શું વેક્સિનની અછત?:31 જુલાઈ સુધીમાં વેપારીઓને ફરજીયાત વેક્સિન લેવા અંગેનું જાહેરનામું રાજકોટ પોલીસ કમિશનરે રદ કર્યું, વેપારીઓની મુશ્કેલીઓનો અંત

રાજકોટ4 મહિનો પહેલા
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ
 • હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

રાજકોટમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક પછી એક નિયંત્રણો હટાવવામાં આવી રહ્યાં છે. પરંતુ વેપારીઓ માટે 31 જુલાઈ પહેલા વેક્સિન મળેવવાનો પ્રશ્ન વિકટ બની ગયો હતો. કારણ કે શહેરમાં વેક્સિનની અછતના કારણે ઘણાને વેક્સિન મળી નથી. આ મુદ્દાને ધ્યાને લઈને આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વેપારીઓને 31 જુલાઇ સુધીમાં ફરજીયાત વેક્સિન લેવાના જાહેરનામાંને હટાવી દીધું છે. અને લોકોને કોરોના વાયરસના સંક્રમણમાં સ્વસ્થ અને સુરક્ષિત રહેવા જાહેર સ્થળોએ ફરજીયાત માસ્ક પહેરવા લોકોને મારી અપીલ છે.

હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
આ ઉપરાંત રાત્રી કર્ફ્યુ અંગે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના અનુસાર રાજકોટમાં હાલ જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે રાજકોટમાં રાત્રિ કર્ફ્યુનો અમલ હાલ રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

બંધ હોલમાં યોજાતા લગ્નમાં બેઠક ક્ષમતાના 50 ટકા લોકોની મર્યાદા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈથી વધારીને 400 વ્યક્તિની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.

વેક્સિનેશન બૂથ પર પૂરતી વેક્સિનનો અભાવ
ઉલ્લેખનીય છે કે શહેરમાં હજુ પણ વેક્સિનની અછત છે અને લોકો વેક્સિન માટે કતારમાં ઊભા રહે છે છતાં તેમનો વારો આવતો નથી, આ સ્થિતિમાં તા.31 સુધીમાં તમામ વ્યવસાયિકોને વેક્સિન આપી શકાય તેવી સ્થિતિ દેખાતી નથી, આ વાતને મ્યુનિસિપલ કમિશનર અરોરાએ પણ સ્વીકારી હતી અને જો તમામ લોકોને વેક્સિન પૂરી નહીં પાડી શકાય તો આ મુદતમાં વધારો કરવો પડે તેવો તેમણે નિર્દેશ પણ આપ્યા હતા. જેને ધ્યાને લઈને પોલીસ કમિશનરે વેપારીઓને આ સમસ્યાથી રાહત આપી છે.

ડ્રોન અને કેમેરાવાળા વ્હીકલનો રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
આ ઉપરાંત પોલીસ કમિશ્નરે ડ્રોન અને કેમેરાવાળા વ્હીકલનો રજીસ્ટ્રેશન કરાવવા અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં લગ્ન પ્રસંગમાં કેમેરાવાળા ડ્રોન ઉડાડવાના હોય કે કેમેરાવાળા વ્હીકલનો ઉપયોગ કરવો હોય તો 24 કલાક અગાઉ પોલીસની મંજૂરી લેવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહીનો પણ હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જમ્મુ-કાશ્મિર અને પાકિસ્તાનની બોર્ડર ઉપર ત્રાસવાદીઓ દ્વારા વિસ્ફોટક સાથેના ડ્રોન ઉડાડી ભારતના લશ્કરી સ્થળો પર ટેરેરીસ્ટ હુમલા કરવામાં આવ્યા હતાં. જેને કેન્દ્ર સરકારનું ગૃહ વિભાગ સાબદુ બન્યું હતું.કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ પાકિસ્તાનની બોર્ડર ઉપર આવતા ભારતના તમામ રાજ્યોમાં ડ્રોન તેમજ કેમેરાવાળા વાહનોનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે. આ સુચનાને આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઈપણ નિયંત્રણ વગર ચાલુ રહેશે

 • COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે.
 • મેડિકલ, પેરામેડિકલ તથા એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
 • ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
 • ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા એની હોમડિલિવરી સેવા.
 • શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ્સ માર્કેટ ચાલુ રહેશે.
 • કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને એ વેચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ..
 • અનાજ તથા મસાલા દળવાની ઘંટી.
 • ઘરગથ્થુ ટિફિન સર્વિસિસ અને હોટલ / રેસ્ટોરાંમાંથી Take away facility આપતી સેવાઓ.
 • ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
 • પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુશન.
 • પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરિંગ સેવાઓ.
 • પોસ્ટ અને કુરિયર સર્વિસ.
 • ખાનગી સિક્યોરિટી સેવા
 • પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
 • કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનાં ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.
 • આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા એને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
 • તમામ પ્રકારનાં ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. એ દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાંનો પુરવઠો સતત જળવાઇ રહે એ અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
 • તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્‍સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.