રાજકોટ મનપાની ઇસ્ટ ઝોન કચેરીમાં એસોસિયેટ એડિશનલ એન્જીનીયર પરેશ જોશીએ ન્યારી ડેમમાં ઝંપલાવી આપવાત કરવાના પ્રકરણમાં રાજકોટ તાલુકા પોલીસે બે કોન્ટ્રાકટરોની ધરપકડ કર્યા બાદ મનપાના કર્મચારીઓની પૂછપરછ બાદ બે એન્જીનીયરોને પૂછપરછ માટે તેડું મોકલતા ચકચાર મચી જવા પામ્યો છે.
મધુરમ કન્સ્ટ્રક્શનના બે ઈજનેરની ધરપકડ કરી
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સાધુ વાસવાણી રોડ ઉપર ગંગોત્રી પાર્કમાં પામ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને મહાનગરપાલિકાના ઈજનેર પરેશ ચંદ્રકાંતભાઈ જોશીએ ગત તારીખ 30 ડીસેમ્બરના રોજ બપોરે ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધાના બનાવમાં પોલીસે પરેશભાઈના પત્ની મીલીબેનની ફરિયાદ પરથી મારવા મજબુર કરવા સહિતનો ગુનો નોંધી મધુરમ કન્સ્ટ્રક્શનના બે ઈજનેર કર્મચારીઓ હાર્દિક કાંતિભાઈ ચંદારાણા અને મયુર જગદીશ ઘોડાસરાની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી હતી.
આ કામમાં તને ખબર ન પડે તારે અહીં આવવું નહિ
દરમ્યાન તાલુકા પોલીસ મથકના પીઆઈ જે. વી. ધોળા સહિતના સ્ટાફે તપાસ કરતા નવાગામમાં આરસીસી રોડની સાઈડ ઉપર વિઝીટ કરવા જતા ઈજનેર પરેશ જોષીને કન્સ્ટ્રકશન વાળા તને આ કામમાં ખબર ન પડે તારે અહીં આવવું નહિ તેમ કહી ધમકીઓ આપતા હતા તેમજ બંને આરએમસીની ઓક્સિમાં ઈજનેર સામે બેસી ત્રાસ આપતા હોય કન્સ્ટ્રક્શનવાળા અને આરએમસીના અધિકારીઓ વચ્ચે પીસાતો હોવાનું પત્ની મીલીબેનએ જણાવ્યું હતું.
જતીન પંડ્યાએ બીમારીનું બહાનું બતાવ્યું
જેથી અવારનવાર ટેન્શનમાં રહેતા પરેશભાઈ જોશીએ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હોય તેમજ પોલીસે અગાઉ કર્મચારીઓના નિવેદન લીધા બાદ મનપાના ડેપ્યુટી એન્જીનીયર જતીન પંડ્યા અને વાય કે ગોસ્વામીને પૂછપરછ માટે બોલાવતા જતીન પંડ્યાએ બીમારીનું બહાનું બતાવ્યું હોય તેમજ ગોસ્વામીએ પણ યેનકેન બહાના બતાવી પોલીસ મથકે આવવાનું ટાળતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરી અધિકારીઓની કોન્ટ્રાકટર સાથે મિલીભગત
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાવ બાદ પરિવારજનોએ મીડિયા સમક્ષ પતિના આપઘાત અંગે આરોપીઓને સજા થાય તે અંગે ન્યાય આપવા તંત્રને અપીલ કરી હતી. અને ઉપરી અધિકારીઓની કોન્ટ્રાકટર સાથે મિલીભગત હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.