આચારસંહિતા ભંગ:રાજકોટમાં અત્યારસુધીમાં 38 ફરિયાદ નોંધાઈ, મોટાભાગની રાજકીય પોસ્ટર અને બેનર્સ ઉતારવાની ફરિયાદો

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે કાર્યરત થયેલ આદર્શ આચાર સંહિતાના ભંગલક્ષી ફરિયાદના નિવારણ સેલમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ત્યારથી આજ દિન સુધી 38 ફરિયાદો નોંધાઇ હતી. આદર્શ આચાર સંહિતા ભંગની આ ફરિયાદો ઓનલાઈન અને ટેલિફોનિક બંને રીતે કરી શકાય છે. આ કામગીરી માટે 24*7કલાક આ સેલ કાર્યરત છે. ત્રણ શિફ્ટમાં 24થી પણ વધુ સ્ટાફ દિવસ રાત ફરજ બજાવે છે.

કામગીરી પૂરજોશમાં શરૂ થઈ
મોટાભાગની રાજકીય પોસ્ટર અને બેનર્સ ઉતારવાની ફરિયાદો હતી. જેમાં સૌથી વધુ ગોંડલની 10 અને રાજકોટ દક્ષિણની 8 ફરિયાદો નોંધાઇ હતી.જે તમામનું નિરાકરણ ચૂંટણી તંત્ર દ્વારા કરાયું હતું.જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુની સૂચના તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચરના માર્ગદર્શન મુજબ નોડલ અધિકારી પરમારના નિરીક્ષણ હેઠળ, શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળોએ, સરકારી ઈમારતો પર, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતોવાળા પોસ્ટર, બેનર ઉતારવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ છે.

કેવી રીતે ઉકેલાય છે ફરિયાદ?
આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગની ફરિયાદોના નિવારણ માટે ચૂંટણીપંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી છે. જે મુજબ સી-વિજીલ એપ પર કોઈ નાગરિક ફરિયાદ અપલોડ કરે ત્યારે કન્ટ્રોલ રૂમમાંથી આ ફરિયાદ પાંચ જ મિનિટમાં જે તે વિધાનસભા મત વિસ્તારની હોય, એ વિસ્તારમાં કાર્યરત ફ્લાઈંગ સ્કવોડને મોકલવામાં આવે છે. ફ્લાઈંગ સ્ક્વોડ આ ફરિયાદ પર તુરંત પગલાં લે છે અને વધુમાં વધુ 100 મિનિટની અંદર આ ફરિયાદ ઉકેલી નાખે છે. આ ફરિયાદ ઉકેલાઈ ગયાની ખાતરી જે તે મતક્ષેત્રના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં અત્યારસુધીમાં આવેલી ફરિયાદો સરેરાશ સાત મિનિટ જેટલા ટૂંકા ગાળામાં ઉકેલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...