તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અને ભાવવધારાની અસર:રાજકોટમાં છેલ્લા ત્રણ માસથી દર મહિને પેટ્રોલમાં 24 અને ડીઝલના વેચાણમાં 6 લાખ લિટરનો ધરખમ ઘટાડો

રાજકોટ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ક્રૂડ ઓઈલના ભાવ વધતા પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો આવી રહ્યો છે.   - Divya Bhaskar
ક્રૂડ ઓઈલના ભાવ વધતા પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો આવી રહ્યો છે.  
 • પહેલા દર મહિને પેટ્રોલ 60 લાખ લિટર અને અત્યારે 36 લાખ લિટર વેચાય છે, ડીઝલ પહેલા દર મહિને 30 લાખ લિટર વેચાતું હતું અને હવે 24 લાખ લિટરનું વેંચાણ
 • માર્ચ માસના અંતે પેટ્રોલનો ભાવ 87.49 રૂ. અને ડીઝલનો ભાવ 86.90 હતો, જૂન મહિનામાં પેટ્રોલનો ભાવ 94.48 અને ડીઝલનો ભાવ રૂ. 94.94 થયો

કોરોનામાં આવી પડેલો વધારાનો મેડિકલ ખર્ચ અને આર્થિક ખેંચની અસરથી લોકો હજુ પ્રભાવિત જોવા મળી રહ્યા છે. લોકોએ શાકભાજીથી લઇને સોના સુધીની ચીજવસ્તુની ખરીદી માટેના બજેટમાં કાપ મૂકી દીધો છે તેની સાથે- સાથે પેટ્રોલ- ડીઝલના વપરાશમાં પણ ઘટાડો નોંધાયો છે. કોરોના અને ભાવવધારાને કારણે રાજકોટમાં છેલ્લા ત્રણ માસથી પેટ્રોલના વેચાણમાં દર મહિને 24 લાખ લિટર અને ડીઝલમાં દર મહિને 6 લાખ લિટરનો ઘટાડો નોંધાયો છે.

કોરોના પહેલા રાજકોટમાં દર મહિને 60 લાખ લિટર પેટ્રોલ વેચાતું હતું અને અત્યારે આ વેચાણ 36 લાખ લિટર થઇ રહ્યું છે. જ્યારે ડીઝલ દર મહિને 6 લાખ લિટર વેચાતું હતું અને અત્યારે 24 લાખ લિટર વેચાઈ રહ્યું છે. આમ, ભાવ વધારો અને કોરોના પહેલા મોજશોખ માટે પણ ખાસ બજેટ ફાળવતા લોકો હવે દરેક બાબતમાં કરકસર કરતા જોવા મળી રહ્યા છે. માર્ચ મહિનામાં પેટ્રોલનો ભાવ 87.49 રૂ. અને ડીઝલનો ભાવ 86.90 હતો, જૂન મહિનામાં પેટ્રોલનો ભાવ 94.48 અને ડીઝલનો ભાવ રૂ. 94.94 થયો છે. આમ પેટ્રોલમાં લિટરદીઠ 6.99 રૂ. અને ડીઝલમાં 7.45 રૂ.નો ભાવવધારો થયો છે.

ભાવવધારાને કારણે આ પરિવર્તન આવ્યાં

 • વ્યકિતદીઠ વાહનનો વપરાશ પહેલા કરતા ઘટયો છે
 • લોકો બિનજરૂરી વાહનનો વપરાશ ટાળી રહ્યા છે
 • ફોર વ્હીલરમાં સીએનજી કીટ ફિટ કરવાનો રેશિયો વધ્યો છે
 • લોકો જરૂર પૂરતું જ વાહનમાં ઈંધણ પુરાવે છે
 • નજીકમાં જવું હોય તો લોકો ચાલીને અથવા તો એક વાહનમાં ઘરના બે લોકો સાથે જાય છે
 • ભાવવધારાને કારણે લોકો ઈંધણ પુરાવવામાં પોતાનું બજેટ ઘટાડી રહ્યા છે
 • રાત્રિ કફર્યુને કારણે પેટ્રોલ પંપ બંધ થવાથી લોકો દિવસે જ ઈંધણ પુરાવી લે છે
 • અપડાઉન કરતા લોકો પોતાના ફોર વ્હીલમાં સીએનજી કીટ ફિટ કરે છે
 • સીએનજી કીટની ડિમાન્ડ વધતા તેના ભાવમાં પણ વધારો આવ્યો છે

સૌરાષ્ટ્ર-કચ્છની બે માસમાં પેટ્રોલ-ડીઝલના વેટની આવક

શહેરનું નામએપ્રિલ માસની આવકમે માસની આવક
રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર3.84 કરોડ4.20 કરોડ
જૂનાગઢ, જામનગર અને ગાંધીધામ11.00 કરોડ12.00 કરોડ

કોરોનાને કારણે કર્મચારીઓ પણ અસરગ્રસ્ત થયા છે
રાજકોટ ડિલર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમાએ કહ્યું- કોરોનાને કારણે પેટ્રોલપંપના કર્મચારીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. ભાવવધારા બાદ કોઈ પેટ્રોલ પુરાવવા માટે આવે તે પહેલા ભાવ પૂછે અને પછી પુરાવે છે. અન્યથા આવુ નહોતું થતું. પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાને કારણે લોકો હવે સીએનજી તરફ વળ્યા છે. જેને કારણે હવે તેનો વપરાશ પણ વધી રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ વધતા પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...