રાજકોટના લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલા શ્રી રામનાથ મહાદેવ મંદિર સહિતના આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટનો મોટો પ્રોજેકટ તાત્કાલીક શકય ન હોય અંતે શાસકોએ યોજના પૈકી રામનાથ મંદિર ફરતેના 1 કિ.મી.ના વિસ્તારને જિર્ણોદ્ધાર કરવા નિર્ણય કર્યો છે. જે માટે પ્રથમ તબકકામાં સરકાર પાસેથી રૂા. 187 કરોડના ખર્ચે કામ કરાવવા ગ્રાન્ટ માંગવાની દરખાસ્ત તૈયાર કરી છે. કમિશ્નરની આ દરખાસ્ત આવતીકાલે સ્ટે.કમીટી મંજૂર કરે એટલે સરકારમાં ઠરાવ મોકલાશે તેવું સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું.
આજી નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે
કાલની બેઠકની મુખ્ય દરખાસ્તો અંગે માહિતી આપતા પદાધિકારીએ કહ્યું હતું કે, આજી નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે. વર્ષો પહેલા આજી નદી બારે માસ વહેતી હતી પરંતુ હવે માત્ર ચોમાસામાં પાણી રહે છે. આ નદીના કિનારે 500 વર્ષથી જુનુ સ્વયંભુ રામનાથ મહાદેવનું મંદિર ડેવલપ કરવા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે મનપાને જવાબદારી સોંપી છે.
ચેકડેમ બનાવવામાં આવશે
આ રીવરફ્રન્ટ ડેવલપ કરવા ઇન્ટર સેપ્ટર લાઇનની કામગીરી પ્રગતિમાં છે. હવે મંદિર પરીસરના વિકાસ માટે મુખ્યમંત્રી સમક્ષ નવું પ્રેઝન્ટેશન કરાતા કુલ 11 કિ.મી.ના રીવરફ્રન્ટ પૈકી 1 કિ.મી. લંબાઇમાં મંદિર જિર્ણોધ્ધાર યોજના બનાવવા નિર્ણય લેવાયો હતો. પ્રથમ તબકકામાં ફાયનાન્સ બોર્ડ મારફત સરકાર પાસેથી 187 કરોડની ગ્રાન્ટ લેવાશે. જુદી જુદી સુવિધા ઉપરાંત નદી પાછળ જરૂરીયાત મુજબ ચેકડેમ બનાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.