રાજકોટ મહાનગરપાલિકા ઈતિહાસના સૌથી મોટા વહીવટી સુધારા ગણાય તે પૈકીનો એક સુધારો કરવા જઈ રહી છે જે મનપાના કર્મચારીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરીજનો સુધી અસર કરશે. અધિકારી અને કર્મચારી તેમજ કર્મચારી અને શહેરીજનો વચ્ચે સંવાદિતતા વધારવા માટે અને એવા કેટલાક જૂના નિયમો જે હવે બેકાર બની ગયા છે.
તે તમામ કાઢી નાખી નવી શરૂઆત કરવાના ભાગરૂપે રિક્રૂટમેન્ટ રૂલ્સ બદલાઈ રહ્યા છે. આ માટે ઠરાવ તૈયાર થઈ ગયો છે અને મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મૂકવાની તૈયારી કરી રહ્યાં છે. સ્ટેન્ડિંગમાં દરખાસ્ત બાદ જનરલ બોર્ડમાં મંજૂરી મેળવી લીધા બાદ નવા નિયમો મુજબ વહીવટી પ્રક્રિયા ચાલશે.
રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં એવા ઘણા સંવર્ગ છે જેમાં જગ્યા ખાલી પડી છે અને તેમાં ભરતી કરવાથી કોઇ ફાયદો થવાનો નથી કારણ કે હવેના જમાનામાં એ અપ્રસ્તુત છે. જ્યારે અમુક શાખાઓ એવી છે જેમાં સમયની માંગ મુજબ મહેકમ વધારવાની જરૂર પડી છે.
આ ઉપરાંત શહેરીજનો સૌથી વધુ પાયાની સુવિધાઓને લઈને મનપામાં આવતા હોય છે અને વોર્ડ ઓફિસર અને આસિસ્ટન્ટ મેનેજર સાથે જ સંવાદ કરવાનો થતો હોય છે. પ્રથમ તબક્કામાં હિસાબી શાખા, ગાર્ડન શાખા, ફાયર એન્ડ ઈમર્જન્સી શાખા, મલેરિયા શાખા અને આઈ.ટી. શાખા સહિતની 7 શાખામાં પરિવર્તન આવશે. આ ઉપરાંત મહત્ત્વના સંવર્ગ જેવા કે વોર્ડ ઓફિસર, આસિસ્ટન્ટ મેનેજર અને આસિસ્ટન્ટ કમિશનરની નવી જગ્યાઓ ઊભી કરાશે તેમજ તેમાં ભરતી માટે પણ નિયમો ફરશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, નવા નિયમોને કારણે મનપામાં ભરતીમાં સરળતા રહેશે અને કર્મચારીઓને પણ બઢતીની નવી તક મળશે. સૌથી મોટો ફાયદો એ થશે કે અમુક જૂના નિયમો અને લાયકાતના કારણે હાલ જે તે કેડરમાં ભરતી થઈ શકતી નથી તેથી તે લાયકાતો દૂર કરાશે અને નવી લાયકાત ઉમેરાશે જેથી જગ્યાઓ ભરાતા શહેરીજનો સુધી મનપા વધુ સારી રીતે પહોંચી શકશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
હયાત કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષાઓનું પ્રમાણ વધારી દેવાશે
મનપામાં એવા ઘણા કર્મચારીઓ છે કે જેઓને ઉચ્ચતર પગાર ધોરણ મળી ચૂક્યું છે પણ મહેકમના નિયમોને કારણે તેમની પાસેથી ઉચ્ચતર પગાર ધોરણ જેટલું કામ કરાવી શકાતું નથી કે તેમને નવી જવાબદારી સોંપી શકાતી નથી. આ સમસ્યા માટે પણ નિયમોમાં સુધારો કરીને ખાતાકીય પરીક્ષાઓનું પ્રમાણ વધારી દેવાશે અને જે જે કર્મચારી પરીક્ષા પાસ કરશે તેમને ઊંચો હોદ્દો અપાશે. આ કારણે ઉંચા હોદ્દા પર અનુભવી સ્ટાફ મળશે જ્યારે પાયાની જગ્યાઓ ખાલી થતા તેમાં સીધી ભરતીથી યુવાનોને રોજગાર આપી શકાશે.
☺પાયાની સુવિધાઓ જેવી કે રોશની અને ડ્રેનેજમાં મહેકમ સુધારાની ખાસ જરૂર
દરેક શહેરની પ્રાથમિક સમસ્યાઓ અલગ અલગ હોય છે. ક્યાંક સફાઈ તો ક્યાંક રોડ રસ્તાની પીડા હોય છે. રાજકોટમાં સૌથી મોટી સમસ્યા સ્ટ્રીટલાઈટ અને ડ્રેનેજ ચોકઅપની છે. આ વિભાગો સ્ટાફની અછતથી પીડાઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટ પર જ કામ આપવામાં આવી રહ્યા છે.
જે નવા વહીવટી સુધારા આવી રહ્યા છે તેમાં આ બંને વિભાગ પર જ સૌથી પહેલા કાર્યવાહી કરવામાં આવે તો જ લોકોને મહત્તમ ફાયદો મળી શકે તેમ છે. વોર્ડ ઓફિસર કે જે લોકો સાથે સીધા જોડાયેલા હોય છે તેમની ફરજ, જવાબદારી અને સત્તામાં ફેરફાર કરવામાં આવે તો પણ લોકોને ફાયદો મળી શકે તેમ છે. જો ફક્ત અધિકારીઓ અને પદાધિકારીઓની સરળતાને જ કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે તો આ નવા સુધારા વધુ સમસ્યાને નોતરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.