રાજકોટ મહાનગરમાં બની રહેલા પાંચ બ્રીજ પૈકી હોસ્પિટલ ચોક બ્રીજનું કામ છેલ્લા તબકકે પહોંચ્યું છે, ત્યારે કાલાવડ રોડના બે સહિતના અન્ય બ્રીજના કામની ગતિ પણ વેગવંતી બનાવવા ફરી કોન્ટ્રાકટર એજન્સીને નોટીસ આપવામાં આવી છે. તાજેતરમાં કમિશ્નર સહિતના અધિકારીઓએ યોજનાઓ અંગે રીવ્યુ કર્યા બાદ આ કામો માત્ર સમયસર નહીં પરંતુ વહેલા પૂરા કરવા તંત્ર અધીરૂ બન્યું છે.
ઓગષ્ટમાં ઉદ્ઘાટન કરવાની ધારણા
રાજકોટની ટ્રાફિક સમસ્યા ઉકેલવાના ભાગરૂપે મહાપાલિકા દ્વારા કરોડોના ખર્ચે 5 બ્રીજના કામ કરવામાં આવી રહ્યા છે. તેમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં 84 કરોડના ખર્ચે બનતા બ્રીજનું કામ છેલ્લા તબકકામાં છે. જુલાઇના અંતે આ બ્રીજ તૈયાર થાય અને ઓગષ્ટમાં ઉદ્ઘાટનન પણ થઇ જાય તેવી ધારણા છે. અનેક વિલંબ બાદ કમિશ્નરે આ બ્રીજનું કામ ડે-નાઇટ ચાલુ કરાવ્યું હતું અને હવે મધ્ય ભાગમાં મુખ્ય કામગીરી ચાલી રહી છે.
4 બ્રીજ નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ
કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકમાં પણ બ્રીજના કામમાં કયારેક કયારેક ગતિ મંદ પડે છે. તો કે.કે.વી. ચોકનો મલ્ટીલેવલ બ્રીજ તો મનપા ખુદ પડકારજનક પ્રોજેકટ માને છે. તેનો ખાસ રીવ્યુ અધિકારીઓએ કર્યો છે. 150 ફુટ રીંગ રોડ પર હયાત બે બ્રીજની દિશામાં જ રામાપીર ચોક અને નાના મવા ચોકમાં બ્રીજના કામ મોટા ભાગે નિયમિત ચાલે છે પરંતુ એકંદરે તમામ પ્રોજેકટને કોરોના કાળે અસર કરી છે. તેમાં ગત મહિને કવોરી સંચાલકોની હડતાલે પણ કામ પર પ્રભાવ પાડયો હતો. હવે વરસાદ આવે એ પહેલા વધુમાં વધુ કામ થઇ જવું અનિવાર્ય છે. વર્ષના અંતે ચૂંટણીઓ પણ આવી રહી છે આથી કેકેવી ચોકના બ્રીજ પરના બ્રીજ પ્રોજેકટ સિવાયના 4 બ્રીજ નવેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જાય તેવો રીવાઇઝ ટાર્ગેટ છે.
ચૂંટણીઓ પહેલા લોકાર્પણ કરવાની ગણતરી
આમ તો જડ્ડુસ, કેકેવી ચોક બ્રીજ માટે ટેન્ડરની મુદ્દત વધુ છે. પરંતુ તંત્ર આ કામો ઝડપી કરાવવા લાગ્યું છે. આ કામમાં કયાંક કયાંક સ્પીડ તુટતી હોય, વધુ ઝડપ માટે મૌખિક સૂચના અપાયા બાદ ફરી એજન્સીને નોટીસ આપીને તાકીદ કરાઇ છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો ફિઝીકલ પ્રોગ્રેસમાં હોસ્પિટલ ચોક 85 ટકા, કેકેવી ચોક 45 ટકા, જડ્ડુસ ચોક 40 ટકા, નાના મવા ચોક 66 ટકા અને રામાપીર ચોક બ્રીજનું 68 ટકા કામ થયું છે. ફાયનાન્સીયલ પ્રોગ્રેસમાં આ પ્રોજેકટની અનુક્રમ ટકાવારી 82 ટકા, 42 ટકા, 37 ટકા, 49 ટકા અને 52 ટકા છે. એકંદરે વરસાદ પહેલા વધુમાં વધુ કામ થાય અને ચૂંટણીઓ પહેલા વધુમાં વધુ લોકાર્પણો થઇ જાય તેવી મહાપાલિકાની ગણતરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.