મિશન@2022 પહેલાં મોદી તોડ લાવશે!:રાજકોટના જૂથવાદથી BJPમાં બે ફાંટા, રૂપાણી-પાટીલ જૂથ વચ્ચે તણખા ચાલુ જ, આ લાવા નહીં ઠરે તો ચૂંટણીમાં ભોગવવું પડશે

રાજકોટ5 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ધારાસભ્યોને મળશે
  • જૂથવાદને ધ્યાને લેશે કે કોઈ એનું ધ્યાને દોરશે
  • રૂપાણીના હોમટાઉનમાં જ તેનું અસ્તિત્વ તળિયે

જ્યારથી વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે ત્યારથી તેમના હોમટાઉન રાજકોટમાં ભાજપમાં બે ફાંટા પડી ગયા છે. જેમા એક રૂપાણી જૂથ અને બીજું પાટીલ જૂથ. બંને વચ્ચેની આંતરિક લડાઈ અનેક વખત પ્રજા સમક્ષ આવી છે. વર્ચસ્વની આ લડાઈ એ હદ સુધી પહોંચી કે રૂપાણીએ પ્રદેશ પ્રમુખ સામે જ બાંયો ચડાવી. પરંતુ પાટીલ પણ ઓછા ઉતર્યા નહીં ને પ્રદેશ પ્રમુખ તરીકેનો પાવર બતાવી રૂપાણીના હોમટાઉનમાં પોતાનું એક જૂથ સક્રિય કર્યું. હવે રૂપાણીનું જ રાજકોટમાં અસ્તિત્વ તળિયે આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને તેઓ ખાસ ધારાસભ્યો સાથે બેઠક કરશે. જેમાં રાજકોટ ભાજપના આંતરિક જૂથવાદને તેઓ ધ્યાને લેશે કે કોઇ તેનું ધ્યાન દોરશે તેના પર સૌ કોઈની મીટ છે. જો આ જૂથવાદ નહીં શમે તો ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભોગવવું પડશે એ નક્કી છે.

આંતરિક જૂથવાદનો ઉકળતો ચરૂ શહેરની રેખા ઓળંગ્યો
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટનો ગુજરાતના રાજકારણમાં મોટો સિંહફાળો રહ્યો છે, નરેન્દ્ર મોદી ખુદ રાજકોટથી પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આજે તેઓ દેશના વડાપ્રધાન છે. રાજકોટને ભાજપનો ગઢ માનવામાં આવે છે, ભાજપનો આંતરિક જૂથવાદનો ઉકળતો ચરૂ શહેરની રેખા ઓળંગી જિલ્લામાં પણ પ્રવેશ કરી ગયો છે. જિલ્લામાં પણ વિજય રૂપાણી જૂથના અસ્તિત્વને તળિયે લાવી દેવા ભાજપનું એક જૂથ ફૂલ ફેઝમાં સક્રિય થયું છે. આ જૂથ રૂપાણી જૂથના અસ્તિત્વને પૂરું કરવા જોરશોરથી પ્રયાસો શરૂ કરી દીધા છે, બે દિવસ માટે નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે ત્યારે અનેક ધારાસભ્યોને મળશે. જેમાં રાજકોટના આંતરિક જૂથવાદનો મુદ્દો તેના નજરે આવશે કે કોઈ મૂકશે તે પણ એક મોટો સવાલ છે. જો આ આંતરિક જૂથવાદ ડામવા તાકીદે કોઇ ઉકેલ કરવામાં નહીં આવે તો 2022ની ચૂંટણીના પરિણામો ભાજપે જરૂર ભોગવવા પડશે.

15 નવેમ્બરે ગોવિંદ પટેલને રૂપાણીએ ખખડાવ્યા હતા
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ખુલ્લા પાર્ટી પ્લોટમાં 15 નવેમ્બર 2021ના રોજ ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને પાસે બોલાવી આમંત્રણપત્રિકામા શું લોચો છે? એમ કહી ખખડાવ્યા હતા. આ સમયે જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા. ત્યારે રૂપાણીએ રામ મોકરિયાને રોકડું પરખાવી કહી દીધું હતું કે તમે બેસી જાવ, તમારી સાથે વાત નથી કરતો. ત્યારે સામે રામ મોકરિયાએ પણ રૂપાણીને કહી દીધું હતું કે, હું તમારી સાથે નહીં પટેલ સાથે વાત કરૂ છું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. થોડીવાર માટે તો સ્ટેજ પર તણાવભરી સ્થિતિ પણ ઉદભવી હતી.

20 નવમ્બરે પાટીલ રાજકોટમાં તો રૂપાણી સુરતમાં હતા
20 નવેમ્બર 2021ના રોજ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. ત્યારે વિજય રૂપાણી પાટીલથી બચવા માટે સુરત એક કાર્યક્રમમાં જતા રહ્યા હતા. રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ આંખે ઊડીને વળગે છે, કારણ કે, હોમટાઉનમાં પ્રદેશ પ્રમુખ પધાર્યા ત્યારે રૂપાણી રાજકોટ છોડી બહાર નીકળી પડ્યા હતા. શું ઠપકાનો ડર? એવો સવાલ લોકોમાં ઊઠ્યો હતો. રૂપાણી સુરતમાં દિક્ષા મહોત્સવ અને વ્હોરા સમાજના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. જોકે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ સીધુ કહી દીધું હતું કે, જે લોકો પાર્ટીથી દૂર જાય તે પાર્ટીથી અલગ જ રહે. બીજી તરફ વજુભાઈ બહાર હોવાની વાત સામે આવી હતી પરંતુ અચાનક વજુભાઈ રાજકોટમાં પ્રગટ થયા હતા. કારણ કે પાટીલ તેમના ઘરે ગયા તો વજુભાઈ હાજર હતા અને તેમણે કહ્યું હતું કે રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ નથી.

15 નવેમ્બર 2021ના રોજ ભાજપના સ્નેહમિલનમાં રૂપાણીએ ગોવિંદ પટેલને ખખડાવ્યા હતા.
15 નવેમ્બર 2021ના રોજ ભાજપના સ્નેહમિલનમાં રૂપાણીએ ગોવિંદ પટેલને ખખડાવ્યા હતા.

31 ડિસેમ્બરે CMના રોડ શોમાં પાટીલ ગયા પછી રૂપાણી હાજર થયા
31 ડિસેમ્બર 2021ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ રાજકોટ આવ્યા ત્યારે એરપોર્ટમાં સભા કરી અને રોડ શો કર્યો હતો. એ સમયે પણ વિજય રૂપાણી રાજકોટમાં હોવા છતાં પણ રોડ શોમાં જોડાયા નહોતા. બાદમાં પાટીલ રોડ શોમાંથી જતા રહ્યા અને પછી ધર્મેન્દ્ર કોલેજમાં સભા સમયે રૂપાણીએ મોઢું બતાવ્યું હતું. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે, પાટીલ હોય ત્યાં રૂપાણી ન હોય અને રૂપાણી હોય ત્યાં પાટીલ એકસાથે જોવા મળતા નથી.

31 ડિસેમ્બર 2021ના રોજ CM ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાંથી પાટીલના ગયા પછી રૂપાણી મુખ્યમંત્રી સમક્ષ હાજર થયા હતા.
31 ડિસેમ્બર 2021ના રોજ CM ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાંથી પાટીલના ગયા પછી રૂપાણી મુખ્યમંત્રી સમક્ષ હાજર થયા હતા.

મનોજ અગ્રવાલ રૂપાણીના વ્યક્તિ અને ગોવિંદ પટેલે કાંટો કાઢ્યો
5 ફેબ્રુઆરીએ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરૂદ્ધ પત્ર લખ્યો અને આખા ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. જોકે મનોજ અગ્રવાલ વિજય રૂપાણીના નજીકના હતા. આથી પાટીલ જૂથના ગોવિંદ પટેલે રૂપાણી જૂથના માનીતા પોલીસ અધિકારીનો કાંટો કાઢવા લેટરબોમ્બ ફોડ્યો અને અંતે મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી થઈ ગઈ.

રૂપાણીના નજીકના તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો કાંટો કાઢવા ધારાસભ્ય ગોવિંદ પટેલે લેટરબોમ્બ ફોડ્યો.
રૂપાણીના નજીકના તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો કાંટો કાઢવા ધારાસભ્ય ગોવિંદ પટેલે લેટરબોમ્બ ફોડ્યો.

હવે રૂપાણી જૂથના જયેશ રાદડિયા ટાર્ગેટ
વિજય રૂપાણીની સરકારમાં પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રહેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ જિલ્લા ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા છે. સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ સિનિયર આગેવાન વિજય સખિયા, પરસોતમ સાવલિયા, નીતિન ઢાંકેચા અને હરદેવસિંહ જાડેજા રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ ગાંધીનગરમાં રજૂઆત કરી હતી. ચારેય આગેવાનોનો આક્ષેપ છે કે રાજકોટ જિલ્લા બેંકની ભરતીમાં જયેશ રાદડિયાએ ભ્રષ્ટાચાર કર્યો છે. બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર સામે ભાજપના જ સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે, આથી રાજકોટ શહેર બાદ હવે જિલ્લામાં ભાજપનો આંતરિક જૂથવાદ ભભૂક્યો છે.

જિલ્લામાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા વચ્ચે આંતરિક ખટરાગ થતા જૂથવાદ સપાટી પર આવ્યો.
જિલ્લામાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા વચ્ચે આંતરિક ખટરાગ થતા જૂથવાદ સપાટી પર આવ્યો.

બાવળિયા અને ફતેપરા વચ્ચે આંતરિક ખટરાગ
4 જાન્યુઆરીએ સી.આર. પાટીલ સાથેની કોળી સમાજની બેઠક યોજાઇ હતી, પરંતુ એ પહેલા જ પૂર્વ સાંસદ અને કોળી સમાજના અગ્રણી દેવજી ફતેપરા નારાજ થયા હતા. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, બાવળિયાએ રામ-લક્ષ્મણની જોડી તોડી છે. ઉલ્લેખનીય છે કે અહીં રામ તરીકે કુંવરજી બાવળિયા અને ફતેપરાએ પોતાને લક્ષ્મણ તરીકે ગણાવ્યા હતા. સામે કુંવરજી બાવળિયાએ પણ જવાબ આપતા જણાવ્યું હતું કે, દેવજીભાઈને સાબરિયા અને મુંજપરા સાથે વાંધો એમાં મારું નામ ઉછાળ્યું છે. સાબરિયા અને મુંજપરા મીટિંગમાં આવવાના હોવાથી ફતેપરાને મને એ બંનેનું મોઢું જોવું નથી, એવું કહી મને પાટીલ સાહબેની મીટિંગમાં આવવાની ના પાડી એમાં હું શું કરી શકું. અમે રામ-લક્ષ્મણની જોડી છીએ જ નહીં.

અન્ય સમાચારો પણ છે...