'પોલીસ પ્રજાનો મિત્ર છે' આ સૂત્રને રાજકોટ પોલીસે સાર્થક કરી બતાવ્યું છે. સામાન્ય રીતે પોલીસ નામ પડે તો કાયદો અને વ્યવસ્થા માટે જવાબદાર હોવાનું લોકો માનતા હોય છે પરંતુ રાજકોટ પોલીસ સમાજ સેવાના કામમાં પણ હવે આગળ આવી રહી છે. શહેર પોલીસે લકી ફાઉન્ડેશન નામની સંસ્થા સાથે મળીને ગરીબ પરિવારની વર્ષોથી થેલેસેમિયાથી પીડિત બે દીકરીઓને દત્તક લીધી છે. અને તેમની દરેક પ્રકારે મદદ કરવાનો સંકલ્પ કર્યો છે. થલેસેમિયામાં દર મહિને લોહી બદલાવવું અને દરરોજ દૂધ પીવડાવવું જરૂરી છે. જો કે ગરીબ પરિવાર આ ખર્ચ ભોગવી શકે તેમ ન હોવાથી શહેર પોલીસે તમામ જવાબદારી ઉપાડી હતી.
ઘરમાં રાશનની વ્યવસ્થા પણ કરવામાં આવી
આ ગરીબ પરિવાર દીકરીઓનાં ઈલાજ માટે ગામડેથી રાજકોટ શહેરમાં આવ્યો હતો. જોકે દીકરીના પિતાને પેરેલીસિસ હુમલો આવતા બાદ ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડે ત્યાં સારવારનો ખર્ચ કઈ રીતે નીકળે ! આ પરિવારને રહેવા માટે તો કોઈ કે ઝૂપડાની વ્યવસ્થા કરી આપી પરંતુ હોસ્પિટલ સુધી પહોંચવા રીક્ષાના પૈસા પણ ન હોવાથી કુટુંબ મુશ્કેલીમાં મુકાયું હતું. આ બાબતની જાણ થતા રાજકોટ પોલીસને થતા પોલીસ દ્વારા પોતાની વેનમાં આવવા-જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ઘરમાં રાશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પોલીસ કોન્સ્ટેબલ લોહીની જરૂરીયાત પૂરી પાડશે
હોસ્પિટલમાં બંને દીકરીઓને લોહીનો પૂરતો જથ્થો મળી રહે એ માટેની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે તો સુપોષિત ખોરાક પ્રદાન કરવા નિયમિત દૂધ અને ફ્રુટ પણ આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ બંને દીકરીઓ થેલેસેમિયા પીડિત હોવાથી પોલીસે સામાજિક સંસ્થા લકી ફાઉન્ડેશન સાથે મળીને બંનેને દત્તક લીધી છે. જેમાં હોસ્પિટલ લાવવા લઈ જવાથી માંડીને ખાવા-પીવા તેમજ પરિવાર માટે રાશન અને દૂધ સહિતની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે, જ્યારે પણ લોહીની જરૂર હશે ત્યારે કોઈપણ પોલીસ કોન્સ્ટેબલ બ્લડ આપીને લોહીની જરૂરીયાત પૂરી પાડશે. પોલીસની આ કામગીરીને લઈને પરિવારે ગદગદિત થઈને પોલીસકર્મીઓનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.