રાજકોટ શહેરમાં 16 નવેમ્બરથી વન વીક વન રોડ ઝુંબેશ ચાલી રહી છે જેનો ઉદ્દેશ્ય શહેરના રાજમાર્ગો પરથી દબાણ દૂર કરવાનું છે. અત્યાર સુધીમાં 431 દબાણો રોડ અને ફૂટપાથ પરથી તોડી પડાયા છે. આ ઝુંબેશને લઈને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા હોય કે મેયર પ્રદીપ ડવ બધાએ કહ્યું હતું કે દબાણો થોડા જ દિવસોમાં દૂર થઈ જશે પણ એવું કશું બન્યું જ નથી.
રાજકોટમાં મુખ્ય માર્ગો પર સૌથી વધુ દબાણ ચા-પાનના થડાઓને કારણે છે. આ બંને દબાણ તો કરે જ છે પણ ગંદકી ફેલાવવાના ન્યૂસન્સ પોઇન્ટ છે. અહીં મનપાના ત્રણેય નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્ટાફ સાથે ફોટોસેશન પૂરતી કામગીરી કરી આવે. બીજા જ દિવસે ફરીથી હતું ને તેવું જ દબાણ ઊભું હોય છે કારણ કે નેતાઓ જ પોતાના મળતિયાઓને સાચવવા માટે દબાણ કાયમીપણે હટાવવા દેતા નથી. છેલ્લે ત્યાં રહેતા, નીકળતા અને વાહન પાર્ક કરતા લોકોને ભોગવવું પડે છે. માત્ર મનપા જ નહીં, ટ્રાફિક પોલીસના પણ જાણે આશીર્વાદ હોય તેમ તેઓ પણ કોઇ પગલા લેતા નથી.
બિલ્ડરો ચા-પાન માટે દુકાન આપતા નથી : પરેશ ગજેરા
રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું હતું કે, ‘ચા-પાનના થડા પર પાર્કિંગમાં દબાણ, ગંદકી અને ટોળાઓની સમસ્યા હોય છે તેથી જો તેની બાજુમાં કરિયાણા, દૂધ, આઈસ્ક્રીમ કે પછી મહિલાઓ અને પરિવાર જતા હોય તેવા વ્યવસાય હોય તો ઠપ થઈ જાય છે. ગંદકી અને ટ્રાફિક ન થાય તે માટે જ બિલ્ડર હવે ચા-પાનના થડા માટે ગમે તેટલી ઓફર આવે તો પણ જગ્યા આપતા નથી. આ મામલે ખરેખર મનપાએ આકરી કાર્યવાહી કરવી જોઇએ કારણ કે રાજકોટમાં જે ગંદકી છે તેમાં 25-30 ટકા હિસ્સો આ થડાઓને કારણે છે.’
ચાના થડાઓને કારણે આ સમસ્યાઓ
નેતાઓ ભલામણ કરતા જ નથી, માલ જપ્ત થાય છે : ઈન્દોર મ્યુનિ. કમિશનર
રાજકોટમાં દબાણ અને સ્વચ્છતા મામલે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને મેયર પ્રદીપ ડવે માત્ર ઠાલી વાતો જ કરી, કોઇ પરિણામ ન આવ્યું. પરિણામ કઈ રીતે લાવી શકાય તે માટે ભાસ્કરે દેશમાં સ્વચ્છતામાં સતત પ્રથમ ક્રમે રહેતા ઈન્દોરના મ્યુનિસિપલ કમિશનર તેમજ વહીવટદાર પ્રતિભાપાલનો સંપર્ક કર્યો હતો અને દબાણ તેમજ સ્વચ્છતા મામલે તેઓએ જણાવ્યું હતું કે, ‘દરેક વેપારીએ કચરાપેટી રાખવી ફરજિયાત છે, જો કોઈની દુકાન સામે કચરો દેખાય પછી તે ગ્રાહકે ફેંક્યો હોય કે દુકાનનો હોય તેના બદલ દુકાનદારને દંડ થાય છે અને આ કાર્યવાહી માટે ટીમ દોડતી રહે છે જો વધુ વખત દંડ થાય તો માલ જપ્ત થાય છે. સૌથી મહત્વની વાત છે કે દબાણો દૂર કરવા માટે બધા જ સહયોગ આપે છે. પોલિટિકલ પ્રેસર કે કોઇ ગ્રૂપનો ઈન્કાર હોતો નથી તેથી લોકોમાં પણ સમજ વધતા ઈન્દોર પ્રથમ ક્રમે રહે છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.