ચેકિંગ:રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ જાગ્યું, કોવિડ અને નોન કોવિડ હોસ્પિટલોમાં ચેકિંગ શરૂ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICU વોર્ડમાં આગ લાગતા કોરોનાના 5 દર્દી ભડથું થઈ ગયા હતા

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ રાજકોટનું ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટમાં આજે ફાયર વિભાગ કોવિડ અને નોન કોવિડ હોસ્પિટલમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગુરૂવારની રાત્રે ICU વોર્ડમાં આગ લાગતા કોરોનાના પાંચ દર્દી ભડથું થઈ ગયા હતા. આ ઘટના બાદ રાજકોટ ફાયર વિભાગ જાગ્યું છે અને કોવિડ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધર્યુ છે.

રાજકોટની 191 હોસ્પિટલમાંથી 147 પાસે ફાયર સેફ્ટીનાં પૂરતાં સાધનો પણ નથી
કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે રાજકોટની તમામ બેડવાળી હોસ્પિટલમાં ચેકિંગ શરૂ કર્યું છે. શહેરની 191 હોસ્પિટલમાંથી 147 પાસે ફાયર સેફ્ટીનાં પૂરતા સાધનો ન હોવા છતાં બેખૌફ ચાલી રહી છે. છેલ્લા બે માસમાં ફાયરવિભાગે આ 147 હોસ્પિટલોને પૂરતા સાધનો ન હોવાથી તે ખરીદી કરવા સૂચના આપી હતી. પરંતુ દર્દીઓ પાસેથી તગડી રકમ વસૂલ કરનાર મોટાભાગની હોસ્પિટલોએ ફાયરના સાધનો ખરીદી કરવાની તસ્દી પણ લીધી નથી. ફાયર વિભાગે તાજેતરમાં ફરી એક વખત ચેકિંગ કરી 58 હોસ્પિટલને નોટિસ આપી છે.

આ પણ વાંચો- રાજકોટમાં અગ્નિકાંડ બાદ ભાવનગર ફાયર વિભાગ હરકતમાં આવ્યું, 6 હોસ્પિટલ આંશિક રીતે સીલ, સર.ટી હોસ્પિટલમાં મોકડ્રીલ સમયે સ્મોક ડિટેક્ટર જ બંધ નીકળ્યું

ફાયરવિભાગે ચેકિંગ કરી 58 હોસ્પિટલને ઘટતાં સાધનો ખરીદી કરવા નોટિસ આપી છે
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે છેલ્લા બે માસ દરમિયાન 191 હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન 44 હોસ્પિટલમાં ફાયરના પૂરતા સાધનો જોવા મળ્યા હતા. તેમજ 147 હોસ્પિટલમાં પૂરતા ફાયરના સાધનો ન હોવાથી તેમને ફાયરના સાધનો ખરીદી કરવા તાકીદ હતી. આ નોટિસ આપ્યા બાદ ફરી એક વખત મનપાએ હોસ્પિટલમાં ચેકિંગ શરૂ કર્યું જેમાં 58 હોસ્પિટલને ફાયરના સાધનો મુકવા અંગે નોટિસ આપવામાં આવી હતી.