ન મળવા બાબતે આગામી સોમવારના રોજ કાર્યવાહી કરવામાં આવશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.