રાજ્યની એકમાત્ર ટોયઝ લાઈબ્રેરી:એક માત્ર આ શહેરમાં ગરીબ-ધનવાનના ભેદ વિના સસ્તા ભાડે મ્યુનિ. આપે છે મોંઘા રમકડાં, મહિને માત્ર રુ. 20નું ભાડું!

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • વેકેશન માટે રાજકોટ મામાના ઘરે આવો તો ભૂલકાંનાં રમકડાં સાથે લાવવાની જરૂર નથી
  • મ્યુનિ. સંચાલિત 3 ટોયઝ લાયબ્રેરીમાં LKGથી 14 વર્ષ સુધીનાં બાળકો માટે મળે છે રમકડાં
  • નાના છોકરાઓ આખો દિવસ મોબાઈલ ટીચવાથી દૂર રહે, મોંઘા રમકડાં પણ પ્રેમથી રમી શકે

તમે પુસ્તકોની લાઈબ્રેરી તો ઘણી જોઈ હશે પણ કદી રમકડાંની એટલે કે, ટોયઝ લાઈબ્રેરી વિશે સાંભળ્યું છે ખરું. નહીં જ સાંભળ્યું હોય, પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં મ્યુનિ. સંચાલિત ટોયઝની ત્રણ લાઈબ્રેરી કાર્યરત છે. એક તો મોંઘાં રમકડાં લાવવાં અને પછી બાળકોની રુચિ પૂરી થઈ જાય તો તેને કબાટમાં મૂકી દેવા ખૂબ કંટાળાજનક છે. આવામાં તમારા માટે ટોયઝ લાઇબ્રેરી એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. આજે રાજકોટ મનપા સંચાલિત કુલ 3 ટોયઝ લાઈબ્રેરીમાં 6000થી વધુ મેમ્બર છે અને 8000 જેટલા રમકડાંનો ત્યાંથી ભાડે અપાય છે.

બાળકો-રમકડાં વચ્ચેનો નાતો અતૂટ રહે
વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં દિવસેને દિવસે કઈક નવું જોવા મળતું હોય છે. તેમાં પણ કોરોનાકાળમાં બાળકોએ ઓનલાઇન એજ્યુકેશન મેળવ્યું છે. હવે વેકેશનનો સમય આવ્યો છે ત્યારે આદિકાળ વખતનો બાળકો અને રમકડાં વચ્ચેનો સબંધ આજે પણ જીવંત રાખવા પ્રયત્ન થઈ રહ્યો છે. રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ, કેનાલ રોડ અને શ્રોફ રોડ ખાતે મનપા સંચાલિત ટોયઝ લાઈબ્રેરી ચાલી રહી છે. જેમાં રમકડાં બાળકોને ઘરે લઇ જવા માટે આપવામાં આવી રહ્યા છે.

ટોયઝ સાથે પુસ્તકોની પણ સુવિધા
રાજકોટની ત્રણ ટોયઝ લાઈબ્રેરીમાં લાકડાના રમકડાં, અલગ અલગ ગેઇમ્સ, ઇલેક્ટ્રોનિક્સ રમકડાં, પ્લાસ્ટિકના રમકડાં, પઝલ્સ જેવા વિવિધ અદ્યતન રમકડાં ઉપલબ્ધ હોવાથી બાળકોને બહોળો પસંદગીનો અવકાશ મળે છે. આ સિવાય બાળકો માટેના વિવિધ પુસ્તકો અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.

દરેક ગરીબ-મધ્યમ વર્ગના લોકો લાભ લઇ શકે
વડોદરાથી રાજકોટ પોતાના બાળકોને લઇ વેકેશન કરવા આવેલા નૂપુર ઠક્કરે જણાવ્યું હતું કે મારે બે બાળકો છે એક ત્રણ વર્ષનું અને એક છ વર્ષનું છે. આજે હું મારા બાળકોને લઇ મારા ભાઇના ઘરે વેકેશન કરવા આવી છું. બાળકો માટે કપડાં લઇને આવી છીએ પણ રમકડાં લઈને આવવાની જરૂર નથી પડતી અને અહીંયા આવ્યા બાદ બાળકો માટે લાઈબ્રેરીમાંથી રમકડાં લઇ જાય છીએ. મારા માટે આ સુવિધા ખુબ લાભદાયી છે. મારી તો એવી ઈચ્છા છે કે દરેક જિલ્લામાં આવી સુવિધા કરવી જોઈએ. જેથી દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ સુવિધાનો લાભ લઇ શકે.

રમકડાં લઇ જાય તો સારો ઉપયોગ કરી શકાય
રચના વાગડીયા(વાલી)એ જણાવ્યું હતું કે, આજના મોબાઇલના યુગમાં બાળકો મોબાઇલ અને ટેલિવિઝનથી દૂર રહે તો આંખોને નુકશાન ન થાય અને સારી રીતે અલગ અલગ રમકડાંથી રમી શકે તે માટે આ ખુબ સારી સુવિધા છે. તડકા પણ ખુબ વધુ પડી રહ્યા છે બાળકોને ઘરમાં રમવા માટે બહારથી રમકડાં ખરીદ કરવા મોંઘા પડે છે. ત્યારે અહીંથી રમકડાં લઇ જાય તો સારો ઉપયોગ કરી સુવિધા મેળવી શકાય છે. મારા સબંધી અહિયાંથી આ સુવિધાનો લાભ લેતા હતા. આજે હું પણ આવી છું અને પ્રથમ વખત આ લાઈબ્રેરી ખાતે મારા 11 વર્ષના બાળક માટે રમકડાં લેવા માટે આવી છું.

વેકેશન જ નહીં સતત મેમ્બરોનો ધસારો રહે છે
સુનિલ દેત્રોજા (લાઈબ્રેરી સંચાલક)એ જણાવ્યું હતું કે, મનપાએ નારણ પુસ્તકાલયમાં ટોયઝ લાઈબ્રેરી 1989થી શરૂ કરી હતી. રમકડાં જે રીતે લાઈબ્રેરીમાં આપવામાં આવે છે તે રીતે જ આપવામાં આવે છે. જે ગમતા રમકડા હોય તે બાળકો વાલીઓ સાથે આવી લઈ જાય છે. રમકડાં ડેમેજ થાય તો રમકડાની પ્રાઈઝ પ્રમાણે મેમ્બર પાસેથી રૂપિયા લેવામાં આવે છે. ટોયઝ લાઈબ્રેરીને ખૂબ જ રિસ્પોન્સ મળી રહ્યો છે. વેકેશન જ નહીં પણ સતત મેમ્બરો રમકડાં લેવા આવી રહ્યા છે. દરેક શબ્જેક્ટમાં રસ પડે તેલા રમકડાં અને પઝલ્સ છે.