રાજકોટથી મુંબઈ હવાઈ યાત્રા કરતા મુસાફરોને આગામી તારીખ 19મી જાન્યુઆરીથી રાજકોટ-મુંબઈ સવારની નવી ફ્લાઈટ શરૂ થનાર છે. ખાનગી એરલાઇન્સ કંપની રાજકોટથી સવારે 11 કલાકે મુંબઈની વધુ એક ફ્લાઈટ શરૂ કરતા યાત્રિકોને વધુ સારી ફ્રીક્વન્સી મળશે. છેલ્લા કેટલાક સમયથી એર ફ્રીક્વન્સી વધારવા જુદા જુદા સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
પરંતુ રાજકોટથી મુંબઈ જવા માટે વહેલી સવારે કોઈ ફ્લાઈટ નહીં હોવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વેપારીઓ-ઉદ્યોગકારોને મુશ્કેલી પડી રહી છે કારણ કે જો વહેલી સવારની ફ્લાઈટ શરૂ કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વેપારીઓ સવારે મુંબઈ જઈને પોતાનું કામ પૂરું કરીને સાંજની ફ્લાઈટમાં રાજકોટ પરત ફરી શકે. સવારે મુંબઈની ફ્લાઈટ શરૂ કરવા ચેમ્બર સહિતની સંસ્થાઓએ માંગ કરતા ખાનગી એરલાઈન્સ કંપનીએ સવારની મુંબઈ સેવા શરૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે. આગામી 19મીથી સવારની વધુ એક મુંબઈ સેવા સાથે મુંબઈની દરરોજ ત્રણ ફ્લાઈટ સંચાલિત થશે. તારીખ 19મીથી શરૂ થનાર રાજકોટ-મુંબઈ ફ્લાઈટ સવારે 11.20 કલાકે ટેકઓફ થઈ મુંબઈ બપોરે 12.20 કલાકે લેન્ડ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.