વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવા રાજ્યભરમાં ગુના નોંધી વ્યાજખોરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, અને લોકો વ્યાજખોરોને બદલે સરકારી સહકારી બેંકથી લોન મેળવી પોતાની આર્થિક જરૂરિયાત પૂરી કરે તેવા ભાગરૂપે રાજકોટ પોલીસે અલગ અલગ બેંકના પ્રતિનિધિઓને બોલાવી લોનમેળાનું આયોજન કર્યું હતું જેમાં 1282 લાભાર્થીઓની લોન મંજૂર કરવામાં આવી હતી. રવિવારે 1282 લાભાર્થીને લોનધિરાણના ચેકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા લોન ધિરાણ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય અને નાનો માણસ મુખ્ય પ્રવાહ સાથે જોડાઇ અને તેનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે વડાપ્રધાને શરૂ કરેલી પીએમ સ્વનિધિ યોજનાનો જરૂરતમંદ લોકો લાભ લે અને વ્યાજખોરોના આર્થિક શોષણનો ભોગ ન બને તે માટે રાજ્યભરમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ પોલીસે ઝુંબેશ શરૂ થયા બાદ લોકદરબાર યોજી 59 ગુનાઓ નોંધી 74 લોકોની ધરપકડ કરી હતી, તો લોનમેળો યોજી પોલીસે 1282 લોકોને રૂ.3.45 કરોડની લોન અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 10 લોકોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, વ્યાજખોરોના ત્રાસથી પ્રજાજનોને મુક્ત કરાવવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
માઇક બગડ્યું તો CM બોલ્યા ‘માણસમાં પણ તકલીફ પડે છે તો આ તો મશીન છે’
પોલીસ હેડ ક્વાર્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પોતાનું પ્રવચન આપવા ઊભા થયા હતા તે સાથે જ માઇકમાં યાંત્રિક ખામી સર્જાઇ હતી અને માઇકમાંથી ઘોંઘાટ શરૂ થયો હતો, આમ છતાં ભૂપેન્દ્રભાઇએ પ્રવચનની શરૂઆત કરી દીધી હતી, જોકે માઇકમાંથી સરખી રીતે અવાજ નહીં આવતા તેમણે હળવીશૈલીમાં કહ્યું હતું કે, ક્યારેક માણસમાં પણ તકલીફ પડે છે તો આ તો મશીન છે, મુખ્યમંત્રીની આ વાત સાંભળી હાજર લોકોમાં હાસ્ય છવાઇ ગયું હતું, અંતે માઇક બદલવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીએ પ્રવચનનો દોર આગળ ધપાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.