રશિયામાં નોકરી અપાવી દેવાના બહાને ત્રણ યુવાનો સાથે રાજકોટના શખ્સ મંગલસિંહ બળવંતસિંહ સીસોદીયાએ રૂ.3.30 લાખની છેતરપીંડી કર્યાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ત્રણ યુવાન સિવાય મંગલસિંહે સૌરાષ્ટ્રભરમાંથી અંદાજિત 150 જેટલા લોકોને છેતરી તેની પાસેથી રૂ.50 લાખ રૂપિયા પડાવ્યા છે. આ અંગે હાલ આજીડેમ પોલીસે આરોપીને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે.
પોરબંદરના યુવકે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ
પોરબંદરમાં નરસંગ ટેકરી નજીકનાં આંબેડકરનગરમાં રહેતા અને બાંધકામની મજૂરી કરતા રાહુલ મુરુભાઈ વાઘે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગત માર્ચ મહિનામાં મેં ફેસબુક પર રશિયામાં સારા પગારથી નોકરી મેળવો તેવી જાહેરાત વાંચી હતી. આથી જાહેરાતમાં દર્શાવેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા HR એન્ટરપ્રાઈઝ નામે ઓફિસ ધરાવતા આરોપી મંગલસિંહે મને રૂપિયા 1.10 લાખનો ખર્ચ થશે તેમ કહી રાજકોટ બોલાવ્યો હતો. આથી હું અને મારા બે મિત્રો સાથે ગત 24 મેનાં રોજ આરોપી મંગલસિંહની કોઠારીયા સોલવન્ટ રેલવે સ્ટેશનની સામે ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસે પહોંચ્યો હતો. અહીં રશિયામાં નોકરી બાબતે વાતચીત કરી હતી તે વખતે આરોપી મંગલસિંહે રૂ.1.10 લાખ એડવાન્સમાં આપવાનું કહ્યું હતું.
મંગલસિંહે કમિશનના રૂ.10 હજાર થશે તેવું કહ્યું
ત્યારબાદ પોતાના કમિશનનાં રૂ. 10 હજાર થશે તેમ પણ કહ્યું હતું. આથી તેના મિત્ર મેહુલે તે જ દિવસે રૂ. 1.10 લાખ અને કમિશનનાં રૂ. 10 હજાર આરોપી મંગલસિંહનાં બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતાં. જ્યારે તેની અને મિત્ર સન્ની પાસે પૂરતી રકમ ન હોવાથી બાદમાં પેમેન્ટની વાત કરી ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં તેની અને સન્ની પાસે પૈસાની સગવડ થતાં કટકે કટકે રૂ. 2.20 લાખ જમા કરાવ્યા હતાં. આરોપી મંગલસિંહે રકમ જમા કર્યા અંગેનું વાઉચર પણ વોટ્સએપમાં મોકલી આપ્યું હતું.
મંગલસિંહે વિઝા અને ટિકિટ મંજૂર થયાનું કહ્યું
મંગલસિંહે કહ્યું હતું કે, વિઝા અને નોકરીની પ્રોસેસ પૂરી થવામાં એક મહિના જેવો સમય લાગશે. એક મહિના સુધી રાહ જોયા બાદ સંપર્ક કરતા આરોપી મંગલસિંહે કહ્યું કે, તમારા ત્રણેયનાં વિઝા અને ટિકિટ મંજૂર થઈ ગયા છે. બાદમાં તેણે બન્નેની કોપી વોટ્સએપમાં મોકલી આપી હતી. પછી અચાનક કહ્યું કે, તમારા ત્રણેયનાં વિઝા અને ટિકિટ નામંજૂર થયા છે. તમને તમારા પૈસા 12 ટકા વ્યાજ લેખે પરત મળી જશે તેવું લખાણ પણ વોટ્સએપ મારફત મોકલી આપ્યું હતું.
આજીડેમ પોલીસે મંગલસિંહની અટકાયત કરી
ત્રણેય મિત્રોને પૈસા પરત ન મળતા આરોપી મંગલસિંહને કોલ કરતા તેણે જવાબ આપવાનું બંધ કર્યું હતું. આથી તેની ઓફિસે તપાસ કરતાં તાળા મારેલા હતા અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ આજી ડેમ પોલીસે કોઠારિયા સોલ્વન્ટ પાસે રહેતા મંગલસિંહ બળવંતસિંહ સીસોદીયાની અટકાયત કરી છે.
મંગલસિંહથી છેતરાયેલા લોકો પોલીસનો સંપર્ક કરે
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ, આરોપીએ સૌરાષ્ટ્રભરમાંથી 150 લોકોને વિદેશમાં નોકરી આપવાના બહાને છેતર્યા છે. તેમજ શિક્ષિત યુવાનો પાસેથી અંદાજિત રૂ.50 લાખ જેટલી રકમ પડાવી છે. આરોપી મંગલસિંહથી જે લોકો છેતરાયા તે લોકોએ પોલીસનો સંપર્ક કરે તેવી પોલીસે અપીલ કરી છે. તેમજ આરોપીએ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને યુપીના યુવાને પણ છેતર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી મંગલસિંહના સાગરીતો કોણ છે? એ અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.