તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજેટ@2021-22:રાજકોટ મનપાનું 2291.24 કરોડનું બજેટ મંજુર, મેયરના વોર્ડમાં બનશે ઇન્ડોરસ્ટેડિયમ, સતત બીજા વર્ષે કરબોજ વગરનું બજેટ જાહેર કરતા સ્ટે. ચેરમેન

રાજકોટ3 મહિનો પહેલા
3 વર્ષમાં બજેટનું કદ વધ્યું
 • કોર્પોરેટરની ગ્રાન્ટ 15 લાખ કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકાનું 2021-22ના વર્ષ માટે મ્યુનિસિપલ કમિશનરે 2275 કરોડ રૂપિયાનું બજેટ તૈયાર કર્યું હતું અને પદાધિકારીઓને આપ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીએ એક સપ્તાહ તેનો અભ્યાસ કરીને બજેટના કદમાં 16.94 કરોડ રૂપિયાનો વધારો કરી 2291.24 કરોડનું બનાવ્યું છે અને કેટલીક યોજનાનો સમાવિષ્ટ કરી છે. જોકે મોટાભાગની યોજનાઓ રિપીટ જ છે અમુક યોજનાઓ તો પુષ્કર પટેલ 2018માં જ્યારે અગાઉ ચેરમેન હતા ત્યારે જ થઈ હતી જેમાં ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ, નવા ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલનો સમાવેશ થાય છે આ બધા માત્ર કાગળ પર હતા તે આ વર્ષે ફરી બજેટમાં લીધા છે. આ ઉપરાંત એવી પણ કેટલીક જાહેરાતો છે જેમ કે નવા બ્રિજ, ઈન્ડોર સ્ટેડિયમ, ઓડિટોરિયમ, મહિલા ગાર્ડન જેવા નવા પ્રોજેક્ટ મૂક્યા છે જે અગાઉ પણ મુકાઈ ચૂક્યા છે. ટૂંકમાં જે ઘણા સમયથી જાહેરાતો થઈ છે તે ફેરવી ફેરવીને બજેટમાં રંગ ભરવા અને લોકો માટે રસપ્રદ બનાવવા પ્રયાસ થયો છે.

સ્ટેન્ડિંગે બજેટમાં સમાવેલી મહત્ત્વની યોજનાઓ

કોઠારિયા અને મવડીમાં બ્રિજ18 કરોડ
માલધારી ફાટકથી કોઠારિયા ગામ સુધી સીસી રોડ02 કરોડ
આજી તથા ન્યારીમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ02 કરોડ
ત્રણેય ઝોન માટે મહિલાઓ માટે ગાર્ડન01 કરોડ
વોર્ડ નં. 12માં ઈન્ડોર સ્ટેડિયમ06 કરોડ
બોલબાલા માર્ગ પર ઓડિટોરિયમ06 કરોડ
કોલ સેન્ટર અપગ્રેડેશન25 લાખ
આરએમસી ઓન વોટ્સએપ01 કરોડ
10 ઈ-ટોઈલેટ01 કરોડ
6 ઈલેક્ટ્રિક કાર01 કરોડ
મહિલા હાટ01 કરોડ
ચિલ્ડ્રન પાર્ક75 લાખ
મિયાંવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ1.5 કરોડ
દરેક વોર્ડમાં રમતગમતના સાધનો90 લાખ

લોકોને મનપાની સેવાઓ સારી રીતે મળે તેવા દાવા સાથે આરએમસી ઓન વોટ્સએપ સેવા જ્યારે કોલ સેન્ટરનું અપગ્રેડેશન કરાશે. સ્ટેન્ડિંગ કમિટીએ કુલ 56.70 કરોડ રૂપિયાની યોજનાઓનો ઉમેરો કર્યો છે. જેમાંથી મ્યુનિસિપલ કમિશનરે કરેલી યોજનાઓને સુધારીને પણ મૂકી છે. બજેટનું કદ વધારવા તેમજ નવી યોજનાઓ માટે મનપાની આવક પણ વધારવી પડે આ માટે શાસકોએ સ્માર્ટ સિટીની ફાળવણીમાં 25 કરોડ રૂપિયાનું ગાબડું પાડી દીધું છે તેમજ દુકાનોના ભાડાં, હોર્ડિંગની આવકમાં વધારો સૂચવ્યો છે તેમજ પુરાંતમાં પણ 66 લાખનો વધારો કર્યો છે.

છેલ્લા બે બજેટમાં સ્ટેન્ડિંગે કરેલી જાહેરાતો જે કદી પૂરી નથી થઈ
સિંદૂરિયા ખાણમાં ઓડિટોરિયમ, ત્રણેય ઝોનમાં 3 પાર્ટી પ્લોટ, નવા કોમ્યુનિટી હોલ, નવી હાઈસ્કૂલ, નિર્મલા રોડ પર રીડિંગ રૂમ, મુખ્ય બજારોમાં મહિલાઓ માટે યૂરિનલ, મવડીમાં નવો સ્વિમિંગ પૂલ, મોડર્ન રાત્રી બજાર, નવા પાર્ટી પ્લોટ, ફૂટ ઓવરબ્રિજ, રૈયા ચોકડીએ ફૂડ કોર્ટ,મહિલાઓ માટે બગીચા, ઈસ્ટ અને વેસ્ટ ઝોન માટે ફનસ્ટ્રીટ

લોકોને સરળતાથી સેવા મળે તે માટે પદાધિકારીઓએ બે નવા પ્રોજેક્ટ ઉમેર્યા
લોકોને મનપાની સેવાઓ સરળતાથી મળે તે માટે આરએમસી ઓન વોટ્સએપ તેમજ નવો કંટ્રોલરૂમ એમ બે પ્રોજેક્ટ અપનાવાયા છે. લોકોને ટેક્સ બિલ અને રિસિપ્ટ, જન્મ-મરણના દાખલા, ઓનલાઈન પેમેન્ટ સહિતની વિગતો માટે વોટ્સએપ પર જ માહિતી મળી જશે આ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરાશે. જ્યારે કોલ સેન્ટરમાં હવે ફક્ત ફોન કરીએ એટલે મેસેજ આવે એટલા પૂરતું નહીં રહે. પણ ફરિયાદ નોંધાયે લગત અધિકારીએ તેના ફોટા પાડીને કંટ્રોલરૂમમાં મોકલવાના રહેશે અને કંટ્રોલરૂમમાંથી ફરિયાદીને ઓટીપી અપાશે. અધિકારીએ ફરિયાદી પાસેથી ઓટીપી લેશે તે મેચ કર્યા બાદ જ ફરિયાદનો નિકાલ થયો ગણાશે. બારોબાર નિકાલ લખાવી શકાશે નહીં. આ બંને યોજનાઓ તૈયાર છે અને ઝડપથી અમલ થશે તેવું પુષ્કર પટેલે જણાવ્યું છે.

લાપાસરી બ્રિજની બે વર્ષ બાદ બજેટમાં જાહેરાત
લાપાસરી અને કોઠારિયા ગામની વચ્ચે આવેલા બેઠા પુલ પર બે વર્ષ પહેલાના ચોમાસામાં વાહન તણાઈ ગયું હતું અને તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. દર ચોમાસે વાહનો તણાઈ જવાની ઘટના બનતી રહે છે તેથી મ્યુનિસિપલ કમિશનરે બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે બજેટમાં પણ સમાવાયું હતું જોકે પછી તે ફાઈલ અભેરાઈએ હતી હવે ફરીથી બજેટમાં બ્રિજ સમાવાયો છે.

મેયરના વિસ્તારમાં ઈન્ડોર સ્ટેડિયમ અને બ્રિજ
શહેરના મેયર અને વોર્ડ નં.12ના કોર્પોરેટર પ્રદીપ ડવે બજેટના સુધારામાં મવડી વિસ્તારમાં ઈન્ડોર સ્ટેડિયમ અને રાધે ચોકડીએ બ્રિજ સહિતની ફાળવણી કરી છે. આ મામલે મેયર જણાવે છે કે, મવડી વિસ્તારના વોર્ડ ખૂબ ઝડપથી વિકસી રહ્યા છે તેથી ત્યાં મનપાએ જાહેર ઉપયોગ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું લોકહિતમાં છે, ઈન્ડોર સ્ટેડિયમમાં સ્ટેટ અને નેશનલ કક્ષાની સ્પર્ધા થાય તેવું બનાવાશે.

બજેટનું કદ વધારવા માટે આ રીતે પૈસા ભેગા કરાશે
સ્માર્ટ સિટી માટે બજેટમાંથી 100 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. જેમાં આ વર્ષે વધારો કરાયો હતો. જોકે પદાધિકારીઓએ આ ફાળો 75 કરોડ કરી નાખ્યો છે ઉપરાંત હોર્ડિંગની આવક વધારવી તેમજ જે દુકાનો કે થડા ખાલી તે ભાડે આપવા સહિતની આવકો 9 કરોડ ગણી છે તેમજ જે ખર્ચા બતાવ્યા હતા તેમાં ફેરફાર કરીને આંક 39 કરોડ કરાયો છે. કમિશનરે કરેલી જાહેરાતમાં ફેરફાર કરીને નવી 56.70 કરોડની યોજના જાહેર કરી છે.

જનતા પર કરબોજ મુકવામાં આવ્યો નથી
રાજકોટ મહાનગર પાલિકા નું નાણાકીય વર્ષ 2020-21નું રીવાઈઝ અને 2021-22 નું બજેટ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા કુલ 2275 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અભ્યાસ કરી પદાધિરકારીઓ અને સ્ટેન્ડિંગ કમિટીએ 2291.24 કરોડ નું બજેટ મંજુર કર્યું છે. ચાલુ વર્ષે મનપાની ચૂંટણીના પરિણામ ધ્યાનમાં રાખી સ્ટેન્ડિંગમાં રજુ થયેલ બજેટમાં રાજકોટની જનતા પર કોઈ પણ પ્રકારનો કરબોજ મુકવામાં આવ્યો નથી.

કોર્પોરેટરની ગ્રાન્ટ 15 લાખ કરવામાં આવી
રાજકોટ મનપાના બજેટમાં ટ્રાફિક સમસ્યા, ડ્રેનેજ સમસ્યા , પાણી સમસ્યા અને છેવાડા વિસ્તાર ની સુવિધા ધ્યાને રાખી બજેટમાં યોજના જાહેર કરવામાં આવી છે. આ વર્ષે બજેટમાં ખાસ મહિલાઓ માટે ઇસ્ટ , વેસ્ટ અને સેન્ટ્રલ એમ 3 ઝોનમાં 100 લાખના ખર્ચે બગીચા બનાવવા જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાજકોટ મનપાના નવનિયુક્ત મેયર પ્રદિપ ડવના વોર્ડ નંબર 12 માં નવો ઓડિટોરિયમ હોલ બનાવવા જાહેરાત કરવામાં આવી છે. પાછલા વર્ષે બજેટમાં કોર્પોરેટરને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરી 10 લાખ ગ્રાન્ટ મળતી હતી જે વધારીને 15 લાખ કરવામાં આવી છે..

2021-22 માં કરવામાં આવેલ વાયદા

 1. 1800 લાખના ખર્ચે અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવા જાહેરાત કરવામાં આવી
 2. 200 લાખના ખર્ચે કોઠારીયા વિસ્તારમાં સી.સી.રોડ બનાવવામાં આવશે
 3. આજી અને ન્યારી ડેમ સાઇટ પર 300 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 200 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે
 4. ત્રણે ઝોનમાં મહિલાઓ માટે 100 લાખના ખર્ચે બગીચા નિર્માણ કરવામાં આવશે
 5. વોર્ડ નંબર 12 માં નવું ઓડિટોરિયમ 600 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે
 6. ઇ-લાઈબ્રેરી માટે 50 લાખની જોગવાઇ બજેટમાં કરવામાં આવી
 7. શહેરમાં કુલ 47 વોકળા આવેલ છે જેને પાકા બનાવવા માટે 300 લાખની જોગવાઇ કરવામાં આવી
 8. 6 ઇલેક્ટ્રિક કાર ખરીદવા 100 લાખની જોગવાઈ કરવામાં આવી
 9. આરોગ્ય કેન્દ્ર નું ડિજિટાઇઝેશન તથા અપગ્રેડેશન માટે 150 લાખની જોગવાઇ કરવામાં આવી
 10. મૃત પશુઓ માટે ઇન્સીનરેટર સુવિધા પૂરી પાડવા 80 લાખની જોગવાઈ કરવામાં આવી

શહેરને 100 ઇલેક્ટ્રિક બસ મળશે
રાજકોટના નવા ભળેલા ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા ગામમાં ભૂગર્ભ ગટર માટે 915 લાખની જોગવાઇ કરવામાં આવી છે. મનપા દ્વારા 100 ઇલેક્ટ્રિક બસ મૂકવામાં આવશે. શહેરમાં વર્ટીકલ ગાર્ડન અને સર્કલ રિડેવલોપમેન્ટ કરવામાં આવશે. વૃક્ષોનું જિયોનું ટેગિંગ કરવામાં આવશે. આજી ડેમ પાસે 150 એમએલડીનો નવો સંપ બનાવવામાં આવશે. શહેરમાં 22 જગ્યા પર માય ઇ-બાઇક કેન્દ્ર ઉભા કરાશે. નાકરાવાડી ખાતે 4 વોલ્ટનો સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. નવા વિસ્તારમાં 2 નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. એક પીપીપી ધોરણે ફાયર સ્ટેશન બનશે.

3 વર્ષમાં બજેટનું કદ વધ્યું

 • વર્ષ 2018-19 નું બજેટ 1769.33 કરોડ
 • વર્ષ 2019-20 નું બજેટ 2126.10 કરોડ
 • વર્ષ 2020-21 નું બજેટ 2132.15 કરોડ

આ યોજનાને ખરા અર્થમાં મનપા સાકાર કરી શકી નથી
રાજકોટ મહાનગર પાલિકાના નાણાકીય વર્ષ 2020-21 નું 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે 2021-22 માં મનપાની ચુંટણીના પરિણામ ધ્યાને રાખી કરમુક્ત બજેટ રજુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે મહિલાઓ માટે બગીચા, પાર્ટી પ્લોટ, મહિલા હાર્ટ સુવિધા, ફન સ્ટ્રીટ સહિતની જોગવાઇ ગત વર્ષે બજેટમાં પણ મુકવામાં આવી હતી જો કે આ યોજનાને ખરા અર્થમાં મનપા સાકાર કરી શકી નથી. અને આ યોજનાઓ ચાલુ વર્ષે 100% પૂર્ણ થાય તે માટે કામ કરવાનો વાયદો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.