કોરોનાના વધતા કેસની સાથે સાથે વિશ્વભરમાં જેની ચિંતા પ્રસરી છે તે ઓમિક્રોન વેરિયેન્ટના રાજકોટમાં કન્ફર્મ અને શંકાસ્પદ એવા 12 દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી 9ને ડિસ્ચાર્જ કરી 3ની સારવાર ચાલી રહી હોવાથી આજે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી રાજકોટ આવી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, એક 100 બેડની પોર્ટેબલ હોસ્પિટલ બનાવવામાં આવશે, રાજકોટ દ્વારા 200 વેન્ટિલેટરની માગ કરવામાં આવી છે. સરકાર ટૂંક સમયમાં 200 વેન્ટિલેટર રાજકોટને આપશે. હાલ 800 વેન્ટિલેટર રાજકોટ પાસે ઉપલબ્ધ છે. મનુબેન ઢેબરભાઈ સેનેટોરિયમ ખાતે 100 બેડની પોર્ટેબલ હોસ્પિટલ બનશે.
બીજી લહેર જેવી અગવગતા ન થાય તેની અધિકારીઓ સાથે ચર્ચા કરી
રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જે રીતે છેલ્લા એક અઠવાડિયાની અંદર કોરોના અને ઓમિક્રોનના કેસની અંદર નોંધપાત્ર વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખી બીજી લહેર માફક કોઈ અગવડતા ન થાય તે માટે અધિકારીઓ સાથે બેઠક યોજી સુવિધા અને જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વેક્સિનેશનનો વ્યાપ વધારવા આરોગ્ય વિભાગને આદેશ
જીતુ વાઘાણી અને અરવિંદ રૈયાણીએ રાજકોટ જિલ્લાની કોરોના સંબંધિત પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી બાબતોના કેબિનેટ મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી જીતુ વાઘાણીએ રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધવાની પરિસ્થિતિમાં સરકારી તંત્રની સજ્જતા વિશે સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીએ કોરોનાનો સામનો કરવા માટે વેક્સિનેશનનો વ્યાપ વધારવા આરોગ્ય તંત્રને જરૂરી આદેશો કર્યા હતા.
જીતુ વાઘાણીએ પી.ડી.યુ. હોસ્પિટલની મુલાકાત લીધી
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટેની રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની તમામ કામગીરીથીથી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીને વાકેફ કર્યા હતા. રાજકોટ શહેરની કોરોના સંબંધિત પરિસ્થિતિથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને રાજકોટ ગ્રામ્યની પરિસ્થિતિથી જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ મંત્રી વાઘાણીને માહિતગાર કર્યા હતા. બંને મંત્રીઓએ જાહેર જનતાને કોરોનાની પરિસ્થિતિથી ગભરાયા વગર પૂરતી સાવચેતી રાખવા અને રસીકરણ કરાવવા અનુરોધ કર્યો હતો. બંને મંત્રીઓ તથા અધિકારીગણે પી.ડી.યુ. હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
વહીવટી તંત્ર પ્રતિદિન 7000 ટેસ્ટ કરવાની તૈયારી દર્શાવી
સમીક્ષા બેઠકમાં રજૂ કરાયેલી માહિતી મુજબ જિલ્લા વહીવટીતંત્રએ પ્રતિદિન 7000 ટેસ્ટ કરવાની તૈયારી રાખી છે. જરૂર પડ્યે વધારાના 2000 ટેસ્ટ પ્રતિદિન વધારવાની ક્ષમતા પણ જિલ્લા વહીવટી તંત્રની છે. કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પી.ડી.યુ. મેડિકલ હોસ્પિટલ સહિત કુલ 165 આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં 8320 બેડ, 600 વેન્ટિલેટર, 574 એમ્બ્યુલન્સ ખડેપગે તૈયાર રાખવામાં આવી છે. ઓક્સિજનની 24 ટેન્ક તૈનાત કરવામાં આવી છે, જેની ક્ષમતા 15.6 મેટ્રિક ટન છે.
100 ધન્વંતરી રથ અને 30 સંજીવની રથ દોડી રહ્યા છે
રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા વધારે સંક્રમણની શક્યતાવાળા હોટસ્પોટ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે વધારવામાં આવી રહ્યા છે. હોમ આઇસોલેશનના દર્દીઓને ઈ-સંજીવની દ્વારા દરરોજ એક વખત ફોન મારફતે તબિયતની દેખરેખ રાખવામાં આવે છે. જિલ્લા તથા શહેરમાં 100 ધન્વંતરી રથ અને 30 સંજીવની રથ ભ્રમણ કરી રહ્યા છે. હેલ્પલાઇન નંબર ઉપર અંદાજે રોજના 90થી વધુ ફોન કોલ આવી રહ્યા છે, જેમને જરૂરિયાત મુજબ સારવાર આપવામાં આવી રહી છે.
પીડીયુ મેડિકલ કોલેજ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જે રીતે છેલ્લા એક અઠવાડિયાની અંદર કોરોનાના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે જેને જોતા આજે રાજકોટ આવી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના કલેક્ટર, સિવિલ હોસ્પિટલના તબીબો, પોલીસ કમિશનર, મનપા કમિશનર, જિલ્લા પોલીસ વડા, મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રિવ્યુ અને સમીક્ષા બેઠક યોજી હતી. સૌ પ્રથમ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ બેડ, ઓક્સિજન અને ICU બેડ સાથે સાથે ઓક્સિજનની વ્યવસ્થા સહિતની સુવિધા અંગે માહિતી મેળવી સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક બાદ સરકારને માહિતી આપવામાં આવશે
અધિકારીઓની બેઠક બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ બાળકો સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ તબીબોના પીડિયાટ્રિક એસોસિએશન સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમીક્ષા બેઠક બાદ સરકારમાં મુખ્યમંત્રી અને જવાબદાર વિભાગને આ અંગે માહિતી આપવામાં આવશે અને જરૂર જણાય ત્યાં સરકાર મદદરૂપ થઇ યોગ્ય અમલવારી અને સૂચનો ધ્યાનમાં રાખી સુવિધા પૂરી પાડી આ મહામારીથી વધુને વધુ લોકોને કેવી રીતે બચાવી શકાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.