રાજકોટની યુવતીનો સેવાયજ્ઞ:કોરોનાકાળમાં રાજકોટની હાઉસવાઇફે એકલે હાથે બે હજારથી વધુને ભોજન પહોંચાડ્યું, સેવાયજ્ઞ હજુ ચાલુ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાં મનિષાબેનની તસવીર - Divya Bhaskar
રાજકોટનાં મનિષાબેનની તસવીર
  • ગત વર્ષે 5 લોકોને સહાયથી શરૂઆત કરી, અત્યાર સુધી અનાજથી લઈને ઓક્સિજન સુધી મદદ પહોંચાડી

કોરોનાકાળ પહેલા રાજકોટનાં મનિષાબેનની ઓળખ માત્ર એક હાઉસવાઇફની હતી પણ આજે તેમની ઓળખ માત્ર હાઉસવાઇફની નથી પણ મહામારીનો ભોગ બનેલા અનેક ગરીબ, વંચિત, જરૂરિયાતમંદ લોકોની મદદ કરનાર ‘બહેન’ તરીકેની છે. કોરોનાની પહેલી લહેર વખતે મનિષા પારેખે ખાવાપીવાની ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહેલા ગરીબ પરિવારો, શ્રમિકોને ભોજન સામગ્રી પહોંચાડવાનું શરૂ કર્યું હતું. એ પછી તેમણે તૈયાર ભોજન પણ પહોંચાડવાનું કામ કર્યું. તેમનો આ સેવાયજ્ઞ કોરોનાની બીજી લહેર વખતે પણ જારી રહ્યો હતો. બીજી લહેરમાં તેમણે જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકલ સહાય કરવા માટે મદદરૂપ બન્યા છે. તેમજ નિરાધાર અને એકલા રહેતા વડીલોની દીકરી બનીને સેવા કરે છે.

કોરોનાના પ્રથમ તબકકામાં તેમણે પોતાના ઘરેથી 5 લોકોનું જમવાનું બનાવવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે સંખ્યા વધતા તેમણે એક મોટું રસોડું તૈયાર કર્યું જ્યાં મોટી સંખ્યામાં લોકોને ભોજન, જરૂરી ચીજવસ્તુઓ મળે એ માટે વ્યવસ્થા શરૂ કરી હતી. તેમણે 2000 કરતા વધારે લોકોને ભોજન પહોંચાડ્યું હતું. ભોજનમાં ખીચડી, શાક, રોટલી, દાળભાત, પંજાબી શાક, પરોઠા જેવી અલગ અલગ વાનગીનો સમાવેશ થતો હતો.

જ્યારે બીજી લહેરમાં તેમણે જોયુ કે દર્દીઓ અને તેના સ્વજનો ઓક્સિજન સિલિન્ડર, માસ્ક અને ફલોમીટર માટે હેરાન થાય છે તો તેમણે દિલ્હીથી સ્વખર્ચે માસ્ક અને ફલોમીટર મંગાવ્યા અને લોકોને પૂરા પાડ્યા. આ સિવાય બહારગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના દર્દીને કોઇ દવાની જરૂરિયાત ઊભી થાય તો તે ખુદ મેડિકલમાં જઈને ખરીદી કરીને તેના સ્વજન સુધી પહોંચાડતા હતાં. જો કોઇ આર્થિક રીતે અસક્ષમ વ્યકિત તેના સુધી આવે તો તેના દવા અને મેડિકલ ખર્ચની તમામ જવાબદારી તેઓ ઉઠાવી ચૂક્યા છે. અત્યારે તેઓ ગરીબ પરિવારોને રાશનકીટ પૂરી પાડે છે. સેવામાંથી મળતા સંતોષને તેઓ પોતાનું વળતર માને છે. તેમનું કહેવું છે કે આ કાર્ય એટલે કરી શક્યા કારણ કે પરિવારનો પૂરેપૂરો સપોર્ટ મળતો હતો.

મદદ માટે લોકો મધરાતે પણ ઘર શોધતા શોધતા આવે છે...
કોરોનામાં પિતા ગુમાવી ચૂકેલા એક યુવકની માતા પણ હોસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહી હતી. મેડિકલ સહાય માટે યુવક મધરાતે ઘર શોધતો શોધતો મનિષાબેનને ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે વિનવણી કરતા કહ્યું હતું કે જો ઝડપથી સહાય નહીં મળે તો તે પિતાની જેમ હવે માતાને પણ ગુમાવશે. સ્થિતિની ગંભીરતા પારખીને મનિષાબેન અને તેમના પતિ હિતેને તત્કાળ યુવકને મદદ કરી હતી. મનિષાબેને જણાવ્યું હતું કે આ રીતે ઘણીવાર લોકો અડધી રાત્રે મદદ માગતા હતા. પણ અમે મદદ માટે બનતો પ્રયત્ન કરતા. તેમને આ સેવાયજ્ઞ સતત ચાલુ જ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...