પગલા લેવા DDO પાસે માગણી:રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રજા લીધા વિના અને કોઈને ચાર્જ સોંપ્યા વગર વિદેશ જતા રહ્યાઃ વિપક્ષ નેતા

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરીયાએ મીડિયા સાથે વાત કરી.

રાજકોટની જિલ્લા પંચાયત વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર હાલ વિદેશની યાત્રામાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે વિપક્ષના નેતા અર્જુન ખાટરીયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પ્રમુખ ભુપત બોદર રજા લીધા વગર વિદેશ યાત્રાએ નીકળી ગયા છે. તેમજ પોતાની ગેરહાજરીમાં કોઈને ચાર્જ પણ સોંપતા ગયા નથી. આથી જિલ્લા વિકાસ અધિકારી (DDO) તેની સામે પગલા લે તેવી માગ કરું છું.

ચૂંટણી પહેલા લોકોના કામો ખોરંભે ચડ્યા
અર્જુન ખાટરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રમુખ જ વિદેશ પ્રવાસે હોય ત્યારે ચૂંટણી પૂર્વે પ્રજાના કામ ખોરંભે ચડ્યા છે, અગાઉ પ્રમુખ દ્વારા ત્રણ લોક દરબાર યોજવામાં આવ્યા હતા અને ત્યારબાદ લોક દરબાર બંધ કરી દેવામાં આવતા જિલ્લામાં સમસ્યારૂપી પ્રશ્નો હાલ યથાવત જોવા મળી રહ્યા છે. ભુપત બોદર ચાર્જ સોંપ્યા વગર ગયા હોય તો ડીડીઓ આ મામલે પગલા લઈ કાર્યવાહી કરે તેવી માગ છે.

માત્ર જસદણ જ નહીં પ્રદેશ સુધી જૂથવાદ
અર્જુન ખટરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં ભાજપને રસ નથી. નિયમ એવો છે કે, પ્રમુખ હાજર ન હોય તો જિલ્લા પંચાયતના પ્રમુખને ચાર્જ સોંપવો જોઈએ. બીજી તરફ પદાધિકારીઓ પોતાની ચેમ્બરમાં હાજર રહેતા નથી. વિધાનસભાની ચૂંટણી પહેલા લોકોના નવા કામો થતા નથી. ભાજપમાં માત્ર જસદણમાં જ નહીં પણ પ્રદેશ સુધી જૂથવાદ છે. જસદણમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બળિયા આગેવાનો વચ્ચે લડાઈ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...