સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:રાજકોટ જિ.પં.ની 36 અને 11 તા.પં.ની 202 બેઠક પર આજે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, સાંજથી પ્રચાર પડઘમ શાંત, 3000 પોલીસ જવાનનો બંદોબસ્ત

રાજકોટ8 મહિનો પહેલા
પ્રચારના છેલ્લા દિવસે ગોંડલમાં ભાજપને બાઇક રેલી.
  • રાજકોટ જિલ્લામાં 18 ક્યુઆરટી ટીમ અને 68 મોબાઈલ વેન સતત પેટ્રોલિંગ કરશે
  • ગોંડલ નગપાલિકાની ચૂંટણીમાં 32 મતદાન બુથ સંવેદનશીલ જાહેર કરાયા

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થઈ ગયા બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મતદાન આડે હવે બે જ દિવસ બાકી રહ્યાં છે. ત્યારે પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 અને 11 તાલુકા પંચાયતની 202 બેઠક પર આજ સાંજથી ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થશે. રાજકોટ જિલ્લામાં વિવિધ મતદાન મથકો પર 3 હજાર પોલીસ જવાનનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

આપ પંચાયતોમાં સરેરાશ 25 ટકા જેટલી બેઠકો લડી રહ્યું છે
પંચાયતોની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે સહિતનાં રાજકીય પક્ષોએ છેલ્લા દિવસોમાં તમામ તાકાત કામે લગાડી છે. આમ આદમી પાર્ટી પંચાયતોમાં સરેરાશ 25 ટકા જેટલી બેઠકો લડી રહી છે. માહાપાલિકાની ચૂંટણીનાં પરિણામો બાદ જ્યાં આપ મેદાનમાં છે ત્યાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાં આપના 21 ઉમેદવારો મેદાનમાં છે. જેતપુર તાલુકા સહિતની બેઠકોમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. મહાપાલિકામાં આપ કોંગ્રેસને નડી જતા હવે પંચાયતોમાં મતોનું વિભાજન અટકાવવા કોંગ્રેસે કમર કસી છે.

ગોંડલમાં સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ.
ગોંડલમાં સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ.

રાજકોટ જિલ્લામાં પોલીસ બંદોબસ્ત
રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની આગામી રવિવારે યોજાનાર ચૂંટણીમાં 3 હજારથી વધુ સુરક્ષા જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં કુલ 680 બિલ્ડીંગમાં 1079 મતદાન મથકો પર રાખવામાં આવ્યા છે. આ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, 1082 પોલીસ જવાન, 2 કંપની અને 1 પ્લાટુન એસઆરપી, એક કંપની સીઆઈએસએફ, 1625 હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો બંદોબસ્ત રહેશે. આ ઉપરાંત જિલ્લાના તમામ સ્ટ્રોંગરૂમ ખાતે એસઆરપીનો સજ્જડ બંદોબસ્ત મૂકવામાં આવશે. જિલ્લામાં આવતા 18 પોલીસ મથકો પર સંવેદનશીલ-અતિસંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, ફલેગમાર્ચ અને એરીયા ડોમીનેશન કરવામાં આવી રહ્યું છે.

ગોંડલમાં ભાજપે બાઇક રેલી યોજી.
ગોંડલમાં ભાજપે બાઇક રેલી યોજી.

ગોંડલ નગરપાલિકા ચૂંટણીના 32 બુથ સંવેદનશીલ જાહેર કરાયા
ગોંડલ નગરપાલિકા ચૂંટણીના 32 બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગોંડલ માંડવી ચોક, મોટી બજાર, ચોરડી દરવાજા, નાની બજાર, સ્વામિનારાયણ મંદિરથી ગુંદાળા દરવાજો, જેલ ચોક, ત્રણ ખુણીયો, બસ સ્ટેન્ડ, ગુંદાળા ચોકડી, જેતપુર રોડ, મોવિયા ચોક, ભગવતપરા સહિતના વિસ્તારોમાં DYSP પી.એ.ઝાલા, ગોંડલ શેહર PI એસ.એમ.જાડેજા, PSI બી.એલ. ઝાલા, ડી.પી.ઝાલા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ગોંડલ શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ 90 બુથ ઉપર પોલીસ, હોમગાર્ડ, અને CISFના જવાનો તૈનાત રાખવામાં અવ્યા છે.

ગઇકાલે રાત્રે પડધરીમાં હાર્દિક પટેલની સભા યોજાઇ હતી.
ગઇકાલે રાત્રે પડધરીમાં હાર્દિક પટેલની સભા યોજાઇ હતી.

પ્રચારના છેલ્લા દિવસે ગોંડલમાં ભાજપે બાઇક રેલી યોજી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે પાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 28ના રોજ યોજનાર છે. ત્યારે પ્રચારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા ગોંડલ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કાર, બાઈક સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ તકે પોરબંદરના સંસદ રમેશ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, ઉપ પ્રમુખ રિનાબેન ભોજાણી, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, યુવા નેતા પ્રશાંતભાઈ કોરાટ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...