રાજકોટ એ રંગીલું શહેર છે અને અહીંના લોકો ખાવા પીવાથી લઇ હરવા ફરવા માટે જાણીતા તો છે જ પણ એની સાથે સાથે બેસવા માટે બનતી ખાટલીઓ અને સુવા માટે બનતા ખાટલાઓ માટે પણ પ્રખ્યાત છે. રાજકોટમાં બનતી નાની ખાટલીઓ અને ખાટલાઓ સમગ્ર ગુજરાત ભારત અને વિદેશમાં એક્સપોર્ટ થઇ રહ્યા છે. રાજકોટનો મૂળ ખેડૂત પરિવાર આજે સતત ત્રીજી પેઢી દ્વારા સાથે મળી ખાટલા બનાવવામાં આવી રહ્યા છે.
રજવાડી વસ્તુઓ લુપ્ત થતી જાય છે
રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ સોખડા ગામ કે જ્યાં એક કબીર પરિવાર વસવાટ કરે છે. આ પરિવાર આમતો ખેતી સંકળાયેલ હતો પરંતુ આજે છેલ્લા 15 વર્ષથી તેઓ બેસવા માટે અવનવી નાની ખાટલીઓ અને સુવા માટે અલગ અલગ રંગ બે રંગી ખાટલીઓ બનાવી જાણીતા બન્યા છે. દાદાએ શરૂ કરેલ આ ધંધો આજે પિતા-પુત્ર આગળ વધારી રહ્યા છે. મુસ્તુફાભાઇ કબીરએ જણાવ્યું હતું કે, અમે લાકડાના ખાટલા, રજવાડી ખાટલા અને સ્ટીલના ખાટલા બનાવીએ છીએ. આપણે ત્યાં ધીમે ધીમે રજવાડી વસ્તુઓ લુપ્ત થતી જતી હતી જેમાંની એક છે રજવાડી ખાટલી તેને અમે બનાવી રહ્યા છીએ તેમાં અમે અવનવી ડિઝાઇન અને રંગબેરંગી દોરીથી બનાવતા હોવાથી તે લોકોમાં આકર્ષણ જમાવે છે.
વિદેશમાં પણ ખાટલા એક્સપોર્ટ થાય છે
હાલના સમયની વાત કરવામાં આવે તો અત્યારે લોકોના ઘરમાં પૂરતી જગ્યા ન હોવાથી સંકળાશના કારણે અને આધુનિક સમયમાં લાકડાના સેટી કે બેડ ના કારણે અગાઉના સમયમાં જે લોકોના ઘરમાં ખાટલા જોવા મળતા તે આજે જોવા નથી મળી રહ્યા. ધીમે ધીમે પરિસ્થિતિ એવી આવી કે ખાટલાનો ધંધો લુપ્ત થતો ગયો અને કારીગરો બેરોજગાર બન્યા માટે હવે લોકોને મનપસંદ અને રંગબેરંગી ખાટલા અવનવી ડિઝાઇન સાથે બનાવવાનું શરૂ કર્યું છે. આજે સમગ્ર ગુજરાત ભારત અને વિદેશોમાં એક્સપોર્ટ પણ ખાટલા થઇ રહ્યા છે.
હેન્ડ વર્ક હોય એટલે થોડું અઘરું પડે છે
વધુમાં તેમને જણાવ્યું હતું કે ખાટલામાં મોટા ભાગનું કામ હેન્ડ વર્ક હોય છે એટલે થોડું અઘરું પડે છે મશીનથી કામ આમાં થતું નથી. અમે નાની ખાટલીથી લઈને મોટા ખાટલા બનાવીએ છીએ જેમાં નાની ખાટલીઓ રૂપિયા 1500 થી શરૂ કરી 7500 સુધીની રેન્જમાં બને છે. જ્યારે ખાટલા અમારી 2200 થી શરૂ કરી 40,000 સુધીની રેન્જમાં મળે છે.
સ્નાયુના દુખાવા પણ થતા ન હતા
ઉલ્લેખનીય છે કે અગાઉના સમયમાં લોકોના ઘરમાં સેટી કે બેડ નહિ પરંતુ ખાટલા અને ખાટલીનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. ગામડામાં આજે પણ ઘણી જગ્યાએ ખાટલા જોવા મળે છે પરંતુ હવે રજવાડી ખાટલીઓ બજારમાં આવતા શહેરોમાં પણ લોકોના ઘરમાં ધીમે ધીમે ફરી સ્થાન મળ્યું છે. માન્યતા એવી પણ છે કે અગાઉ લોકો ખાટલામાં જ સુતા હતા એ સમયે બેડ કે સેટી ન હતા માટે ત્યારે લોકોને ખાટલામાં સુવાથી જ કરમના કે સ્નાયુના દુખાવા પણ થતા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.