હાલ IPL ટુર્નામેન્ટનું લોકોમાં ભારે આકર્ષણ રહ્યું છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આગામી રવિવારના રોજ કિશાનપરા ચોક ખાતે વિશાળ LED સ્ક્રીન ઉપર IPLની ફાઇનલ મેચનું LIVE પ્રસારણ દેખાડવા આયોજન કરવામાં આવ્યું છે. જેની મેયર ડો. પ્રદીપ ડવ અને સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે સત્તાવાર જાહેરાત કરી છે.
ટ્રાફિક પોલીસ અને મનપા વિજીલન્સ ટીમો વ્યવસ્થામાં રહેશે
જ્યાં મેયરે જણાવ્યું હતું કે, કિશાનપરા ચોકમાં આવેલ સાયકલ પાર્કિંગવાળા પ્લોટમાં વિશાળ LED સ્ક્રીન અને ડી.જે. સાથે ફાઇનલનો જલ્સો વધુ જીવંત કરવામાં આવશે. શહેરીજનો માટે પાણી અને ખુરશીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ અને મનપા વિજીલન્સ ટીમો વ્યવસ્થામાં રહેશે. અગાઉ આ જગ્યામાં શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવ અને કાર્યક્રમોનું આયોજન થતું હતું. આ જ પ્લોટમાં રવિવારે IPLનો મુકાબલો માણી શકાશે. ક્રિકેટ પ્રેમીઓને આ ફાઇનલની મજા લેવા મનપાએ નિમંત્રણ આપ્યું છે.
શહેરીજનોમાં પણ આનંદની લાગણી વ્યાપી
રવિવારે ચાલુ વર્ષની IPL સિઝનનો ફાઇનલ મુકાબલો છે. પૂરી ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે રંગ રાખ્યો છે. બે દિવસ પહેલા સેમીફાઈનલ રમાયા બાદ ગુજરાત ટાઈટન્સનો મોટી જીત સાથે ફાઈનલમાં પ્રવેશ થતા ગુજરાત વાસીઓની સાથો સાથ રાજકોટના શહેરીજનોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આથી ફાઈનલ મેચ જોવા માટે લોકો અધિરા બન્યા છે. રવિવારે અમદાવાદ ખાતે અંતિમ મેચ છે જે માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ છે. આ મેચનો રોમાંચ શહેરના લોકો વિશાળ સ્ક્રીન પર જાહેરમાં અને સમુહમાં માણી શકે તે માટે પ્રથમ વખત LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ રાખવા મનપાએ આયોજન કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.