વિવાદિત નિવેદન:રાજકોટ જિ.પં.ના પ્રમુખે કહ્યું- એક બેઠક ઓછી થવાથી કંઇ ફરક પડ્યો નથી, બાવળિયા અને બોઘરાની આંતરિક લડાઇમાં મતદારોએ નારાજગી દર્શાવી

રાજકોટ12 દિવસ પહેલા
કુંવરજી બાવળિયા અને ભરત બોઘરાની ફાઇલ તસવીર.
  • મતદારોનો નિર્ણય શિરોમાન્ય રાખી ક્યાંકને ક્યાંક ચૂક રહી તેનો અભ્યાસ કરવામાં આવશે

રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર અને સાણથલી બેઠક પર ભાજપનો કારમો પરાજય થયો છે અને કોંગ્રેસ બાજી મારી ગયું છે. ત્યારે જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ ભુપત બોદરે વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે, એક બેઠક ઓછી થવાથી કોઈ ફેર પડ્યો નથી. પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા વચ્ચે ચાલી રહેલી આંતરિક લડાઇને કારણે મતદારોએ ક્યાકને ક્યાક નારાજગી દર્શાવી છે. આ ભૂલ અમે સ્વીકારીએ છીએ.

મતદારોની નારાજગી જાણી દૂર કરવા પ્રયત્ન કરીશું
વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની બંને બેઠક પર ભાજપની હાર થઈ છે. મતદારોનો નિર્ણય શિરોમાન્ય રાખી ક્યાંકને ક્યાંક ચૂક રહી તેનો અભ્યાસ કરવામાં આવશે. તે વિસ્તારોમાં જઈ લોકોના પ્રશ્ન અને નારાજગી જાણી તે દૂર કરવા પ્રયત્ન કરીશું. જિલ્લા પંચાયતની સત્તા ભાજપ પાસે છે. એક બેઠક ઓછી થવાથી કોઈ ફરક પડ્યો નથી. આમ છતાં મતદારોની નારાજગી જાણી દૂર કરવા પ્રયત્ન કરીશું.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે મીડિયા સાથે વાત કરી.
જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે મીડિયા સાથે વાત કરી.

2022ની વિધાનસભાની ચૂંટણીમાં અસર ન પડે તેવી મહેનત કરીશું
રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની 36 બેઠક પૈકી 25 ભાજપ અને 11 કોંગ્રેસ પાસે હતી. આજે પેટાચૂંટણીના પરિણામ બાદ ભાજપ પાસે 24 અને કોંગ્રેસ પાસે 12 બેઠક થઇ ગઈ છે. આજના પરિણામની અસર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ન પડે તે રીતે મહેનત કરવામાં આવશે તેવું અંતમાં જણાવ્યું હતું.

કોંગ્રેસમાં જીતનો જશ્ન.
કોંગ્રેસમાં જીતનો જશ્ન.

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ બોઘરા અને બાવળિયા વચ્ચે આંતરિક ખટરાગનું પરિણામ
જસદણ તાલુકાની આ બંને બેઠકમાંથી શિવરાજપુર બેઠક કોંગ્રેસ પાસે હતી. જ્યારે સાણથલી બેઠક ભાજપ પાસે હતી. પરંતુ આ પેટાચૂંટણીમાં સાણથલી બેઠક પણ કોંગ્રેસે કબ્જે કરી લેતા જિલ્લા ભાજપમાં સોંપો પડી ગયો છે. જસદણ તાલુકાના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા વચ્ચે ક્યાંકને ક્યાંક આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે. આથી સાણથલી બેઠક ઉપર ભાજપની હાર થઇ છે. જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બંને બેઠકના અગાઉના ઉમેદવારોનાં કોરોનાથી નિધન થતા આ બંને સીટો ઉપર પેટાચૂંટણી યોજાઇ હતી ઉલ્લેખનીય છે કે, આ પેટા ચૂંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર પણ પ્રચારમાં ઉતર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...