મેઘમહેર:ગોંડલના સુલતાનપુર, વીંજીવડમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ, રાજકોટમાં ઝાપટું વરસ્યું

રાજકોટ15 દિવસ પહેલા
ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી નદી-નાળા બે કાંઠે વહ્યા.
  • યાત્રાધામ વીરપુર, લોધિકા અને પડધરીમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો

રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે. આજે ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દિવસભરના અસહ્ય બફારા બાદ સાંજે હવામાન પલટાયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલનાના સુલતાનપુર, વીંજીવડ, નાના-મોટા સખપરમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે દેરડીકુંભાજીમાં ગાજવીજ સાથે ધોધમાર અને ગોંડલ શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો છે. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ, જામનગર રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ગોંડલના વીંજીવડ ગામમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશ.
ગોંડલના વીંજીવડ ગામમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશ.

યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો
આજે બપોર બાદ પડધરી અને યાત્રાધામ વીરપુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સવારથી જ અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદથી વીરપુરની બજારોમાં પાણી ફરી વળ્યા છે. સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે.

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર વરસાદી ઝાપટું વરસ્યું.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર વરસાદી ઝાપટું વરસ્યું.

જસદણ પંથકમાં સતત બીજા દિવસે વરસાદ
જસદણના આટકોટમાં આજે બીજા દિવસે પણ વાતાવરણ પલ્ટો આવ્યો હતો. આખો દિવસ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પરંતુ બપોર બાદ ચાર વાગ્યે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. માત્ર છાંટા પડતા રસ્તા ભીના થયા હતા. જોકે લોકોમાં ધોધમાર વરસાદની આશા બંધાઈ હતી. પણ અમીછાંટણા જ થયા હતા. પાનસડામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પણ પાણી વહી ગયા હતા.

વીરપુરમાં ધોધમાર વરસાદ.
વીરપુરમાં ધોધમાર વરસાદ.

પડધરી તાલુકામાં મેઘરાજા મહેરબાન
પડધરી તાલુકામાં આજે બપોર બાદ મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. ભારે પવન અને ગાજવીજ સાથે પડધરીના જીવાપર, વિભાણીયા, ખાખરા, હડમતીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગામડાની બજારોમાં પાણી ફરી વળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આથી લોકોએ પણ અસહ્ય બફારામાંથી રાહત મેળવી છે. ત્યારે લોધિકા તાલુકામાં પણ આજે સતત બીજા દિવસે મેઘસવારી આવી પહોંચી છે. લોધિકાના ચીભડા ગામમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી બજારોમાં પાણી ફરી વળ્યા.
ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી બજારોમાં પાણી ફરી વળ્યા.
પડધરી તાલુકાના ગામડાઓમાં વદસાદ વરસ્યો.
પડધરી તાલુકાના ગામડાઓમાં વદસાદ વરસ્યો.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ધોધમાર વરસાદ.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ધોધમાર વરસાદ.

ગઇકાલે રાજકોટ, લોધિકા જસદણમાં વરસાદ પડ્યો હતો
ગઇકાલે રાજકોટ શહેરમાં વરસાદ વરસ્યો હતો. આથી રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત લોધિકા તાલુકામાં પણ વરસાદ વરસતા ખેતરો પાણી પાણી થયા હતા. સારા
વરસાદથી આજે ખેડૂતોએ આ વિસ્તારમાં વાવણીના શ્રીગણેશ કર્યા હતા. બીજી તરફ જસદણ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વીરપુરમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા.
વીરપુરમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા.

(તસવીરોઃ દિપક મોરબીયા, વીરપુર/ કરસન બામટા, આટકોટ/ હિમાંશુ પુરોહિત-દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...