સૌરાષ્ટ્રમાં પ્રથમ:રાજકોટ મનપાએ ફાયરની સુવિધા માટે મુંબઇથી 20.12 કરોડના ખર્ચે 81 મીટર હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હવે રાજકોટ પાસે 81 મીટર હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઉપલબ્ધ બન્યું. - Divya Bhaskar
હવે રાજકોટ પાસે 81 મીટર હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઉપલબ્ધ બન્યું.
  • મુંબઇની કંપનીના એન્જીનિયર રાજકોટ મનપાના અધિકારી અને કર્મચારીઓને ટ્રેનિંગ આપશે
  • જૂનાગઢના સક્કરબાગ ઝૂથી રાજકોટ ઝૂ માટે ઘુડખર અને ચૌશિંગાની 1-1 જોડી લવાઇ

રાજકોટ શહેરમાં હાઈરાઈઝ બિલ્ડીંગ દિવસેને દિવસે બની રહી છે. નવા નવા બિલ્ડીંગો નિર્માણ પામી રહ્યા છે. આવા બિલ્ડીંગોને ફાયરની સુવિધા મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુંબઈની એજન્સી પાસેથી રૂ.20.12 કરોડના ખર્ચે 81 મીટર હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવામાં આવ્યું છે. આજે સત્તાધિશો અને અધિકારીઓ દ્વારા આ હાઈડ્રોલિક પ્લેટફોર્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કંપનીના એન્જિનિયર દ્વારા રાજકોટના મહાનગરપાલિકા અધિકારી અને કર્મચારીઓને ટ્રેનિંગ અપાશે. કર્મચારીઓ દ્વારા ટ્રેનિંગ લીધા બાદ હાઇડ્રોલિક પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવશે.

રાજકોટમાં 70થી 75 મીટર ઊંચી ઇમારતો
રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલમાં 45 મીટરની ઊંચી ઈમારતો માટે ફાયર ફાઈટિંગની સુવિધા આપવા સક્ષમ છે. પરંતુ શહેરમાં 70થી 75 સુધીની ઊંચી ઈમારતો માટે 81 મીટર હાઈડ્રોલિક પ્લેટફોર્મ સ્માર્ટ સિટી અંર્તગત ખરીદવામાં આવ્યું છે. નવા વિકસિત એરિયા તેમજ નવા રિંગ રોડ પર ઈમારતોમાં રહેતા લોકોને ફાયરની સુવિધા ઉપલબ્ધ થશે તેમ મનપાએ સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.

રાજકોટ ઝૂમાં ચૌશિંગાની એક જોડી આવી.
રાજકોટ ઝૂમાં ચૌશિંગાની એક જોડી આવી.

રાજકોટ ઝૂ ખાતે ઘુડખર તથા ચૌશીંગાનું આગમન
સક્કરબાગ ઝૂ, જુનાગઢ ખાતેથી રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે દુર્લભ પ્રાણી ઘુડખર જોડી 1 (નર-1, માદા-1), ચૌશિંગા જોડી 1 (નર-1, માદા-1) તથા વરૂ માદા 1 લાવવામાં આવેલ છે. તેમ મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 57 પ્રજાતિઓનાં કુલ 456 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.

જૂનાગઢ ઝૂમાંથી એક ઘુડખરની જોડી લવાઇ.
જૂનાગઢ ઝૂમાંથી એક ઘુડખરની જોડી લવાઇ.

ગાંધીનગર ઝૂને સફેદ વાઘ આપવામાં આવ્યો હતો
સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણી ઉદ્યાન, ઇન્‍દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર તથા સક્કરબાગ ઝૂ, જુનાગઢ વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરવા મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ તબ્બકે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેથી રોયલ બેંગાલ સફેદ વાઘ જોડી 1 (નર તથા માદા)ને ઇન્‍દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર ખાતે આપવામાં આવ્યા હતા. જેના બદલામાં સક્કરબાગ ઝૂ, જુનાગઢ ખાતેથી રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે દુર્લભ પ્રાણી ઘુડખર જોડી 1, ચૌશિંગા જોડી 1 તથા વરૂ માદા 1 લાવવામાં આવ્યા છે. આ તમામ પ્રાણીઓને હાલ વેટરનરી ઓફિસરની દેખરેખ હેઠળ ઝૂ ખાતે ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...