પોલીસની ફરજમાં રૂકાવટ:રાજકોટ પોલીસે ફેન્સી નંબર પ્લેટ અને કાળા કાચવાળી કાર રોકી, દંડનું જણાવતા ‘આ કાર MLAની છે, તમે રોકી ન શકો’ કહી 2 શખસો ભાગી છૂટ્યા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 30 ડિસેમ્બરના રોજ એરપોર્ટ પોલીસ થર્ટી ફર્સ્ટને લઇ બામણબોર ચેકપોસ્ટ પર ચેકિંગમાં હતી
  • MLA ગુજરાત લખેલી કાર રોકી પરંતુ ચાલકે રોફ જમાવી ભગાવી મૂકતા PSIએ ફરિયાદ નોંધાવી​​​​​​​

રાજકોટમાં 30 ડિસેમ્‍બરના રોજ સાંજે એરપોર્ટ પોલીસ સ્‍ટેશનની ટીમ રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્‍ટ પર 31 ડિસેમ્‍બર અંતર્ગત વાહન ચેકિંગમાં હતી. દરમિયાન એક કારનો ચાલક અને સાથેનો અજાણ્‍યો શખ્‍સ PSIની ફરજમાં રૂકાવટ કરી હતી. કારની નંબર પ્લેટ ફેન્સી અને કાળા કાચ હોવાથી દંડનું કહેતા ચાલક અને તેની સાથે રહેલા શખસે પોલીસને કહ્યું હતું કે, આ કાર MLAની છે, તમે રોકી ન શકો. બાદમાં બંને દંડ ન ભરી કાર લઇ ભાગી ગયા હતા. આ બનાવમાં સોશિયલ મીડિયામાં અલગ જ વિગતો વાઇરલ થઇ હતી. જે-તે વખતે ફરિયાદ નોંધાઇ નહોતી. અંતે એરપોર્ટ પોલીસ મથકમાં કારના ચાલક સહિત બે શખસો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ કારમાં MLA ગુજરાત લખ્યું હતું.

એરપોર્ટ પોલીસના PSIએ ફરિયાદ નોંધાવી
PSI આર.એન. સાંકળિયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, હું છેલ્લા છ મહિનાથી એરપોર્ટ પોલીસ સ્‍ટેશનમાં PSI તરીકે ફરજ બજાવું છું. હાલમાં હું બેડલા બીટ અને બામણબોર બીટમાં ઇન્‍ચાર્જ છું. કામગીરીના ભાગરૂપે અમે વાહન ચેકિંગની ફરજ પણ બજાવીએ છીએ. ગત તા. 30 ડિસેમ્બરના સાંજે ચાર વાગ્‍યે 31 ડિસેમ્‍બર અંતર્ગત હું અને સ્‍ટાફના PSI વી.સી. પરમાર, કોન્‍સ્ટેબલ રમણીકભાઇ ગોહિલ સાથે રાજકોટ-અમદાવાદ હાઇવે પર વાહન ચેકિંગમાં હતા. ત્‍યારે સાંજે સાડા ચારેક વાગ્‍યે અમદાવાદ તરફથી ફેન્સી નંબર પ્‍લેટવાળી ‘MLA ગુજરાત’ લખેલી ગાડી આવતાં તેને હાથના ઇશારાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ કાર ન રોકી ચાલકે થોડે આગળ લઇ જઇ ઉભી રાખી હતી.

આ ગુનાની તપાસ PI જી.એમ. હડિયાએ હાથ ધરી
બાદમાં ત્‍યાં જઇ અમે ચેક કરતાં ચાલક અને તેની બાજુમાં બેઠલા વ્‍યક્‍તિને ફેન્સી નંબર પ્‍લેટ બાબતે અને કારમાં કાળા કાચ હોય દંડ ભરવાનું કહેતાં બંનેએ અમારી ફરજમાં રૂકાવટ કરી દંડ નથી ભરવો, આ કાર MLAની છે, તમે રોકી ન શકો કહી દંડ ભર્યા વગર કાર હંકારી ભાગી ગયા હતાં. અમે રોડ પરના સીસીટીવી કેમેરા ચેક કરાવતાં કારનો નંબર GJ-01-WA-1 હોવાનું જાણવા મળતાં ચાલક અને સાથેના શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસ પીઆઇ જી.એમ. હડીયાએ હાથ ધરી છે.

PSI ફરિયાદી બનીને બંને શખસો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આ બનાવમાં મારામારી થયાની અને રિવોલ્‍વર તાંકવામાં આવ્‍યાની વિગતો સાથે સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ થયા હતાં. તેમજ ખુદ PSIની ફરિયાદ નોંધવામાં ન આવ્‍યાનો પણ તેમાં ઉલ્લેખ હતો. હવે PSI આર. એન.સાંકળીયાએ આ બનાવમાં ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્‍યો છે. આરોપીઓ અંગે તપાસ શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...