રાજકોટ વોર્ડ નં.1નો ગ્રાઉન્ડ રિપોર્ટ:કોમ્યુનિટી હોલ અને નવા ઓવરબ્રિજને મંજૂરી મળી, રસ્તા પર ઢોરનો અડિંગો અકસ્માત નોતરે છે, કોર્પોરેટરોની આળસ અને નજરચૂકના કારણે સ્થાનિકોમાં રોષ

રાજકોટએક વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
રાજકોટ વોર્ડ નં, 1માં ગટર, ગંદકી અને પાણીનો મુખ્ય પ્રશ્ન
  • પેવિંગ બ્લોક, ડ્રેનેજ વર્કની નવી મશીનરી, કોમ્યુનિટી હોલ સહિતની સારી કામગીરી
  • રામાપીર ચોક, માધાપર ચોક, ગાંધીગ્રામ, મોચીનગર સહિતના વિસ્તારોનો સમાવેશ
  • સ્વચ્છ ભારતના સૂત્ર વચ્ચે પણ કચરાના ઢગલા, સફાઈ કર્મચારીઓ નિયમિત ડોકાતા પણ નથી

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-1 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

ઓછા ફોર્સથી પાણીનું વિતરણ થાય છે.
ઓછા ફોર્સથી પાણીનું વિતરણ થાય છે.

વેરો ભરવા છતાં પુરતા પાણીનો અભાવ
રાજકોટ મનપાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. શહેરના 18 વોર્ડમાં વોર્ડ નં.1ની વાત કરીએ તો મુખ્ય સમસ્યામાં ગંદકી, પુરતા પાણીનો અભાવ, મુખ્ય બજારમાંથી ગટરો નીકળતી હોવાથી દુર્ગંધ આવવી, ચારે બાજુ કચરાના ઢગલાનો સમાવેશ થાય છે. સ્થાનિકોનો આક્રોશ છે કે, તમામ પ્રકારનો પુરતો વેરો ભરીએ છીએ છતાં મોટાભાગની પાયાની મુખ્ય સમસ્યાનો અભાવ જોવા મળી રહ્યો છે. કોઇ પણ રજુઆત કરવા જઇએ ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી એક જ સૂર જોવા મળે છે કે થઇ જશે.

ગટરનું ઉભરાતું ગંદુ પાણી રસ્તા પર આવી જાય છે.
ગટરનું ઉભરાતું ગંદુ પાણી રસ્તા પર આવી જાય છે.

સારા કામમાં પેવિંગ બ્લોક, કોમ્યનિટી હોલ બન્યા
બીજી તરફ થોડા સારા કામ પણ થયા છે. પેવિંગ બ્લોક, જુદા જુદા વિસ્તારમાં બાંધકામ, ડ્રેનેજ વર્કની નવી મશીનરી, કોમ્યુનિટી હોલ, ઓવરબ્રિજના કામોને મંજૂરી પણ મળી છે. અમુક વિસ્તારોમાં કોર્પોરેટરોની આળસ અને નજરચૂકના કારણે સ્થાનિકોનો લોકો રોષનું ભોગ પણ બનવુ પડ્યું છે. રામાપીર ચોક, માધાપર ચોક, ગાંધીગ્રામ, મોચીનગર જેવા વિસ્તારમાં ગટર, ગંદકી અને પાણીનો મુખ્ય પ્રશ્ન રહ્યો છે.

અમુક વિસ્તારમાં ગંદકીના ગંજ સાથે રસ્તાઓ ખદબદે છે.
અમુક વિસ્તારમાં ગંદકીના ગંજ સાથે રસ્તાઓ ખદબદે છે.

ગંદા પાણી રોડ પર આવતા હોવાથી હાલાકી ભોગવવી પડે છે-સ્થાનિક
સ્થાનિક રહેવાસી કલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, 15 વર્ષથી આ વિસ્તારમાં ભાજપનું શાસન છે. એક જ ઉમેદવાર ત્રણ ટર્મથી જીતે છે છતાં ખખડધજ રસ્તા, ગટર ઉભરાતી અને ગંદા પાણી રોડ પર આવવા જેવી મુશ્કેલીઓ ભોગવી રહ્યાં છીએ. નવીનભાઈ જોશીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારતના સૂત્ર વચ્ચે પણ કચરાના ઢગલા, સફાઈ કર્મચારીઓ નિયમિત ડોકાતા પણ નથી. ખાસ કરીને રસ્તાઓ પર ઢોરનો અડીંગો અકસ્માત નોતરે છે.

ઓછા ફોર્સથી ગંદુ પાણી મળે છેઃ સ્થાનિક
જયાબેને જણાવ્યું હતું કે, ગંદુ પાણી તો આવે જ છે પરંતુ પુરતો વેરો અને પૈસા ભરવા છતાં કચરાની ટીપરવાન નિયમિત ન આવતા લોકો કચરો ક્યાં નાખે તે પણ એક મોટો સવાલ છે. લાલજીભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, નળ વેરો ન ભરીએ તો નળ કનેક્શન કાપવાની નોટિસ મળે છે. વેરો ભરીએ છીએ તો ઓછા ફોર્સમાં ગંદુ પાણી મળે છે. નિયમિત પાણી પૂરતા ફોર્સથી મળે તેવી અમારી માંગ છે.

વોર્ડ નં.1માં મતદારોની સંખ્યા

પુરૂષ-37633
સ્ત્રી-34380
અન્ય-2
કુલ-72015

અન્ય સમાચારો પણ છે...