ગુજરાન ચલાવવા નવો નુસખો:રાજકોટમાં લોકડાઉનમાં ટ્રાવેલ્સનો ધંધો ઠપ્પ થતા 20 ટીમો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલુ કરી, કલાકના 600 લઈ મેદાન ભાડે આપતા શખ્સની ધરપકડ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડતા શખ્સની પોલીસે ધરપકડ કરી - Divya Bhaskar
રાજકોટમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડતા શખ્સની પોલીસે ધરપકડ કરી
  • યુનિવર્સિટી પોલીસે નવા 150 ફુટ રિંગ રોડ પર આવેલા મોમેન્ટ પાર્ટી પ્લોટમાં મોડી રાત્રે દરોડો પાડ્યો હતો

કોરોના મહામારીને કારણે ઘણા ધંધા ઠપ્પ થઈ ગયા છે. જેને કારણે અમુક લોકો રોજીરોટી કમાવવા માટે નવા નુસખા અજમાવતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. હાલ અનલોક-4 ચાલી રહ્યું છે. જેમાં લોકોએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું છે. ત્યારે રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર મોમેન્ટ પાર્ટી પ્લોટમાં ગત રાત્રે ચાલી રહેલી ક્રિકેટ ટૂર્નામેન્ટ પર યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી આયોજક દિપ તન્ના સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આયોજકને લોકડાઉનમાં ટૂર્સ અને ટ્રાવેલ્સનો ધંધો ઠપ્પ થઈ ગયો હોવાથી 20 ટીમો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલુ કરી હતી અને કલાકના 600 રૂપિયા લેખે મેદાન ભાડે આપી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી
કોરોના કાળમાં સરકારે આગામી 21 સપ્ટેમ્બરથી સામાજિક, રાજકીય, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં માણસો ભેગા થતાં હોય તેવી તમામ પ્રવૃતિમાં 100 માણસો સાથે આયોજન કરી શકાશે તેવી છુટછાટ આપી છે. પરંતુ તેમાં સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર, માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું પડશે. પરંતુ 21મી પહેલા જ મોમેન્ટ પાર્ટી પ્લોટમાં કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે પેન્ટાગોન સી-204માં રહેતાં દિપ મહેશભાઇ તન્ના નામના યુવાને 20 ટીમો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ કરી હતી. અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોય તેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી ગુનો નોંધી દિપની ધરપકડ કરી હતી.

દિપે મોમેન્ટ પાર્ટી પ્લોટવાળુ મેદાન ભાડે લીધું હતું
​​​​​​​દિપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. પરંતુ લોકડાઉનમાં આ ધધો ઠપ્પ હોય તેણે મોમેન્ટ પાર્ટી પ્લોટવાળુ મેદાન ભાડેથી લીધું હતું. આ મેદાન તે પાંચ-છ લોકોને ક્રિકેટ રમવું હોય તો કલાકના રૂ. 600 લેખે ભાડેથી આપતો હતો. આ રીતે તે આવક રળતો હતો. પરંતુ હવે એક સામટી 20 ટીમોને જોડી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરી નાંખતા અને રાત્રિના મેચ રમાડી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરતો હતો. તેમજ અહીં મોટી સંખ્યામાં લોકો મેચ જોવા પણ એકત્રિત થતા હતા.