રિસોર્ટ પોલિટિક્સ / મંજૂરી વગર નીલસિટી રિસોર્ટ ખોલી કોંગ્રેસના ધારાસભ્યોને રાખવા બદલ પોલીસે મેનેજર, માલિક વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી

રાજકોટના નીલસિટી રિસોર્ટમાં સૌરાષ્ટ્ર-કચ્છના 23 ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે
X

  • નીલસિટી રિસોર્ટ રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો છે
  • અમિત શાહ અને મોદીના આદેશનું પાલન વિજયભાઇ કરે છે: ઇન્દ્રનીલ રાજ્યગુરૂ
  • રિસોર્ટને ખોલવાની મંજૂરી ન હોવા છતાં રિસોર્ટ ખોલતા કલમ 188 અને 135 મુજબ ગુનો નોંધાયો છે
  • સૌરાષ્ટ્રના 18 અને કચ્છના 4 સહિત 22 કોંગ્રેસના ધારાસભ્યોને નીલસિટી રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે

દિવ્ય ભાસ્કર

Jun 07, 2020, 02:34 PM IST

રાજકોટ. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના રાજકોટ ખાતે આવેલા નીલસિટી રિસોર્ટમાં સૌરાષ્ટ્ર-કચ્છના કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. પરંતુ લોકડાઉનને લઇને સરકારની ગાઇડલાઇન મુજબ રિસોર્ટ, હોટેલ ખોલી શકવાની મંજૂરી હજી સુધી મળી નથી. આથી રાજકોટની યુનિવર્સિટી પોલીસે નીલસિટી રિસોર્ટના માલિક, મેનેજર વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. મેનેજર, માલિક અને તપાસમાં ખુલે તેના વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. મંજૂરી વગર રિસોર્ટ ખોલતા ગુનો નોંધાયો છે. અનલોક 1માં હોટેલ ક્લબ, રિસોર્ટને ખોલવાની મંજૂરી ન હોવા છતાં રિસોર્ટ ખોલતા કલમ 188 અને 135 મુજબ ગુનો નોંધાયો છે. નીલસિટી રિસોર્ટના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરૂ છે. તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, નીલસિટી રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યો અંગે મને જાણ કરવામાં આવી નથી. 

ભાજપ પાસે આ સિવાય બીજી કોઇ અપેક્ષા ન હોય: ઇન્દ્રનીલ રાજ્યગુરૂ
આ અંગે નીલસિટી રિસોર્ટના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, આ સિવાય ભાજપ પાસે બીજ કોઇ અપેક્ષા ન હોય. હું કોંગ્રસમાં નથી પણ ભાજપની વિચારધારાનો વિરોધ કરૂ છું. દબાણની રાજનીતિ ભાજપ કરી રહ્યું છે. અમિત શાહ અને મોદીના આદેશનું પાલન વિજયભાઇ કરે છે. વિજયભાઇ ખરા અર્થમાં મુખ્યમંત્રી બને. એ કાચના ઘરમાં રહે છે મારા પાકા ઘરની બારી તોડવા પ્રયાસ કરે છે.

હજી બે-ચાર કેસ નવા કરી મને જેલમાં નાખવો હોય તો મને કોઇ પ્રોબ્લેમ નથીઃ ઇન્દ્રનીલ
બધાને ખબર છે ભાજપના ઇશારે આ બધુ થઇ રહ્યું છે. અમે મંજૂરી માંગીએ તો મંજૂરી આપે નહીં, મેં અહીં કંઇ કોઇ નિયમભંગ કર્યો નથી. કોંગ્રસના ધારાસભ્યો મારા મહેમાન બનીને આવ્યા છે. કોઇના ઘરે મહેમાન જાય ત્યારે એક એક રૂમ બધાને અલગ અલગ આપ્યા છે. ક્યાં નિયમની વાત કરે છે તે મારે ભાજપને પૂછવું છે. કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારને ખબર જ નથી કે ડીલ કેમ કરવી અને કોરોનાના આંકડા છૂપાવી રહી છે. હજી બે-ચાર કેસ નવા કરી મને જેલમાં નાખવો હોય તો મને કોઇ પ્રોબ્લેમ નથી. જે કંઇ થઇ રહ્યું છે તે ભાજપના ઇશારે થઇ રહ્યું છે. મારી ભૂલ હશે ત્યાં દંડ ભોગવીશ. આ લોકો અહીં જ રહેવા છે તે ક્યાંય જવાના નથી. હું કોંગ્રેસ વિચારધારાને વરેલો છું. મને લોકોની સેવા કરવામાં રસ છે રાજકારણમાં નહીં. હું હજી મનથી કોંગ્રેસી જ છું.

તાત્કાલિક ધરપકડ કરવી જરૂરી નથી, યોગ્ય કાર્યવાહી જરૂર થશે: DCP
રાજકોટના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોરોનાને કારણે મનાઇ હોવા છતાં પણ રિસોર્ટ ખોલ્યું છે. હાલ તપાસ ચાલુ છે. નોટિસ આપીશું અને ત્યારબાદ અટકાયતીની કાર્યવાહી પણ થઇ શકે છે. સંચાલક સમર્થ મહેતા અને માલિક કોણ એ ખ્યાલ નથી. પેપર્સ જોઈને તેમનું નામ ખ્યાલ આવશે. આજે જે ધરણા કરવામાં આવ્યા તે જાહેરસ્થળ પર નથી કરવામાં આવ્યા. પ્રાઇવેટ જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સ રાખીને કરવામાં આવ્યા છે. આવતીકાલથી સરકાર દ્વારા રિસોર્ટ ખોલવાની મંજૂરી છે માટે રિસોર્ટ સીલ કે એવી કોઈ કાર્યવાહી નહીં થાય. તાત્કાલિક ધરપકડ કરવી જરૂરી નથી. યોગ્ય કાર્યવાહી જરૂર થશે.

સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યો અને કચ્છના 4 ધારાસભ્યોને નીલસિટી રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઇ ચૂક્યું છે. નીલસિટી રિસોર્ટમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના ધોરાજીના લલિત વસોયા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, લાઠીના વિરજી ઠુંમર, સાવરકુંડલાના પ્રતાપ દુધાત, રાજુલાના અંબરીશ ડેર, ખંભાળિયાના વિક્રમ માડમ, વાંકાનેરના પીરજાદા, ટંકારાના લલિત કગથરા, જામજોધપુરના ચિરાગ કાલરીયા, કાલાવડના પ્રવીણ મુછડીયા, વિસાવદરના હર્ષદ રિબડીયા, માંગરોળના બાબુભાઇ વાજા, ચોટીલાના ઋત્વિજ મકવાણા, ઉનાના પુંજા વંશ, સોમનાથના વિમલ ચુડાસામા, તાલાલાના ભગવાનભાઈ બારડ,  કોડીનારના મોહનભાઇ વાળા, પાટડી દસડાના નૌશાદ સોલંકી, સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 22 કોંગ્રેસના ધારાસભ્યોને નીલસિટી ક્લબમાં રાખવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીને મોતીયાનું ઓપરેશન કરાવાનું હોવાથઈ હાજર રહ્યા નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ ધારાસભ્ય ન તૂટે તે માટે તમામને એકસાથે બોલાવવાનો નિર્ણય લીધો છે. આજની બેઠકમાં હાર્દિક પટેલ પણ હાજર રહેશે.

કોંગ્રેસના બંને ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ જીતવા માટે તમામ તાકાત કામે લગાવી દીધી 
ધારાસભ્યોના રાજીનામાં પડ્યા બાદ કોંગ્રેસ લોહિયાળ થઇ છે, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે હવે કોંગ્રેસના બંને ધારાસભ્યો વચ્ચે જ સ્પર્ધા થઇ રહી છે. ભાજપના તો ત્રણેય ઉમેદવાર જીત ભણી છે, પણ હવે કોંગ્રેસમાંથી જે બળીયો હોય તે જીતશે. અને આથી જ દગાબાજ ધારાસભ્યો વેચાઇ ગયા તેવું કહેનારી કોંગ્રેસમાં જે રહી ગયાં છે તેવા ધારાસભ્યોના પણ દામ બોલાઇ રહ્યા છે. કોંગ્રેસના બંને ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ જીતવા માટે તમામ તાકાત કામે લગાવી દીધી છે. હાલ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે ધારાસભ્યો રિસોર્ટમાં છે તેમને લલચાવીને પોતાને મત આપવા ભરતસિંહ સોલંકીનું જૂથ કામે લાગ્યું છે. તો આ તરફ સૌરાષ્ટ્રમાં શક્તિસિંહ ગોહિલના વફાદાર ગણાતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ પોતાના રિસોર્ટમાં ધારાસભ્યોને લઇ ગયા હોવાથી ત્યાં શક્તિસિંહનું જૂથ ધારાસભ્યોને પડખે લેવા માટે કામે લાગ્યું છે તેમ પાર્ટીના સૂત્રો જણાવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી