કોઠારીયા વિસ્તાર મવડી, રૈયાધાર તથા રોણકી વિસ્તારમાં કોર્પો. દ્વારા એનિમલ હોસ્ટેલ ચલાવવામાં આવે છે. આજે મેયર ડો.પ્રદિપ ડવે મવડી તથા રૈયાધાર ખાતે એનિમલ હોસ્ટેલની સ્થળ મુલાકાત લીધેલ હતી. હજુ પશુ હોસ્ટેલોમાં 778 પશુ રાખવાની જગ્યા હોય, રખડતા ઢોરનો ત્રાસ દુર થાય તે માટે માલધારીઓને પોતાના પશુ એનીમલ હોસ્ટેલમાં રાખવા અપીલ કરી છે.
580 પશુઓનો સમાવેશ
કોઠારીયા વિસ્તારની એનિમલ હોસ્ટેલમાં આશરે 20,000 સ્કવેર મીટર જગ્યા આવેલ છે. જેમાં, 50 માલધારી દ્વારા 580 પશુઓનો સમાવેશ થયેલ છે. હજુ વિશેષ 170 જેટલા પશુઓ રાખી શકાય તેટલી જગ્યા છે. મવડી વિસ્તારમાં આશરે 27,528 સ્ક્વેર મીટર જગ્યામાં 31 માલધારીઓ દ્વારા 350 પશુઓ રાખવામાં આવેલ છે. હજુ વિશેષ આશરે 500 પશુઓ રાખી શકાય તેટલી જગ્યા ઉપસ્થિત છે. રૈયાધાર ખાતે આશરે 6000 સ્ક્વેર મીટર જગ્યા આવેલ છે.જેમાં, 15 માલધારીઓ દ્વારા 142 પશુઓ રાખવામાં આવેલ છે. 108 પશુઓ રાખી શકાય તેટલી જગ્યા આવેલ છે. આ ઉપરાંત રોણકી ખાતેની એનિમલ હોસ્ટેલમાં આશરે 7519 સ્ક્વેર મીટર જગ્યા છે તેમાં 2 માલધારીઓ દ્વારા 34 પશુઓ રાખવામાં આવેલ છે.
તબક્કાવાર સુવિધા આપવા માટે કાર્યવાહી
એનિમલ હોસ્ટેલમાં લાઈટ, પાણી, શેડ વગેરે જેવી સુવિધા આપવામાં આવેલ છે. પશુ દીઠ 60 ફૂટની જગ્યા તેમજ ઘાસ કે અન્ય ઉપયોગ માટે મળી કુલ 100 ફૂટની જગ્યા માલધારીઓને આપવામાં આવી રહી છે. કોઠારીયા વિસ્તારમાં આવેલ હૈયાત શેડની પાછળના ભાગે નવો શેડ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. એનિમલ હોસ્ટેલમાં પણ તબક્કાવાર સુવિધા આપવા માટે કાર્યવાહી હાથ ધરશે છે.
પશુઓને એનિમલ હોસ્ટેલમાં રાખવા જોઈએ
એનિમલ હોસ્ટેલનો લાભ વધુમાં વધુ માલધારીઓ લે તે માટે હોસ્ટેલમાં જુદીજુદી સુવિધાઓ ઉપલબ્ધ કરવા હોસ્ટેલમાં હૈયાત રસ્તાઓ સિમેન્ટના કરવા તેમજ શહેરના જે માલધારીઓ પાસે પશુ બાંધવા માટેની જગ્યા નથી તેઓએ પોતાના પશુઓને એનિમલ હોસ્ટેલમાં રાખવા જોઈએ તેમ મેયર ડો.પ્રદિપ ડવએ અંતમાં જણાવેલ હતું. આ મુલાકાત વખતે વેટરનરી ઓફિસર ડો.બી.આર.જાકાસણીયા તથા લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર પ્રફુલભાઈ ઝાલા ઉપસ્થિત રહેલ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.