તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ:હેલ્થ વર્કરે કહ્યું ફરજ બજાવી ઘરે જાવ ત્યારે મારી દોઢ વર્ષની પુત્રી કહે ‘પપ્પા નાઇ નાઇ કલી આવો’, આ શબ્દો હિંમતના ટોનિક સમાન

રાજકોટએક વર્ષ પહેલા
હેલ્થ વર્કર ધર્મેશભાઇ હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારમાં ફરજ બજાવે છે
  • હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારમાં ફરજ બજાવતા હેલ્થ વર્કરની વાત

કોવીડ -19ના કારણે થયેલા પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વ વ્યથિત છે. તેમ છતાં હિંમત હાર્યા વગર, દેશસેવાની ફરજ ચૂક્યા વગર કોરોનાના સંક્રમણને ખાળવા છેલ્લા બે મહિનાથી દિવસ-રાત એક કરીને આરોગ્યકર્મીઓ પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો પગપેસારો થયો નહોતો ત્યારે કોઈને અંદાજ નહોતો કે કોરોનાનો પહેલો કેસ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી આવશે. ત્યારથી લઈને આજદિન સુધી જંગલેશ્વરમાં કોરોનાને નાથવા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની તન-મન-ધનથી મલ્ટી પર્પઝ કામગીરી કરી છે. જંગલેશ્વરમાંથી કોરોના અન્ય વિસ્તારમાં ન ફેલાય તે માટે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સોએ પોતાના મૂળ કાર્યક્ષેત્રને બદલે જંગલેશ્વરમાં પોતાની ફરજ બજાવી છે. અને હાલ બજાવી પણ રહ્યા છે.  આવા જ એક આરોગ્ય કર્મી છે જસદણ તાલુકાના કાનપર પી.એચ.સી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ઘર્મેશભાઈ બાવળીયા. જેમણે જંગલેશ્વરમાં લોકજાગૃતિની મલ્ટી પર્પઝ કામગીરી કરી છે. તેઓ કહે છે કે મારી દોઢ વર્ષની દીકરી મને કહેતી કે પપ્પા નાઇ નાઇ કલીને આવો અને આ શબ્દો મારા મારા માટે હિમતના ટોનિક સમાન બની જાય છે.

જંગલેશ્વર એ અમારો બીજો પરિવાર છે: ધર્મેશભાઇ

દોઢ વર્ષની દીકરીની કાલીઘેલી વાતોને ફરજ દરમિયાન યાદ કરતાં સંસ્મરણોને તાજા કરતાં ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે ફરજ નીભાવીને ઘરે પરત ફરતો ત્યારે મને જોઈને દીકરી કહેતી કે પપ્પા નાઈ નાઈ કલીને આવો.  સાવચેતીના ભાવ સાથે કહેલી દીકરીની આ નિખાલસ વાત એ મારા માટે હિંમતના ટોનિક સમાન છે. દરેક આરોગ્ય કર્મી પોતાના પરિવારથી દૂર રહીને સમાજના અનેક પરિવારોના જીવનું રક્ષણ કરે છે. આજે જંગલેશ્વર એ અમારો બીજો પરિવાર છે. હોટસ્પોટ એરિયા જંગલેશ્વરમાં પોતાની કામગીરીના અનુભવો વિશે કહ્યું હતું કે, કોરોનાની કામગીરીના શરૂઆતના દિવસોમાં તો N-95 માસ્કની સુવિધા પણ ઉપલબ્ધ નહોતી. તેમ છતાં ફરજને પ્રાધાન્ય આપવું અમારું પહેલું કર્તવ્ય છે. કોરોનાને મ્હાત આપવા અમે લોકોને રોગપ્રતિકાર શક્તિ વધારવાની માહિતી આપતા. લીંબુ સરબત, ગરમ પાણીનું સેવન કરવાની સલાહ આપતા. કોરોનાના સંક્રમણથી કેમ બચી શકાય તેની જાગૃતિ આપતા. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ ભાઈઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું, માસ્ક પહેરવું, સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવો જેવી બાબતોથી લોકોને અવગત કરવાની કામગીરી નિભાવી છે.

સર્વે આરોગ્ય કર્મીઓની દેશસેવા અને જનસેવાને ભારતના દરેક નાગરિક આજીવન યાદ રાખશે 

પોતાના મૂળ કાર્યક્ષેત્ર કાનપર ગામના પી.એચ.સી કેન્દ્રમાં સુચનો અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવતું હતું. કાનપર ગામના સરપંચ દ્વારા પણ કોરોના વાઇરસને કારણે કામકાજ વગર ઘરની બહાર ન નીકળવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જેવી માહિતી ગ્રામજનોને આપવામાં આવે છે. એ જ કારણ છે કે ગામના વડીલજનોની વાતને સમજીને ઘણાં ગામોમાં કોરોનાના કેસ આવ્યા નથી. તેમ ધર્મેશભાઈએ જણાવ્યું હતું. આજે કોરોનાના સંક્રમણને નાથવા ધર્મેશભાઈની જેમ અનેક આરોગ્ય કર્મીઓ પોતાના પરિવારજનોથી અલીપ્ત રહીને પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. જેથી કોરોનાથી સૌને સુરક્ષિત રાખી શકાય છે. આ સર્વે આરોગ્ય કર્મીઓની દેશસેવા અને જનસેવાને ભારતનો દરેક નાગરિક આજીવન યાદ રાખશે તેમાં કોઈ બેમત નથી.

અન્ય સમાચારો પણ છે...