વીડિયો વાઈરલ:મોરબીના જુના ઘાટીલામાં કોળી સમાજ સાથે રાજકોટ MPની બેઠક, આગેવાને કહ્યું વાડી બનાવી દે તેને મત આપીશું તો કુંડારીયાએ કહ્યું મારી ગ્રાન્ટમાંથી 2 લાખ આપીશ

મોરબી2 વર્ષ પહેલા
  • વીડિયોમાં કોળી સમાજના આગેવાન સાંસદ મોહન કુંડારિયાને 600 મત આપવાની વાત કરે છે

ભાજપનો એક વિવાદાસ્પદ વીડિયો વાઈરલ થયો છે. જેમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા મોરબીના જુના ઘાટીલા ગામમાં કોળી સમાજને ભાજપ તરફી મતદાન કરવાનું નિવેદન આપી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે. જેને લઈને અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. આ વીડિયોમાં કોળી સમાજના આગેવાન સમાજની વાડી બનાવી આપે તેને મત આપીશું તેવું કહે છે. ત્યારે તેના જવાબમાં સાંસદ કહે છે કે મારી ગ્રાન્ટમાંથી 2 લાખ આપીશ.

કોળી સમાજે લગ્નની વાડી મુદ્દે સાંસદ સાથે વાત કરી
વીડિયોમાં કોળી સમાજના આગેવાન સાંસદ મોહન કુંડારિયાને 600 મત આપવાની વાત કરે છે. લગ્નની વાડી મુદ્દે વાત કરતા કહે છે કે તમે વાડી સારી બનાવો અમે સાથે જ છીએ. તો બીજી વ્યક્તિ કહે છે મતદાનની જવાબદારી મારી, અન્ય વ્યક્તિ કહે છે કે જે વ્યક્તિ અમને વાડી બનાવી દે એને અમે મત આપીશું. ત્યારે મોહન કુંડારિયાએ કહ્યું કે 2 લાખ હું મારી ગ્રાન્ટમાંથી આપીશ. આ સાથે જ કહ્યું કે તમે અમારા પર ભરોસો રાખો અમે તમારા પર ભરોસો રાખીએ.

પ્રચાર સમયનો જુનો વીડિયો મતદાનના દિવસે વાઈરલ થયો
મોરબીના જુના ઘાટીલા ગામમાં કોળી સમાજ સાથેની બેઠકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પરંતુ આ વીડિયો પ્રચાર સમયનો હોવાનું જાણવા મળ્યું છે. પ્રચાર સમયે મોરબી-માળિયા મત વિસ્તારમાં ભાજપે દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતે પ્રચાર કર્યો હતો.