જાહેરાત:સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી 5 ઓક્ટોબરે, આજે કપાસનો 1 મણનો ભાવ 1721 રૂપિયા બોલાયો, 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટ માર્કેટ યાર્ડની ફાઇલ તસવીર.
  • શંકરસિંહ વાઘેલા કાપડ મંત્રી હતા ત્યારે એક મણ કપાસનો ભાવ 1500 રૂપિયા બોલાયો હતો

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી આગામી 5 ઓક્ટોબરના રોજ યોજાશે. આ માટે 23 સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરી શકાશે. ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4, સહકાર વિભાગની 2 સહિત 16 બેઠક પર ચૂંટણી યોજાશે.હાલ રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયા ચેરમેન તરીકે ફરજ બજાવે છે. બીજી તરફ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો રેકોર્ડબ્રેક ભાવ બોલાયો હતો. એક મણ કપાસના 1721 રૂપિયા ભાવ બોલાયો હતો. આ ભાવે 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

અગાઉ 1500 રૂપિયા ભાવ બોલાયો હતો
શંકરસિંહ વાઘેલા કાપડ મંત્રી હતા ત્યારે એક મણ કપાસનો ભાવ 1500 રૂપિયા બોલાયો હતો. જોકે ચાલુ વર્ષે કપાસની માગના પ્રમાણમાં ઉત્પાદન ઓછુ છે. આથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં ખેડૂતોએ કપાસ કરતા મગફળીનું વાવેતર વધુ પ્રમાણમાં કર્યું છે. આથી કપાસની માગ વધે તેવી શક્યતા છે અને ભાવ પણ સારા મળી રહે તેવી આશા ખેડૂતો સેવી રહ્યાં છે.

ટ્યૂબના પ્રયોગથી કપાસમાં ગુલાબી ઈયળથી ખેડૂતોને મળી શકે છે છુટકારો
ગુલાબી ઈયળોના ત્રાસથી કંટાળી અનેક ખેડૂતો કપાસનું વાવેતર ટાળી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં એક પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં એક ટ્યૂબથી કપાસમાં આવતી ગુલાબી ઈયળનો સફાયો થતો હોવાનો દાવો કર્યો છે. ગુલાબી ઈયળનો નાશ કરવા ટ્યૂબનું સંશોધન કર્યું છે. જીજીઆરસી દ્વારા વીંછિયાના ભડલી ગામમાં ટ્યૂબનું ડેમોન્સ્ટ્રેશન કરાયું છે. હાલ અહીં કપાસમાં ટ્યૂબનો પહેલો ડોઝ લગાવાયો છે. અલગ- અલગ 3 તબક્કામાં આ ટ્યૂબનો પ્રયોગ હાથ ધરાશે. જીજીઆરસીના જુનિયર ઓફિસરના આર.એમ. ડાંગરના કહેવા મુજબ આ ટ્યૂબની સુગંધથી ફુદામાંથી ઈયળનું નિર્માણ થાય તે પહેલાં જ તેનો નાશ થશે. જોકે આ સંશોધન સફળ રહેશે તો સૌરાષ્ટ્રના અનેક ખેડૂતોને ગુલાબી ઈયળોના ત્રાસથી મુક્તિ મળી શકે છે.

ટ્યૂબથી ઈયળોનો નાશ કેવી રીતે થશે?
ટ્યૂબથી કપાસમાં નર અને માદા ફુદાનું મિલન થતું અટકે છે. જેથી નવી પેઢી ઈંડાં સ્વરૂપે બને તે પહેલાં જ અટકે છે. માદા ફુદા જે સુગંધ છોડે છે જેનાથી નર ફુદા આકર્ષાય છે. તેમ ટ્યૂબ માદા ફુદા જેવી સુગંધ છોડશે અને તેની નજીક આ‌વતા સફાયો થશે.

કપાસમાં અલગ અલગ સમયે ત્રણ ડોઝ
1 એકર કપાસમાં પહેલા તબક્કામાં 1 ટ્યૂબનો ઉપયોગ કરાશે. ટ્યૂબથી વચ્ચેની ડાળીમાં એક ટપકું કરાશે. વાવણી બાદ કપાસ મહિનાનો થાય ત્યારે પહેલો, બે મહિના બાદ બીજો અને સવા ત્રણ મહિના બાદ અંતિમ ડોઝ અપાશે. દર 4 છોડ મૂકીને એક છોડ પર આ ટ્યૂબથી ટપકું કરવાનું રહેશે.