રાજકોટ જિલ્લા પંચાયતમાં મોટાભાગના શાસકો હાજર રહેતા નથી, આંતરિક સંકલનનો અભાવ છે, તે મુદ્દો પક્ષ લેવલે પહોંચ્યા બાદ ઉચ્ચ કક્ષાએથી દરમિયાનગીરી બાદ જિલ્લા પંચાયતના આંગણે દર સોમવારે ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા માટે સાપ્તાહિક ધોરણે દર સોમવારે સવારે 11 કલાકે ‘લોકદરબાર’ યોજવાનું નક્કી થયું હતું, પરંતુ અત્યાર સુધીના તમામ સાતે સાત સેશન નિરસ રહ્યા બાદ અંતે જિલ્લા પંચાયત પ્રમુખે હાલ વરસાદ-ખેતીની મોસમ હોવાથી અરજદારો આવતા ન હોઇ, તહેવારો પણ માથા પર હોવાનું કારણ રજૂ કરી હાલ ‘લોકદરબાર’ યોજવાનું મોકૂફ રાખ્યાની જાહેરાત કરી છે.
જિલ્લાના 597થી વધુ ગામડાંના વિકાસની જવાબદારી જેના શિરે છે તે જિલ્લા પંચાયત દ્વારા દર સોમવારે લોકદરબાર યોજવાનું નક્કી કરાયું હતું. અત્યાર સુધીમાં સાપ્તાહિક લોકદરબારની સાત સેશન યોજાઇ હતી. દરેક સેશનમાં ગણ્યા ગાઠ્યા અરજદારો આવતા તેમજ પાંચથી સાત પ્રશ્ન જ આવી રહ્યા હતા. ક્યારેક પ્રમુખ પોતે હાજર ન હોય તો ક્યારેક ઉપપ્રમુખ તેમજ અન્ય સદસ્યોની ગેરહાજરી હોય તેવું બનતું હતું.
‘લોકદરબાર’નો કાર્યક્રમ મહદંશે નિરસ સાબિત થઇ રહ્યો હોય તેવા માહોલ વચ્ચે મુદ્દો ચર્ચાની એરણે આવ્યો હતો. આ સોમવારે 25મી જુલાઇએ યોજાયેલા ‘લોકદરબાર’માં પણ માંડ પાંચ જ પ્રશ્ન આવ્યા હતા, સામે પ્રશ્નો સાંભળનારા સાતથી વધુ લોકો લોબીમાં ખુરશી નાખીને અરજદારોની રાહ જોતા હતા. આ સ્થિતિ વચ્ચે છેલ્લા ત્રણ સોમવારથી સાપ્તાહિક ‘લોકદરબાર’ યથાવત્ રાખવો કે બંધ કરવો તે અંગે આંતરિક સ્તરે ગુફ્તેગૂ ચાલી રહી હતી.
અંતે લોકદરબાર યોજવાનું મોકૂફ રાખવાની જાહેરાત કરાઇ છે. આ અંગે વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે, જિલ્લા પંચાયતનું વાતાવરણ જ એવું છે, અરજદારો સમજે છે કે, કોઇ પણ પ્રશ્નોનું નિરાકણ થઇ શકે તેમ નથી. વહીવટી બાબતોને લઇને સવાલો ખડા થઇ રહ્યા છે, ત્યારે અરજદારો આવતા બંધ થઇ ગયા છે.
‘વરસાદ-ખેતીની સિઝન, તહેવારો માથા પર હોય લોકદબાર મોકૂફ’
‘ જિલ્લા પંચાયતે ગામડાંના લોકો સીધા પ્રશ્નોની રજૂઆત કરી શકે માટે લોકદરબારનું આયોજન કરાયું હતું, પરંતુ હાલ વરસાદ, ખેતીની મોસમ તેમજ તહેવારો માથા પર હોય હાલ લોકદરબાર મોકૂફ રાખ્યો છે’ - ભૂપત બોદર, પ્રમુખ - રાજકોટ જિલ્લા પંચાયત
એકચક્રી શાસન જેવો માહોલ
લોકદરબાર મોકૂફ રાખવાનો નિર્ણય થતા એક સદસ્યએ જણાવ્યું હતું કે, હજુ સંકલનનો અભાવ છે, એક બીજાને વિશ્વાસમાં લીધા વગર કામકાજ ચાલી રહ્યાનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે પ્રશ્નો-અરજદારો આવતા ન હોવાથી અંતે આ નિર્ણય લેવાયો હોઇ, તેવું હોઇ શકે. જિલ્લા પંચાયતમાં એકચક્રી શાસનનો મુદ્દો ચર્ચાના એરણે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.