તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકરો નિર્ણય:રાજકોટ મ્યુનિ. હેઠળ બનતા આવાસમાં કોઈ કબ્જો કરશે તો તેની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાશે, મનપા કમિશનરનો નિર્ણય

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મનપા કમિશનર અમિત અરોરાએ આવાસ યોજનાની સાઇટ વિઝીટ લીધી. - Divya Bhaskar
મનપા કમિશનર અમિત અરોરાએ આવાસ યોજનાની સાઇટ વિઝીટ લીધી.
  • મનપા કમિશનરે આવાસ યોજનાની વિઝીટ લીધી, ગેરકાયદેસર કબ્જો ધરાવતાં આસામીઓ મળી આવ્યા

રાજકોટ મનપા હેઠળ બનાવેલા અને બનતા આવાસ યોજનામાં કબ્જો કરનાર સામે કોર્પોરેશન કમિશનર અમિત અરોરાએ આકરો નિર્ણય લીધો છે. ચેકિંગ દરમિયાન આવાસમાં કબ્જો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. મનપા દ્વારા જે આવાસ એલોટ કરવામાં આવ્યા નથી તે આવાસની માલિકી મનપાની છે. આ પ્રકારના આવાસમાં કોઈ કબ્જો કરશે તો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આવાસોમાં ગેરકાયદેસર કબ્જો ધરાવતા આસામીઓ સામે કાયદેસરના પગલાં લેવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સૂચના આપી છે.

કમિશનરે આવાસ યોજનાઓની મુલાકાત કરી
અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોને ઘરનું ઘર મળી રહે તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના બનાવી લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવે છે. આજે 6 નવેમ્બરના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ આવાસ યોજનાઓની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન આવાસ યોજનાઓમાં ખાલી રહેલા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આવાસોમાં ગેરકાયદેસર કબ્જો ધરાવતાં આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનરે સૂચના આપી હતી.

આવાસ યોજનાની વિઝીટ લીધી.
આવાસ યોજનાની વિઝીટ લીધી.

આટલી આવાસ યોજનાની મુલાકાત લીધી
મ્યુનિ. કમિશનરે વૃંદાવન સોસાયટી પાછળ, કાલાવડ રોડ પર આવેલી વામ્બે આવાસ યોજના, નટરાજનગર સાધુવાસવાણી રોડ પર આવેલી રાજીવ આવાસ યોજના, મારુતી સર્વિસ સ્ટેશન પાછળ મોરબી રોડ પર આવેલી ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ અને જકાતનાકા પાછળ કુવાડવા રોડ પર આવેલી BSVP–2 આવાસ યોજનાની મુલાકાત કરી હતી.

સાથોસાથ સ્વચ્છતા જાળવવા બાબતે પણ સૂચન કર્યા
મુલાકાત દરમિયાન મ્યુનિ. કમિશનરે ખાલી રહેલા આવાસમાં ગેરકાયદેસર કબ્જે કરેલા આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવા અને RMC હસ્તકની આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસોની ચકાસણી ઝુંબેશ હાથ ધરવા સૂચના આપી હતી. સાથોસાથ સ્વચ્છતા જાળવવા બાબતે પણ સૂચન કર્યા હતા. વિઝીટ દરમિયાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ, ઇન્ચાર્જ આવાસ યોજનાના સિટી એન્જી. એસ. બી. છૈયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, ડે. એન્જી. પી.ટી. પટેલ, આસી. મેનેજર કૌશિક ઉનાવા અને નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર ઉપસ્થિત રહ્યાં હતા.