બાઇક રેસ જિંદગીની અંતિમ રેસ બની:રાજકોટ-જામનગર હાઇવે પર એક્સેસ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું, બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત, એક ગંભીર

રાજકોટ6 મહિનો પહેલા
  • એક્સેસમાં 3 યુવક સવાર હતા, ટર્ન લેવા જતાં અકસ્માત થયો
  • ગત મોડી રાત્રિના ચાર-પાંચ બાઈકસવારોએ રેસ લગાવી હતી

રાજકોટમાં રાત્રે હાઈવે પર બાઈક રેસ લગાવવાનું પ્રમાણ યુવાનોમાં વધતું જાય છે. એમાં જોખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવે છે. ગઈકાલે મોડી રાત્રે રાજકોટ-જામનગર હાઈવે પર ચાર-પાંચ બાઈકસવારોએ રેસ લગાવી હતી. એમાં ટ્રિપલ સવારી એક્સેસ ટર્ન લેવા જતાં પડધરી સર્કલ પાસે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું, આથી એક્સેસ પર સવાર ત્રણેય યુવક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. એમાં બે યુવક ઘટનાસ્થળે જ દમ તોડી દેતાં તેમનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસે બે યુવાનના મૃતદેહને પીએમમાં ખસેડ્યા હતા
ગત મોડી રાત્રે રાજકોટ શહેરના જામનગર રોડ પર પડધરી નજીક મોવિયા સર્કલ ખાતે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં વિશાલ અને પરેશ ઉર્ફે પિન્ટુ નામના બે યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા, જ્યારે ભરત નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જોખમી રીતે કારને ઓવરટેક કરતો બાઈકસવાર.
જોખમી રીતે કારને ઓવરટેક કરતો બાઈકસવાર.

ગત રાત્રે 12 વાગ્યાની આસપાસનો બનાવ
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનો અને તેની સાથેના મિત્રોએ બાઈક પર સવાર થઇને બાઈક રેસ કરી હતી, જેમાં બાઈકસવારો જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. પોલીસની તપાસમાં બનાવ રાત્રિના 12 વાગ્યા આસપાસ બન્યો હતો.

પરેશના મોતથી પરિવારમાં માતમ છવાયો.
પરેશના મોતથી પરિવારમાં માતમ છવાયો.

લાડકવાયા પરેશનાં મોતથી કલ્પાંત પરિવારમાં કલ્પાંત
અકસ્માતમાં જીવ ગુમાવનારમાં રાજકોટના ચુનારાવાડ ચોકમાં શેરી નંબર 3માં રહેતા વિશાલ મનોજભાઈ જાદવ (ઉં.વ.25) અને 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ નજીક આરએમસી ક્વાટર્સમાં રહેતા પરેશ હકાભાઈ સાકરિયા (ઉં.વ.23) હોવાનું ખુલ્યું હતું. જ્યારે અકસ્માતમાં ગંભીર ઈજા થઈ છે તે 16 વર્ષનો કરણ ભરતભાઈ હોવાનું ખુલ્યું હતું. કરણ અને પરેશ બન્ને પિતરાઈ ભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક વિશાલ અને પરેશનાં પરિવારજનોને જાણ કરાતા તેઓ પડધરી દોડી આવ્યા હતા અને અકસ્માતમાં લાડકવાયાનાં મોતથી કલ્પાંત કરી મૂક્યો હતો.

એક યુવક ગંભીર બનતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ.
એક યુવક ગંભીર બનતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ.

પરેશના મોતથી દોઢ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
અકસ્માતમાં જીવ ગુમાવનાર રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ નજીક આરએમસી ક્વાટર્સમાં રહેતા પરેશ હકાભાઈ સાકરિયા (ઉં.વ.23) અને ઈજાગ્રસ્ત કરણ બન્ને પિતરાઈ ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પરેશ કારખાનામાં મજૂરી કામ કરતો હતો તે બે ભાઈમાં નાનો હતો. તેના મોતથી દોઢ વર્ષની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરેશના લગ્ન 3 વર્ષ પૂર્વે જ થયા હતા અને તેના પિતા ડ્રાઈવિંગ કરતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

બાઈકસવાર જોખમી સ્ટંટ કરતા વીડિયોમાં કેદ થયો.
બાઈકસવાર જોખમી સ્ટંટ કરતા વીડિયોમાં કેદ થયો.

બાઈક રેસથી અન્ય વાહનચાલકોને પરેશાની થઈ
આ યુવકોની બાઈક રેસથી હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. પૂરપાટ ઝડપે બાઈકસવારો કાર સહિત મોટાં વાહનોને ઓવર ટેક કરતાં નજરે પડ્યા હતા. આ રેસથી અન્ય બાઈકસવારોએ તો રીતસર સાઈડમાં પોતાની ગાડી ઊભી રાખી તેમને આગળ જવા દીધા હતા. હાઈવે પર પુલનું કામ ચાલુ હોવા છતાં ડાઇવર્ઝન કાઢેલા રોડ પર જોખમી રીતે ટર્ન મારી યુવાનો આગળ વધી રહ્યા હતા.

મૃતક પિન્ટુની ફાઈલ તસવીર.
મૃતક પિન્ટુની ફાઈલ તસવીર.

અગાઉ મોરબી હાઈવે પર બાઈક રેસના વીડિયો સામે આવ્યા હતા
ચાર મહિના પહેલાં રાજકોટ-મોરબી હાઇવે પર રાત્રિના 11થી 11.30 વાગ્યાની આસપાસ રોમિયો સ્ટંટ કરતાં કરતાં રેસ લગાવતા હોય એવા વીડિયો સામે આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો એક જાગ્રત નાગરિક દ્વારા મોબાઈલ કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો હતો. જોકે રાત્રિના સમયે હાઇવે પર આવા સ્ટંટ અને બાઈક રેસ કરતા રોમિયો સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ એ મોટો સવાલ છે, પરંતુ વીડિયો વાઇરલ થતાં લોકો આવા રોમિયો સામે કડકમાં કડક સજા કરવામાં આવે એવી માગ કરી હતી.

કારચાલકે બાઈક રેસ લગાવતા યુવાનોનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો.
કારચાલકે બાઈક રેસ લગાવતા યુવાનોનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો.
ડાઇવર્ઝન રોડ પર પણ જોખમી રીતે બાઈક ચલાવી.
ડાઇવર્ઝન રોડ પર પણ જોખમી રીતે બાઈક ચલાવી.