વિરોધ:હેડ ક્લાર્કના પેપર લીકને લઇ રાજકોટ NSUIના કાર્યકરો રસ્તા પર બેસી વિરોધ કર્યો, MLA વસોયાએ કહ્યું- પેપર નથી ફૂટ્યું બેરોજગાર યુવાનોની જિંદગી ફૂટી છે

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટમાં NSUIના કાર્યકરો કાલાવડ રોડ પર કેકેવી હોલ ચોક ખાતે એકઠા થઇ રસ્તા પર બેસી વિરોધ કર્યો.
  • માલવિયાનગર પોલીસે NSUIના 4થી 5 કાર્યકરોની અટકાયત કરી
  • NSUIના કાર્યકરો દ્વારા આશિત વોરાના રાજીનામાની માગ કરવામાં આવી

રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની ભરતી પરીક્ષામાં પેપર લિક મામલે આજે રાજકોટ NSUI દ્વારા રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના કાલાવડ રોડ પર રસ્તા રોકી NSUI દ્વારા ઉગ્ર સુત્રોચ્ચાર કરી આશિત વોરાના રાજીનામાની માગ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જોકે આ સમયે માલવિયાનગર પોલીસે મુખ્ય 4થી 5 કાર્યકરની અટકાયત કરી હતી. બીજી તરફ ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, પેપર નથી ફૂટ્યું બેરોજગાર યુવાનોની જિંદગી ફૂટી છે.

લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું: વસોયા
લલિત વસોયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 2014થી 2021 સુધીમાં ભાજપ સરકારમાં નવમી વખત પેપર ફૂટ્યું છે. પેપર નથી ફૂટ્યું પણ બેરોજગાર યુવાનોની જિંદગી ફૂટી છે અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું છે. ઉમેદવારોના વાલીઓ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે છતાં મુશ્કેલીઓ વધી રહી છે. સરકાર એક પણ ચરમબંધીને છોડવામાં નહીં આવે તેવી વાત કરે છે પણ તેને પકડો તો ખરા. આ કૌભાંડોની અંદર અત્યાર સુધીમાં જવાબદાર વ્યક્તિ સામે પગલા લીધા નથી. સરકારમાં બેઠેલા લોકોના ઇશારે આ પેપરો ફૂટ્યા છે. નાની માછલીઓ પકડાય છે પણ મોટા મગરમચ્છો ચેરમેન પદે બેઠા છે. જવાબદાર પગલા નહીં લેવાય તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવશે તેમાં જોડાઇ લડત આપવામાં આવશે.

લલિત વસોયાએ સરકાર પર પ્રહારો કર્યા.
લલિત વસોયાએ સરકાર પર પ્રહારો કર્યા.

NSUIએ આશિત વોરાના રાજીનામાની માગ કરી
ગત રવિવારે હેડ કલાર્કની 186 જગ્યાની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં પેપર લીક થવાની સત્તાવાર સરકારની જાહેરાત બાદ આજે રાજકોટમાં NSUI દ્વારા રસ્તા રોકી વિદ્યર્થીઓને સાથે રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શહેરના કાલાવડ રોડ પર કેકેવી હોલ ચોક ખાતે એકઠા થઇ NSUIના આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે મળી રસ્તા પર બેસી સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કરી આશિત વોરાના રાજીનામાની માગ સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો. જોકે આ સમયે માલવિયાનગર પોલીસે NSUIના મુખ્ય 5 જેટલા આગેવાનોની અટકાયત કરી હતી.

NSUIના કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા.
NSUIના કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા.

સરકાર જ ફૂટી ગઇ છેઃ રાજકોટ યુથ કોંગ્રેસના પ્રમુખ
રાજકોટ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વારંવાર પરીક્ષામાં ગેરરીતિ સામે આવે છે. માત્ર પેપર નહીં સરકાર જ ફૂટી ગઇ છે. ત્યારે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે એ ચલાવી લેવામાં નહીં આવે. અમારી માગ છે કે આશિત વોરાનું રાજીનામું લઇ સરકાર જવાબદાર સામે કડક કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને.

અન્ય સમાચારો પણ છે...