દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટની ફટાકડાં બજારમાં 30 ટકા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીને કારણે ખરીદીમાં ઘટાડો થાય તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. શહેરની સદર બજારમાં અવનવી વેરાયટીના ફટાકડાં આવી ગયા છે. જેમાં રાફેલ ફટાકડાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રાફેલની જેમ ઉંચા આકાશમાં જઈને ધડાકા કરશે. આ ઉપરાંત પબજી ફટાકડાં પણ ધૂમ મચાવી રહ્યાં છે. કોરોનાને કારણે સરકારે ઘરે જ રહીને તહેવાર ઉજવીએ તેવી અપીલ કરી છે. ત્યારે રંગીલા રાજકોટમાં દિવાળીએ આતશબાજી કરવા માટે અવનવી વેરાયટીના ફટાકડાંથી બજારો ઉભરાઈ છે.
કાશીની ફેક્ટરીમાં રાફેલ ફટાકડાં બનાવવામાં આવ્યા
શહેરની સદર બજારમાં આવેલા શિવ ફટાકડાંના માલિક સનમુખભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે લોકો તહેવારોની ઉજવણી કરી શક્યા નથી. ત્યારે આ વર્ષનો સૌથી મોટો તહેવાર દિવાળીને આડે હવે ગણતરીની દિવસો જ બાકી છે. રાજકોટ સદર બજારમાં ફટાકડાંની અવનવી વેરાયટીઓ માર્કેટમાં આવી છે. જેમાં રાફેલ અને પબજી ફટાકડાંની લોકો માંગ કરી રહ્યા છે. જો કે કોરોનાને કારણે ફટાકડાં બજારમાં 30 ટકા મંદી જેવો માહોલ હોવાની તેમજ બજારમાં ઘરાકી ચૂસ્ત છે. રાફેલ અને પબજી સહિતની વેરાયટીના ફટાકડાં બનાવવા માટે મેં ખાસ કાશીની ફેક્ટરીમાં ઓર્ડર આપ્યો હતો. આ ફટાકડાં સંપૂર્ણ ભારતીય બનાવટના છે. આ ફટાકડાં ચાઈનીઝ ફટાકડાંને પણ ટક્કર આપશે.
લોકો કોરોનાને કારણે બજારમાં નીકળવાનું ટાળી રહ્યા છે
સનમુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ચાઈનાથી આ વર્ષે એક પણ વેરાયટીના ફટાકડાં આવ્યા નથી. ચાઈનીઝ ફટાકડાંને પણ ટક્કર માકે તેવા ફટાકડાં આપણા દેશમાં બની રહ્યા છે. હાલ તો આ ફટાકડાંની ખૂબ જ માંગ છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કેસ દિવાળી પછી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે. તેવા સમયે આ દિવાળી સાવચેતી સાથે ઉજવવા તંત્ર અને સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. તો લોકો પણ કોરોનાને કારણે બજારમાં નીકળવાનું ટાળી રહ્યા હોય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.