પ્રથમ તક:રાજકોટ જિલ્લા પંચાયતમાંથી પ્રથમવાર પ્રમુખની ગુજરાત પ્રદેશ પંચાયત પરીષદના ઉપપ્રમુખ પદે વરણી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભુપત બોદર (ફાઈલ તસવીર). - Divya Bhaskar
ભુપત બોદર (ફાઈલ તસવીર).
  • હું ગુજરાતમાં ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ પંચાયતોને એકબીજાની નિકટ લાવવા પ્રયત્ન કરીશઃ ભુપત બોદર

25 ઓગસ્ટના રોજ ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના ટ્રસ્ટી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, માનનીય પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ રાજ્યની મોટાભાગના જિલ્લા પંચાયતના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પ્રમુખ અને અન્ય હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં નયનાબેન પટેલ (પ્રમુખ, જિલ્લા પંચાયત, ખેડા)ની પ્રમુખ પદે અને ભુપત બોદર (પ્રમુખ, જિલ્લા પંચાયત, રાજકોટ)ની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ હોદેદારો, સંકલન સમિતિ અને ઝોન વાઈઝ સ્ટિયરિંગ કમિટીની પણ વરણી કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખને પ્રથમવાર બઢતી મળી
રાજકોટ જિલ્લા પંચાયત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કે જ્યાં સૌ પ્રથમવાર કોઈ પ્રમુખની ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરની ઉપપ્રમુખ પદે વરણી થતા રાજકોટ જિલ્લા પંચાયતના હોદેદારો અને સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો, હોદેદારો તથા સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લાના પૂર્વ પંચાયતના સર્વે પદાધિકારીઓ અને જિલ્લાના તમામ સહકારી આગેવાનોએ શુભેચ્છા પાઠવી છે.

ગુજરાતની પંચાયતોને નિકટ લાવવા પ્રયત્ન કરીશઃ ભુપત બોદર
ઉપપ્રમુખ પદે વરણી બાદ પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું કે, હું ગુજરાતમાં ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ પંચાયત સંસ્થાઓને એકબીજાના નિકટ સંપર્કમાં લાવવા પ્રયત્ન કરીશ. જેથી પરસ્પર સહકારથી તે સુદ્રઢ અને બળવત્તર બને અને લોકશાહી, રાષ્ટ્રીય વિકાસ અને સામાજિક પરિવર્તનનું કાર્યક્ષમ સાધન અને માધ્યમ બની રહે. ઉપરાંત સમાન સવાલોના નિરાકરણ માટે સાથે બેસીને વિચાર વિનિમય કરી શકાય. તેમજ સમાન ધ્યેય માટે આગેકૂચ કરે અને એકબીજાના અનુભવોનો લાભ મેળવે.