તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ 18 માર્ચે આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી 67 કેસ થઈ ચૂક્યા છે. આટલા દિવસો દરમિયાન ત્રણ લોકડાઉન જાહેર થયા છે. ત્યારથી અત્યાર સુધી શું થયું અને શું થઈ રહ્યું છે તે વિશેનું આખું વિશ્લેષણ કરવા અને હવે ભવિષ્યને ધ્યાને રાખીને શું કરવું જોઈએ તે માટે દિવ્ય ભાસ્કરે શહેરના અગ્રણી તબીબોનો વેબીનાર મારફત ટોક શોનું આયોજન કર્યુ હતું. જેના મોડેરેટર તરીકે આઈએમએ નેશનલ પ્રેસિડેન્ટ ડો.અતુલ પંડ્યા રહ્યા હતા. સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ ડો. હિરેન કોઠારી, રાજકોટ પ્રેસિડેન્ટ ડો.જય ધિરવાણી, ક્રિટિકલ કેસ સોસાયટી ઓફ રાજકોટના ડો.મયંક ઠક્કર અને ડો. જયેશ ડોબરિયા તેમજ સિવિલમાં ચાલતી કોવિડ-19 હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. મહેશ રાઠોડ જોડાયા હતા અને 1.25 કલાક ચર્ચા ચાલી હતી. આઈએમએના તમામ તબીબોએ સ્પષ્ટ મત આપ્યો છે કે, જંગલેશ્વર સિવાયનો રાજકોટનો વિસ્તાર કોરોનાથી મુક્ત છે પણ જે બહારથી લોકો આવી રહ્યા છે તેમની નિષ્કાળજીને કારણે ચેપ ફેલાઈ શકે છે અને સ્થિતિ બગડી શકે છે. લોકડાઉનના ત્રણેય ફેઝ તેમણે સમજાવ્યા હતા અને તબીબો અને રેસિડેન્ટ ડોક્ટરની સમસ્યા અને આગામી પોલિસી માટે ડો.અતુલ પંડ્યાએ ગંભીરતા જણાવી હતી જ્યારે ડો.મહેશ રાઠોડે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કેવી સારવાર અપાય છે તે વિશે જણાવ્યું હતું. તમામ તબીબોએ એકબીજાને પ્રશ્નો પણ કર્યા હતા.
IMAનો સ્પષ્ટ મત : લોકોને ક્વોરન્ટીન કરો, ટેસ્ટ વધારો
આઈએમએના તબીબોનો સ્પષ્ટ મત છે કે, 80 ટકાથી વધુ કેસ એસિમ્ટોમેટિક છે તે ગમે ત્યાં ચેપ ફેલાવી શકે. આવી સ્થિતિમાં મોટાપાયે અવર જવર શરૂ કરી છે. હવે દર્દીઓ રાજકોટમાં પોઝિટિવ આવે છે કે બહારથી ચેપ લાવે છે. આ લોકો નાના બોમ્બ જેવા છે તે આસપાસના લોકોમાં ચેપ આપી શકે છે. આમ કરીને તો જે વિસ્તારમાં ચેપ નથી ત્યાં પણ કેસ આવી જશે. આ માટે બહારથી આવતા લોકોને ફરજિયાત ક્વોરન્ટીન કરાય તેમજ ટેસ્ટ શક્ય તેટલા વધારીને એસિમ્ટોમેટિકને શોધીને તેમને અલગ રાખવા જોઈએ. માસ ટેસ્ટિંગ કરવું જરૂરી છે.
લોકડાઉનના ત્રણ ફેઝ વિશે ડો.જય ધિરવાણી, ડો. મયંક ઠક્કર અને ડો. જયેશ ડોબરિયાનું વિશ્લેષણ
લોકડાઉન 1.0 - અનિવાર્ય જ હતું, લોકોમાં જાગૃતિ જગાવી
લોકડાઉન હવે કેટલું ચાલશે તેના પર ઘણી ચર્ચા થઈ શકે છે પણ પહેલું લોકડાઉન જરૂરી જ હતું તેમા કોઇ બેમત નથી. કારણ કે, આપણે જાણીએ છીએ વાઇરસ નવો છે અને કોઇને પણ ચેપ લાગી શકે છે. આપણી વસતી 130 કરોડ છે જો તે ચેપ એકદમથી ફેલાઈ જાય તો આપણી પાસે એવા કોઇ રિસોર્સ કે વ્યવસ્થા જ પૂરતી ન હતી કે આપણે લડી શકીએ. આ કારણે લોકડાઉન જરૂરી જ હતું અને પછી તેના પરથી વધુ સમય માટે બીજુ લોકડાઉન પણ લાગુ કરાયું હતું. આ સમય દરમિયાન આઈએમએ તબીબો અને લોકો માટે સક્રિય રહ્યું હતું. માસ્ક, પીપીઈ કિટ અને વેન્ટિલેટર માટે મહેનત કરી અને પૂરતા મળે તે માટે વ્યવસ્થા કરી. જાહેર સ્થળોએ પણ વાઇરસનો ચેપ ન લાગે તે માટે ડિસઈન્ફેક્ટ કઈ રીતે કરવું તે માટે તંત્ર સાથે બેઠક કરી હતી.
લોકડાઉન 2.0 - સારવારને દિશા મળી, દર્દીની સંખ્યા વધી
લોકડાઉન 2.0 શરૂ થયું ત્યારે લોકોમાં ધીરજ ખૂટી હતી પણ હવે એ સમય હતો કે લોકલ ટ્રાન્સમિશન શરૂ થયું હતું. એસિમ્ટોમેટિક દર્દીઓ સામે આવી રહ્યા હતા અને પોઝિટિવ દર્દીના ક્લોઝ કોન્ટેક્ટ પોઝિટિવ આવી રહ્યા હતા. હવે ક્વોરન્ટાઈન કરેલા લોકોમાં પોઝિટિવ આવ્યા હતા. સારવારની દૃષ્ટિએ લોકડાઉન 2.0માં થોડી વધુ સ્પષ્ટતા થઈ હતી. વિદેશના તબીબો અને દેશના અન્ય રાજ્યો સાથે સતત ચર્ચા કરતા ખ્યાલ આવ્યો કે, આપણી પેથોલોજી અલગ છે. આપણે ટ્રીટમેન્ટ સારી રીતે સમજી શક્યા જેને કારણે આ સમયમાં દર્દીઓને સાજા થવાની સંખ્યા વધવા લાગી. અમદાવાદમાં આ દરમિયાન ધીરે ધીરે કોરોના માટેની હોસ્પિટલ વધવા લાગી. પણ ધીરજ ખૂટતા લોકો બહાર નીકળવા લાગ્યા અને તેને કારણે કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ વધી રહ્યું હતું.
લોકડાઉન 3.0 - હવે કોરોના પોઝિટિવને હોસ્પિટલની જરૂર નહીં
પહેલા ફેઝમાં ઉત્સાહ હતો અને ધીરજ હતી બીજા ફેઝમાં લોકોની ધીરજ ખૂટી પણ ત્રીજા ફેઝમાં એવું નથી લાગતું કે લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. હવે માનસિક સમસ્યા વધી રહી છે. સારવારમાં ઘણી ગાઈડલાઈન આવી છે. પહેલા પોઝિટિવ દર્દી બધાને એક જ સાથે દાખલ કરાતા હવે ત્રણ કેટેગરીમાં રખાય છે અને એસિમ્ટોમેટિકને હોસ્પિટલની જરૂર નથી. આપણી પ્રજા સમૂહમાં રહેવા લોકોની વચ્ચે રહેવા ટેવાયેલી છે તેને એકલા ગમતું નથી. એકથી બીજા જિલ્લાઓમાં જવાની ઉતાવળ છે તે આ લોકડાઉનની નિષ્ફળતા છે. જે લોકો સૌરાષ્ટ્રમાં આવ્યા છે તેના ચેકઅપ થતા હશે પણ પેરાસિટામોલ લઈને તાવ છુપાવે છે. સારામાં સારી વ્યવસ્થા છે આમ છતાં ક્વોરન્ટાઈન રહેવું નથી. જો આવું જ ચાલશે તો રાજકોટમાં પણ અમદાવાદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે.
ટ્રાયલ ડ્રગની 1 ટેબ્લેટ 1000 ડોલરની મળશે, કાળજી જ રાખવી
હવે દર્દીઓને ત્રણ કેટેગરીમાં વહેંચાયા છે. પહેલા એ ગ્રૂપ કે જે એસિમ્ટોમેટિક છે અને સ્વસ્થ છે. તેમને હવે હાઈડ્રોક્સિક્લોરોક્વીન કે એજિથ્રોમાઈસિન અપાતી નથી બલ્કે વિટામિન સી અપાઈ રહી છે. બીજા ગ્રૂપમાં ગળા અને નાકમાં ઈન્ફેક્શન હોય તેમને ચાર દિવસ હાઈડ્રોક્સિક્લોરોક્વીન અને એન્ટિબાયોટિક અપાય છે જે દરેક કેસ પર આધાર રાખે છે. ન્યુમોનિયા હોય તેવા ત્રીજા સ્ટેજના દર્દીઓને લક્ષણો આધારિતની સારવાર તેમજ વેન્ટિલેટર અને ઓક્સિજન પર રખાય છે. આ કારણે દરેક દર્દીને યોગ્ય સંભાળ મળી રહે છે અને આપણે ત્યાં મોર્ટાલિટી રેટ ઘણો જ ઓછો છે.એક જ મોત થયું છે. તેને બચાવવા માટે પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું. - ડો. મહેશ રાઠોડ
લોકડાઉન કેટલું ચાલશે તે તો સરકાર નક્કી કરશે. તેના માટે કામગીરી તંત્રને થશે પણ લોકોએ પોતાની જાતને મદદ કરવાનું નક્કી કરવું જોઈએ. લોકડાઉન લંબાય કે ન લંબાય પણ લોકોએ ત્રણ મહિના સુધી સ્વયંભૂ લોકડાઉન રાખવું. અંતર રાખવું અને જો કોઇ વાત કરવા આવે અને માસ્ક ન હોય તો સ્પષ્ટ જણાવી દેવું કે માસ્ક હોય તો જ વાત કરવી. બીજી તરફ કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધી ઘણી ગાઈડલાઈન આવી અને તેમાં પણ સરકારી તંત્ર વચ્ચે સંકલન ન હોવાથી બધાએ પોતાની રીતે અર્થઘટન કરતા કન્ફ્યુઝન વધ્યું છે. તબીબોને જો આ રીતે બાંધીને કામ કરાવાશે તો તે યોગ્ય નથી તબીબને મુક્ત રીતે જ સારવાર કરવા પ્રેરવા જોઈએ. - ડો. હિરેન કોઠારી
રાજ્યની મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સને 15-15ની બેચ બનાવીને અમદાવાદમાં ફરજ પર મૂક્યા છે. અમદાવાદ 2000 રેસિડેન્ટ છે. ત્યાં એસિમ્ટોમેટિક માટે ડોક્ટરોની લાઇન કરવી જરૂરી નથી રેસિડેન્ટ હજુ અભ્યાસ કરી રહ્યા છે જીવનનો કિંમતી સમય આપી રહ્યા છે. હવે ત્યાંથી ડોક્ટર પરત આવે અને તેને ચેપ હોય તો તે બીજાને પણ લાગી શકે છે. તેથી બધાનો એ મત છે કે જે રીતે રેસિડેન્ટ ડોક્ટરની ટ્રાન્સફર અટકાવવી જોઈએ. દેશમાં એક જ પોલિસી હોવી જોઈએ તેમજ જે રીતે લોકોની અવરજવર થઈ રહી છે તે અટકાવવી જોઈએ. ઓપરેશન તેમજ બીજી પ્રક્રિયા માટે ગાઈડલાઈન ન આવતા તબીબો ઉપર કાયદાની લટકતી તલવાર છે. - ડો. અતુલ પંડ્યા
હાલમાં બધી જગ્યાએ કોરોનાની દવાની શોધની વાત ચાલે પણ અત્યારે કોઇ દવા નથી. જે મળશે તેના ભાવ શું હશે તે દરેક દેશ પર આધાર રહે છે. જેમ કે ભારતમાં આલ્બેનડાઈઝોન 7 રૂપિયાની એક ગોળી મળે છે. આ જ ગોળી અમેરિકામાં 28000ની મળે છે. જે રેમડેસિવીર કે જે કોરોના માટે પેટન્ટ થઈ રહી છે તેની એક ટેબ્લેટની કિંમત 1000 ડોલરથી મળશે અને તે પણ ટ્રાયલ ચાલી રહ્યું છે 100 ટકા સફળ જશે તે કોઇ કહી શકતું નથી. સ્પષ્ટ વાત છે કે દવા આવશે તો પણ આપણને પોસાય શકે તેમ નથી. તેથી પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર તે જ કહેવત પર બધા લોકોએ ચાલવાનું છે અને તેમાં પણ બહારથી રાજકોટ આવતા લોકોએ ધ્યાન રાખવું ફરજિયાત છે. - ડો.જયેશ ડોબરિયા
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.